ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભારત વિકાસનાં પંથે ચોક્કસ છે! પણ દેશ સર્વાંગી વિકાસને સાધી શકતો નથી! એનું કારણ અસમાનતા તો છે જ, પરંતુ આપણું ધર્મ પ્રત્યેનું અજ્ઞાન વધુ કારણભૂત છે! અત્યાધુનિક સમાજમાં પણ ધર્મને નામે પેઢી દર પેઢી જડ પરંપરાનું નિર્વહન થાય છે. દેશકાળ પ્રમાણે અમુક પરંપરાને વળગી રહેવું ન જોઈએ, અને એમાં પણ એ શું કામ આચરવુ? એ જ્ઞાન ન્હોય ત્યારે તો નહીં જ! સંસારીઓ માટે ઈશ્વર સુધી પહોંચવાનાં માર્ગનું નામ ધર્મ છે! અને મનુષ્ય સૌથી વધુ સૌથી ભ્રાંતિ ધર્મને નામે ધરાવે છે! અને ભયભીત રહે છે! જ્યારે ઈશ્વર તો આપણને ભય મુક્ત કરનાર છે. એટલે એમ કહી શકાય કે માનવીએ ધર્મને જ ઈશ્વર માની લીધો છે. ખરેખર પરમ તત્વ સુધી એની નજર પહોંચે એ પહેલાં જ, એ ધર્મ નામનાં ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો! માનવીય જીવન મુખ્ય બે ભાવ આસપાસ ભમતું જોવાં મળે છે, એક હર્ષ અને બીજું શોક! એટલે જન્મ મૃત્યુ, અને બંનેમાં મોહ માયાનું અજ્ઞાન જીવને ઘેરી વળે છે! અને અજ્ઞાનમાં પાઠ પૂજા ભક્તિ બધું નિરર્થક છે, એટલે સનાતન ધર્મમાં “સૂતક”ની પરંપરા શરૂ કરવામાં આવી, જેનો અન્ય સામાજિક સંદર્ભ પણ ચોક્કસ હશે જ, પણ આપણે તો નરસિંહનો ભાવ હ્રદયે ધરી ભક્તિ પંથે આગળ વધવાનું છે, એટલે એની એક એવી જ રચના વિશે ચિંતન કરીશું.
**નરસિંહ મહેતા**
**કૃષ્ણ કીર્તન વિના નર સદા સુતકી,
વપન કીધૈ વયુ શુદ્ધ ન થાયે,
સકળ તીર્થ શ્રીકૃષ્ણ કીર્તન કથા,
હરિ તણાં દાસ જ્યાહાં હેતે ગાયે. (૧)
નરસિંહ કહે છે કે જે નર શ્રીકૃષ્ણનું સ્મરણ કિર્તન કરતો નથી એ મોહ માયાને મમતાનાં અજ્ઞાનથી ઘેરાયેલો છે. મૂંડન કરવવાથી કંઈ દેહ શુદ્ધ થતો નથી. શ્રીકૃષ્ણની કથાનું ભક્તો દ્વારા કિર્તન થતું હોય એ જ સકળ તીર્થ છે.
**પુરણ પરષોત્તમ નવલરંગી તજી,
અન્ય દેવે જેનું મન મોહે,
કોટી ચિંતામણી કામધેનુ તજી,
મહિષીના કુંવરનું દૂધ દોહે. (૨)
નરસિંહ શ્રીકૃષ્ણની સર્વોપરીતાને સિદ્ધ કરતાં કહે છે, જે કૃષ્ણ ભક્તિનો નવલ રંગ ત્યજી અન્ય દેવ પ્રત્યે મોહિત થાય છે. કામધેનુ અને ચિંતામણી જેવાં ઈશ્વરીય ઐશ્વર્ય દર્શાવતાં સાધનો ત્યજીને ભેંસનાં વાછરડાં માટે દૂધ દોહવાં જેવું તુચ્છ છે.
**ગર્ભજોગી જશ ગાય જેનું સદા,
નારદ સમ મુખથી ન મૂકે,
તે હરિ નંદજીને દ્વાર ઉભા રહ્યાં,
ગોપિકા મુખ જોવાની ઢૂંકે. (૩)
માતાનાં ગર્ભમાંથી જે જોગીનું પ્રણ લેનાર છે, એ જેનો જશ ગાય છે, નારદ જેવાં મુનિઓ જેનું સ્મરણ મુખેથી મૂકતા નથી એ હરિ નંદજીને ઘરે ગોપીઓનું મોઢું જોવાં વારેવારે ઝૂકે છે.
**અજ ભવ સુરપતિ સ્વપ્ને પેખે નહીં,
નેતિ નેતિ કહી નિગમ ગાવે,
નરસૈયો રંગ જસ ગાયને રીઝવે,
સહસ્ત્ર મુખે શેષ પાર ન પાવે.(૪)
આખો ભવ જેને દેવોના સ્વામી સ્વપ્નમાં પણ દેખાય નહીં, આગમ નિગમ પણ નેતિ એટલે કે ન ઈતિ, જેનો અંત નથી, શેષ નાગનાં સહસ્ત્ર મુખ પણ જેનો પાર પામી શકે નહીં, એવાં શ્રીકૃષ્ણનો જશ ગાઈને નરસૈંયો રંક થઈ એને રિઝવે છે.
