Jasdan, તા.11
જસદણના કમળાપુરમા રૂ. 78 લાખના ખર્ચે નિર્માણ પામેલા ડો. આર.ડી. ગાર્ડી હાઈસ્કૂલના ભવનનું મંત્રી કુંવરજીભાઇના હસ્તે લોકાર્પણ. જસદણ તાલુકાના કમળાપુર ખાતે મહત્વપૂર્ણ વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેટકોની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ અંતર્ગત અંદાજિત રૂ. 78 લાખના ખર્ચે નિર્માણ પામેલા ડો. આર.ડી. ગાર્ડી હાઈસ્કૂલના નવીન શાળા ભવનનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. નિર્માણ પામેલું આ નવીન શાળા ભવન વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જસદણ-વિંછીયાના વિવિધ વિસ્તારો ખાતે ધારાસભ્યએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો. વિંછીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ આ અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. વિંછીયા ગ્રામ પંચાયત કચેરી અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી ઉપસ્થિત લોકોને સ્વચ્છતા જાળવવા અને તેને પોતાના રોજિંદા જીવનમાં આ ટેવને વણી લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મામલતદાર મેહુલ બલિયા, જસદણ તાલુકા વિકાસ અધિકારી હિતેષ વાઘેલા, વિંછીયા તાલુકા વિકાસ અધિકારી બી. જે. દવે, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિવિધ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા અભિયાન
જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ પવિત્ર આઇશ્રી જાનબાઇ ખોડલના મંદિરે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સહભાગી બની મંદિરના પટાંગણ, પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી જસદણ મામલતદાર મેહુલ બલિયા, જસદણ તાલુકા વિકાસ અધિકારી હિતેષ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

