Bhavnagar,તા.05
મહુવા તાલુકાના દયાળ ગામે ચાર વર્ષ પૂર્વે માતા-પુત્રી ઉપર હુમલો કરનાર દંપતીને કોર્ટે ત્રણ માસની કેદ અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
મહુવાના દયાળ ગામે રહેતા ગજરાબેન પોપટભાઈ ખસીયા અને તેમના માતા જયાબેન પોપટભાઈ ખસીયા ગત તા.૧૨-૩-૨૦૨૨ના રોજ સાંજના સમયે ઘરેથી બીજા પ્લોટે જવા જવા નીકળેલ તે સમયે દિવ્યાબેન લલાજીભાઈ ખસીયાએ જયાબેનની નકલ કરતા ગજરાબેનએ કહેલ કે, મારા બાની નકલ તમે કેમ કરો છો ? તે વાતને લઈ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી દિવ્યાબેન અને તેમના પત્ની લાલજી બાબુભાઈ ખસીયા (રહે, બન્ને દયાળ, તા.મહુવા)એ ગજરાબેનનું માથું દિવાલ સાથે ભટકાડી, વાળ પકડી નીચે પાડી દઈ લાકડી વડે તેમજ જયાબેનને ઢીકાપાટુંનો માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે દાઠા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ જે.બી. શર્માની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલો વગેરેને ગ્રાહ્ય રાખી દિવ્યાબેન અને લાલજી ખસીયાને ત્રણ માસ સાદી કેદની સજા તેમજ બન્ને આરોપીને એક-એક હજાર રૃપિયાનો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ સાત દિવસની સાદી કેદ ભોગવવા હુકમ કરેલ છે.

