New Delhi,તા.05
રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કેટલાક નામ એવા છે જે અગાઉથી જ નક્કી માનવામાં આવતા હતા, કેટલાક એવા છે જેઓ સંગઠનમાં લાંબા સમયથી કામ કરી રહ્યા હતા અને કેટલાક એવા નામ છે જેમની પસંદગી પાછળ સ્પષ્ટ રાજકીય સંદેશ છુપાયેલો છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચા કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાની થઈ રહી છે, જેમને આખરે રાજ્યસભાની ટિકિટ મળી ગઈ છે. આ એ જ પવન ખેડા છે, જેમણે ગત વખતે ટિકિટ ન મળવા પર કહ્યું હતું કે, ‘કદાચ મારી તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હશે.’
કોંગ્રેસે કર્ણાટકથી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પવન ખેડા અને મન્સૂર અલી ખાનને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ મધ્ય પ્રદેશથી મીનાક્ષી નટરાજન, રાજસ્થાનથી નીરજ ડાંગી, તમિલનાડુથી પ્રવીણ ચક્રવર્તી અને ઝારખંડથી પ્રણવ ઝાને મેદાનમાં ઉતાર્યા છે. આ નામો દ્વારા કોંગ્રેસે સંગઠન, સામાજિક સંતુલન અને પ્રાદેશિક રાજકારણને સાધવાનો પ્રયાસ કર્યો છે.
આ યાદીમાં સૌથી ચર્ચિત નામ પવન ખેડાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ટીવી ડિબેટ્સમાં કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રજૂ કરનારા ખેડા પાર્ટીના સૌથી પ્રખર ચહેરાઓમાં ગણાય છે. વર્ષ 2024માં જ્યારે રાજ્યસભાની યાદી આવી અને તેમાં તેમનું નામ નહોતું, ત્યારે તેમણે એક ભાવુક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘કદાચ મારી તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હશે.’ આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. પાર્ટીની અંદર પણ એવું માનવામાં આવતું હતું કે ખેડા લાંબા સમયથી રાજ્યસભાના પ્રબળ દાવેદાર છે.
હવે કોંગ્રેસે તેમને કર્ણાટકથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને એવો સંકેત આપ્યો છે કે સંગઠન માટે સતત કામ કરનારાઓને આખરે સન્માન મળે જ છે. રાહુલ ગાંધી અને ખડગે નેતૃત્વના નજીકના ગણાતા ખેડા હવે સંસદની અંદર કોંગ્રેસનો અવાજ બની શકે છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હતો. પાર્ટીએ તેમને ફરી એકવાર કર્ણાટકથી ઉમેદવાર બનાવીને સ્પષ્ટ કરી દીધું છે કે આગામી વર્ષોમાં પણ તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં બન્યા રહેશે. 84 વર્ષની ઉંમરે પણ ખડગે વિપક્ષના રાજકારણના સૌથી મહત્વપૂર્ણ ચહેરાઓમાંથી એક છે. સંસદની અંદર સરકારને ઘેરવાથી લઈને INDIA ગઠબંધનને એકજૂથ રાખવા સુધી તેમની ભૂમિકા સતત વધી છે. કોંગ્રેસ નેતૃત્વ માને છે કે રાજ્યસભામાં ખડગેની હાજરી પાર્ટી માટે જરૂરી છે. આ જ કારણ છે કે તેમની ઉમેદવારી લગભગ નક્કી માનવામાં આવી રહી હતી.

