વિનોદભાઇ માછી નિરંકારી
હવે ભગવાન આગળના શ્ર્લોક(૪/૧૭)માં કર્મોને તત્વથી જાણવાની પ્રેરણા કરે છે..
કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ
(કર્મણઃ-કર્મોનું સ્વરૂપ, અપિ-પણ, બોદ્ધવ્યમ્-જાણવું જોઇએ, ચ-અને, અકર્મણઃ-અકર્મનું સ્વરૂપ પણ, બોદ્ધવ્યમ્-જાણવું જોઇએ, ચ-તેમજ, વિકર્મણઃ-વિકર્મનું સ્વરૂપ પણ, બોદ્ધવ્યમ્-જાણવું જોઇએ, હિ-કેમકે, કર્મણઃ-કર્મની, ગતિઃ-ગતિ, ગહના-અતિ ગહન છે એટલે કે સમજવી બહુ કઠીન છે.)
કર્મોનું સ્વરૂપ પણ જાણવું જોઇએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઇએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઇએ કેમકે કર્મની ગતિ અતિ ગહન છે એટલે કે સમજવી બહુ કઠીન છે.
‘કર્મણો હ્યપિ બોદ્ધવ્યં’ કર્મ કરતા રહીને નિર્લિપ્ત રહેવું એ જ કર્મના તત્વને જાણવું કહેવાય.કર્મ સ્વરૂપથી એક દેખાવા છતાં પણ અંતઃકરણના ભાવ અનુસાર તેના તેના ત્રણ પ્રકાર બની જાય છેઃકર્મ-અકર્મ અને વિકર્મ.સકામભાવથી કરવામાં આવેલી શાસ્ત્રવિહિત ક્રિયા ‘કર્મ’ બની જાય છે.ફળેચ્છા-મમતા અને આસક્તિથી રહિત બનીને ફક્ત બીજાઓના હિતના માટે કરવામાં આવેલું કર્મ ‘અકર્મ’ બની જાય છે. નિષિદ્ધ કર્મ તો ‘વિકર્મ’ છે જ પરંતુ વિહીત કર્મ પણ જો બીજાનું અહિત કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાના ભાવથી કરવામાં આવ્યું હોય તો તે પણ ‘વિકર્મ’ બની જાય છે.
‘અકર્મણશ્ચ બોદ્ધવ્યં’ નિર્લિપ્ત રહીને કર્મ કરવું એ જ અકર્મના તત્વને જાણવું કહેવાય છે.
‘બોદ્ધવ્યં ચ વિકર્મણઃ’ કામનાથી કર્મો થાય છે.જ્યારે કામના અધિક વધી જાય છે ત્યારે વિકર્મ-પાપકર્મ થાય છે.ગીતા અધ્યાયઃ૨/૩૭માં ભગવાને બતાવ્યું છે કે જો યુદ્ધ જેવું હિંસાયુક્ત ઘોર કર્મ પણ શાસ્ત્રની આજ્ઞાથી અને સમતાપૂર્વક જય-પરાજય,લાભ-હાનિ અને સુખ-દુઃખને સમાન સમજીને કરવામાં આવે તો તેનાથી પાપ લાગતું નથી.સમતાપૂર્વક કર્મ કરવાથી દેખાવામાં વિકર્મ હોઇને પણ તે ‘અકર્મ’ બની જાય છે.શાસ્ત્રનિષેધ ‘કર્મ’ને ‘વિકર્મ’ કહેવામાં આવે છે.વિકર્મના થવામાં કામના જ કારણ છે.આથી વિકર્મનું તત્વ છે ‘કામના’ અને વિકર્મના તત્વને જાણવું એટલે-વિકર્મનો સ્વરૂપથી ત્યાગ કરવો તથા તેના કારણરૂપ કામનાનો ત્યાગ કરવો.
‘ગહના કર્મણો ગતિઃ’ કયું કર્મ મુક્ત કરવાવાળું અને કયું કર્મ બાંધવાવાળું છે-એનો નિર્ણય કરવો ઘણો કઠીન છે.કર્મ શું છે,અકર્મ શું છે,વિકર્મ શું છે-તેનું યથાર્થ તત્વ જાણવામાં મોટા-મોટા શાસ્ત્રજ્ઞ વિદ્વાનો પણ પોતાની જાતને અસમર્થ માને છે.અર્જુન પણ આ તત્વને ન જાણવાના કારણે પોતાના યુદ્ધરૂપી કર્તવ્ય કર્મને ઘોર કર્મ માની રહ્યા છે.આથી કર્મની ગતિ બહુ જ ગહન છે.જે કામનાથી કર્મ થાય છે તે જ કામના અધિક વધવાથી ‘વિકર્મ’ થવા લાગે છે પરંતુ કામના નષ્ટ થતાં તમામ કર્મ ‘અકર્મ’ બની જાય છે.કામનાનો નાશ થવાથી ‘વિકર્મ’ થતું જ નથી.વિકર્મ પાપજનક અને નરકોની પ્રાપ્તિ કરાવવાવાળું હોવાના કારણે સર્વથા ત્યાજ્ય છે.
