Mumbai,તા.11
બોલિવૂડ અભિનેત્રી કૅટરિના કૈફના ચાહકો જેઓ તેના ફરીથી સિલ્વર સ્ક્રીન પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કૅટરિના કૈફની સત્તાવાર ટીમે તે તમામ અહેવાલોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે એક્ટ્રેસ વર્ષ 2027માં એક્ટિંગમાં કમબેક કરવાની યોજના બનાવી રહી છે અને OTT પ્રોજેક્ટ્સ માટે સ્ક્રિપ્ટો શોધી રહી છે. કૅટરિનાની ટીમે આ અહેવાલોને માત્ર એક અફવા અને ખોટી માહિતી ગણાવી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે પુત્ર ‘વિહાન’ના જન્મ બાદ બ્રેક પર ગયેલી કૅટરિના કૈફ હવે ડિજિટલ ડેબ્યૂ કરવા માટે ઉત્સુક છે અને યોગ્ય સ્ક્રિપ્ટની શોધમાં છે. આ તમામ અફવાઓનો અંત લાવતા કૅટરિના કૈફની ટીમે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, “કૅટરિના કૈફના ભવિષ્યના એક્ટિંગ પ્લાન્સને લઈને મીડિયામાં જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં બિલકુલ સચ્ચાઈ નથી. આ અહેવાલો સંપૂર્ણપણે અટકળો અને ખોટી માહિતી પર આધારિત છે, જેની કોઈ ચકાસણી કરવામાં આવી નથી.” આ નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કૅટરિનાએ હાલમાં મનોરંજનની દુનિયામાં વાપસી માટે કોઈ જ પ્લાનિંગ કર્યું નથી.કૅટરિના કૈફ અને તેના પતિ વિકી કૌશલે 7 નવેમ્બર 2025ના રોજ તેમના પુત્ર વિહાનનું દુનિયામાં સ્વાગત કર્યું હતું. આ સ્ટાર કપલે શરૂઆતથી જ એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાના પુત્રના જીવનને સંપૂર્ણપણે ખાનગી રાખવા માંગે છે. તેમણે પોતાના બાળકને મીડિયા અને સોશિયલ મીડિયાની ઝાકઝમાળથી દૂર રાખ્યો છે. જાન્યુઆરી 2026માં એક જોઈન્ટ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમણે બાળકના નામનો ખુલાસો કર્યો હતો. ‘વિહાન’એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ‘પરોઢ’ અથવા ‘સૂર્યોદય’ થાય છે.

