ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ; નો મોટર વ્હિકલ ડે ઝુંબેશમાં જોડાવા અપીલ
(નયના દવે દ્વારા) Jamnagar તા.૫
સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ સરકારી વાહન કે કારમાં કચેરીએ પહોંચતા હોય છે, પરંતુ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અને નવ નિયુક્ત આઈએએસ અધિકારી સુશ્રી નિશા મેડમે અનોખી પહેલ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે તેઓ આજે સરકારી વાહનને બદલે સાયકલ પર જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા.
વડાપ્રધાન દ્વારા સમયાંતરે ઈંધણ બચત, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવા કરવામાં આવતી અપીલને માન આપી જિલ્લા વિકાસ અધિકારીએ આ પહેલ કરી હોવાનું જાણવા મળે છે. સવારે પોતાના નિવાસસ્થાનેથી સાયકલ લઈને નીકળેલા નિશા મેડમ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને દિવસભરની સરકારી કામગીરી પણ નિભાવ્યા બાદ સાયકલ પર જ પરત ફર્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વધતા વાહનવ્યવહાર અને ઈંધણના વપરાશને કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે. જો દરેક નાગરિક અઠવાડિયામાં માત્ર એક દિવસ પણ ખાનગી વાહનનો ઉપયોગ ટાળે અને શક્ય હોય ત્યાં સુધી સાયકલ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો ઈંધણની મોટી બચત સાથે પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
તેમણે જામનગર જિલ્લાના નાગરિકોને નો મોટર વ્હિકલ ડેની ભાવનાને સ્વીકારી અઠવાડિયામાં એક દિવસ સાયકલ, પગપાળા અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ પ્રકારની નાની શરૂઆતથી પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય સુધારણા અને ઊર્જા બચત જેવા અનેક સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીની આ પહેલને જિલ્લા પંચાયતના કર્મચારીઓ તેમજ નાગરિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો. એક મહિલા આઈએએસ અધિકારી તરીકે તેમણે માત્ર સંદેશ આપ્યો નથી પરંતુ પોતે તેનું અનુસરણ કરીને નારી શક્તિ, જવાબદાર નાગરિકતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જામનગર જિલ્લામાં ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ પહેલ અન્ય સરકારી કર્મચારીઓ અને નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