આ શ્ર્લોકમાં એક સુંદર સૂક્તિ છે.‘ગહના કર્મણો ગતિઃ’ કર્મની ગતિ અતિ ગહન છે.ગહન એટલે જેનો તાગ ન લાવી શકાય તેવી.ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતા ગાતાં કહે છે કે..
ગહન દીસે છે કર્મની ગતિ,એક ગુરૂના વિદ્યાર્થી,
તે થઈ બેઠો પૃથ્વીપતિ,મારા ઘરમાં ખાવા રજ નથી,
રમાડતો ગોકુળ માંકડાં,ગુરૂને ઘેર લાવતો લાકડાં,
તે આજ બેઠો સિંહાસન ચઢી,મારે તુંબડી અને લાકડી.
કર્મની ગતિ અટપટી છે કારણ કે જીવન અટપટું છે.એક માણસ દુઃખી કેમ અને બીજો સુખી કેમ? વધારે આશ્ચર્ય તો એ દેખાય છે કે હરામખોર,લુચ્ચાઓ,કાળાબજારિયાઓ,લાંચ લેનારાઓ સુખી દેખાય છે ! તેમની પાસે બંગલા,મોટર,લાખો રૂપિયા છે,જ્યારે ન્યાયનીતિ,ધર્મથી પવિત્ર જીવન જીવનાર લોકો દુઃખી દેખાય છે,તેનું કારણ શું? આવું જ્યારે જગતમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે ઈશ્વરમાંથી આપણી શ્રદ્ધા ડગી જાય છે.આ સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો-કાનૂન હશે કે નહિ? કે બધું અંધેર ચાલે છે? આવો પ્રશ્ન પણ થાય છે.આવું જોઈને આપણને કેટલીક વખત એમ લાગે કે ખુદા કે ઘર અંધેર હૈ ! પરંતુ ખરી હકીકત એ છે કે ખુદા કે ઘર દેર ભી નહિ હૈ ઔર અંધેર ભી નહિ હૈ..આ વાતને યથાર્થ રીતે સમજવા માટે કર્મના કાયદાનો અભ્યાસ કરવાની જરૂર છે.
ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખે છે કે..
કર્મ પ્રધાન વિશ્વ કરિ રાખા, જે જસ કરઈ સો તસ ફલ ચાખા.
આ આખું વિશ્વ કર્મના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે અને તેમાં જરા પણ ગરબડ નથી.આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે.દુનિયાના તમામ કાયદાઓમાં કોઈનો કોઈ અપવાદ હોય છે પરંતુ કર્મના કાયદામાં કોઈપણ ઠેકાણે જરા પણ અપવાદ કે બાંધછોડ નથી.ખુદ ભગવાન રામના બાપ થતા હોય તો પણ રાજા દશરથને કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડયું,તેમાં ખુદ ભગવાન રામ પણ એમ ના કહી શકે કે રાજા દશરથ મારા બાપ થતા હોવાથી કાયદામાં થોડી બાંધછોડ કરીને અપવાદરૂપે હું તેમને ૧૪ વરસનો વધારો આપીશ.નિર્ગુણ-નિરાકાર શુદ્ધ બ્રહ્મ પણ જ્યારે સગુણ સાકાર બનીને દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તેમને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે.કર્મના કાયદામાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નથી,જરા પણ બાંધછોડ કે લાગવગશાહી નથી,કોઈ અપવાદ નથી એ કાયદાની ખાસ ખૂબી છે.હવે આ ‘કર્મ’ના કાયદાને ઉઘાડીને વાંચીએ.
કર્મ એટલે શું? સાદી સરળ ભાષામાં ટૂંકમાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા.આપણે જે કોઈ કામ-ક્રિયા કરીએ છીએ તે કર્મ કહેવાય.ખાવું,પીવું,નાહવું-ધોવું,ચાલવું,ઊભા રહેવું,નોકરી કરવી,ધંધો કરવો,વિચારવું-ના વિચારવું,વેપાર કરવો,ઊંઘવું-જાગવું,જોવું-સાંભળવું,સૂંઘવું-ના સૂંઘવું,સ્પર્શ-અસ્પર્શ,બોલવું, શ્વાસોચ્છ્વાસ લેવા-મૂકવા,જન્મવું,જીવવું-મરવું વગેરે તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે.
આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છેઃક્રિયમાણ કર્મ,સંચિત કર્મ,પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ..
માણસ સવારે જાગે અને ઊઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે જે કર્મ કરે તે ક્રિયમાણ કર્મ કહેવાય છે.આવાં જે જે ક્રિયમાણ કર્મ કરે તે અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય છે.ફળ આપ્યા સિવાય શાંત થતાં નથી.
કેટલાંક ક્રિયમાણ કર્મ એવાં હોય છે કે તે કર્મ કરતાંની સાથે તાત્કાલિક ફળ આપતાં નથી.તેનું ફળ મળતાં વાર લાગે છે અને કર્મનાં ફળને પાકતાં વાર લાગે,ત્યાં સુધી તે જમા રહે છે અને કર્મફળ આપે નહિ ત્યાં સુધી સિલકમાં જમા રહે,સંચિત થાય છે તેને સંચિત કર્મ કહેવાય.કેટલાંક ક્રિયમાણ કર્મો તાત્કાલિક ફળ નથી આપતાં પરંતુ કાળે કરીને પાકે ત્યારે ફળ આપે છે ત્યાં સુધી તે સંચિતકર્મમાં જમા પડ્યાં રહે.