નરસિંહ મહેતા કવિ કરતાં વધુ ભક્ત તરીકે વધુ પ્રસિદ્ધ છે, કારણ કે એની રચનાઓમાં કળિયુગ નાં એકમાત્ર સાધન હરિ સ્મરણની વાતને વારંવાર દોહરાવે છે,અને આ રચનામાં તો એણે જે શ્રીકૃષ્ણનું ભજન નહીં કરે એનાં જેવો મૂઢ અને અજ્ઞાની કોઈ નથી! અહીં સૂતક શબ્દની સાથે વપન શબ્દ છે, એટલે મૃત્યુ સૂતકની વાત છે. માનતા હોઈએ કે ન માનતા હોઈએ, આવું જોયું તો બધાંએ છે જ! સાવ અંગત સ્વજનને
13 દિવસનું સૂતક લાગે, દીકરીને 11 દિવસનું સૂતક, કુટુંબી હોય એને 3 દિવસનું, અને અંતિમક્રિયામાં હાજરી આપનારને માત્ર સ્નાન સૂતક લાગે. મૃતક સાથેનો જેટલો સંબંધ ગાઢ એટલો શોક વધુ અને આ દેહ સાથે જોડાયેલું સૌથી મોટું સત્ય કે જન્મ છે, એનું મૃત્યુ છે એ સમયે ભૂલાઈ જાય છે, અને મૃત્યુનો શોક કરે છે, જે અજ્ઞાન છે. વપન પછી વયુ એ શબ્દમાં નરસિંહ વય નું બહુ વચન કરે છે, અને સ્પષ્ટ કહે છે કે મૂંડન વિધિથી અજ્ઞાનને કારણે અત્યાર સુધીની વિતી ગયેલી વય, એટલે કે આયુષ્ય શુદ્ધ થતું નથી. નવલરંગી શબ્દ મૂકી ભક્તિનાં ભાવને ચૂંદડી સાથે સરખાવ્યો છે! ભક્તનો ભગવાન સાથેનો ભાવ દર વખતે નવલ હોય છે, એને ત્યજવું એ અજ્ઞાન છે. પણ અન્ય દેવ શબ્દ! આપણને વિચારતા કરે કે શું નરસિંહ સંકીર્ણ છે? ના પરંતુ અહીં દેવ શબ્દ એક માનસિકતા દર્શાવે છે, જે ભોગ, વિષય, અને વિલાસ આસપાસ જ રહે છે! અને એ દેવતાઓનો મુખ્ય સ્વભાવ છે. પરમ ચૈતન્ય તો કામધેનુ અને ચિંતામણી જેમ ઈચ્છિત અને દુર્લભ ફળ આપનાર છે, એને છોડી અન્ય તુચ્છ વિષય પાછળ દોડવું એ અજ્ઞાન છે. ગર્ભજોગી આ રચનાનો સૌથી ગહન અર્થ ધરાવે છે. આપણાં સનાતન ધર્મમાં જ પુનરર્જન્મની વાત છે, અને સાધક મુક્તિ ન માંગતાં સ્વેચ્છાએ જન્મ મૃત્યુનું બંધન ભક્તિ માટે એટલે કે ભગવાનનાં ગુણગાન ગાવા ફરી જન્મ લે છે! અને આવો જીવ જ્યારે માતાનાં ગર્ભમાં હોય ત્યારે તેને નરસિંહએ ગર્ભજોગી શબ્દ નવાજ્યો છે. પણ જીવે શું કામ આવું કર્યું? નારદ જેવાં મુનિઓનાં મુખેથી એનું સ્મરણ ચૂકાતું નથી! એ તત્વ જ્યારે નંદનાં બારણે ગોપીઓનાં મુખ જોઈ પ્રસન્ન થાય છે! એટલે કે ઈશ્વરને રાજી કરવાનો ભક્તિ એક જ માર્ગ છે, માટે તે ફરીને જન્મ મરણ સ્વીકારે છે. વેદ પુરાણ આગમ નિગમ જેના રહસ્યને પામી શકતાં નથી, અને યોગી ઓને આખો ભવ જગત જગદીશની સ્વપ્નમાં પણ ઝાંખી થતી નથી, શેષનાગનાં સહસ્ત્ર મુખ પણ જેનું રહસ્ય પામી શકતાં નથી, એ પરમ તત્વને નરસિંહ ભક્તિથી રીઝવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, નરસિંહને એ સમયનાં સમાજે બહુ સતાવ્યા હતાં! ભૂતકાળને ભૂંસી શકાય એમ નથી, પણ નરસિંહની પરમ ચેતનાની માંફી કંઈ રીતે માંગવી! હરિ સ્મરણ જ સૌથી શ્રેષ્ઠ સાધન છે, એમણે અનુભવેલું સત્ય છે, એ વાતને સમજીને સહજતાથી સ્વીકારી જેટલું બચ્યું છે, એટલું જીવન હરિ સ્મરણ કરીને જીવન ધન્ય બનાવી શકીએ,એવી એક અનન્ય પ્રાર્થનાં ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