તે પ્રમાણે અનાદિકાળથી અનેક જન્મનાં અસંખ્ય સંચિત કર્મના ઢગલા,અસંખ્ય કરોડો હિમાલય પર્વત ભરાય તેટલાં સંચિત કર્મોના ઢગલા જીવની પાછળ જમા થયેલા પડેલા છે,આ તમામ સંચિત કર્મો આ જન્મે કે હવે પછીના અનંતકાળ સુધીના અનેક જન્મોમાં ગમે ત્યારે પાકે અને તમે તે કર્મોને ભોગવો ત્યાર પછી જ તે શાંત થાય,ન ભોગવો ત્યાં સુધી શાંત થાય નહિ.જીવ જો સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રૂજી ઊઠે પરંતુ અવિદ્યાથી ઘેરાયેલો જીવ આની ક્યારેય કલ્પના જ કરતો નથી.
રાજા દશરથે શ્રવણનો વધ કર્યો ત્યારે તેના વિરહથી મરતાં મરતાં તેનાં માબાપે રાજા દશરથને શાપ દીધો કે તમારૂં મૃત્યુ પણ તમારા પુત્રોના વિરહથી જ થશે ! કારણ કે તે વખતે રાજાને તો એકપણ પુત્ર નહોતો એટલે આ ક્રિયમાણ કર્મ ફળ આપીને શાંત થઈ શક્યું નહિ,પરંતુ તે સંચિત કર્મમાં જમા થયું, કાળે કરીને રાજાને એકને બદલે ચાર પુત્ર થયા,તે મોટા થયા,પરણાવ્યા અને જ્યારે રામના રાજ્યાભિષેક નો દિવસ આવ્યો તે વખતે પેલું સંચિતકર્મ ફળ આપવા તત્પર થયું અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું,તેમાં ઘડીભરનો પણ વિલંબ ચલાવી લેવાયો નહિ.
ભગવાન રામ પોતે પણ પોતાના પિતાને ઓછામાં ઓછાં ચૌદ વરસ પુરતું જીવતદાન આપી શક્યા નહિ.જે શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ પોતે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા તે રામ, જેમનાં ચરણરજના સ્પર્શમાત્રથી જે શલ્યાને અહલ્યા બનાવી શકે,જેની ચરણરજના સ્પર્શ માત્રથી પથ્થરને જીવતદાન મળી શકે તે પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રીરામ જો પોતાના પિતાનું આયુષ્ય ચૌદ વરસ માટે લંબાવી આપે તો તેમાં કોણ વાંધો લેવાનું હતું? અને શું વાંધો પડી જવાનો હતો? પણ ના,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં કોઈ લાગવગશાહી ચાલતી નથી,તેવો કર્મનો જડબેસલાક કાયદો છે.
સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તેને ‘પ્રારબ્ધ કર્મ‘ કહેવાય છે.અનાદિકાળથી જન્મજન્માંતરનાં સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલયો ભરાય તેટલા ઢગલા જીવની પાછળ જમા થયેલા પડ્યા છે,તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવાં પ્રારબ્ધ-કર્મોને ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધકર્મ ભોગવ્યા પછી જ દેહ પડે છે.પ્રારબ્ધકર્મને ભોગવવાને અનુરૂપ દેહ,આરોગ્ય,સ્ત્રી-પુત્રાદિક,સુખ-દુ:ખ વગેરે તે જીવનકાળ દરમિયાન જીવને આવી મળે અને તે પ્રારબ્ધકર્મ પૂરેપૂરાં ભોગવ્યાં સિવાય દેહનો છૂટકારો થાય નહિ.
આમ અનાદિકાળથી અનેક જન્મજન્માંતરનાં જમા થયેલાં સંચિતકર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધ રૂપ તૈયાર થતાં જાય,તેમ તે અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે છે ત્યાં સુધી તેનો મોક્ષ થયેલો ના ગણાય.જગતગુરૂ શંકરાચાર્ય કહે છે કે
પુનરપિ જનનં પુનરપિ મરણં,
પુનરપિ જનની જઠરે શયનં,
ઈહ સંસારે ખલુ દુસ્તારે,કૃપયાપારે પાહિ મુરારે
અનેક યોનિઓમાં જીવ ભટક્યા જ કરે,ભટક્યા જ કરે,નવાં ક્રિયમાણ કર્મો કર્યા જ કરે અને તેમાંથી અનેક સંચિતકર્મો જમા થયા જ કરે છે,તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને પ્રારબ્ધરૂપે જીવની સામે આવીને ઊભાં જ રહે અને અનંતકાળ સુધી જીવનો મોક્ષ થવા દેતાં નથી એટલે સંસાર-સાગર દુસ્તર ગણાયો છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

