Mexico City, તા. 12
ફૂટબોલ પ્રેમીઓની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને ખેલજગતના સૌથી મોટા મહાકુંભ ‘ફીફા વર્લ્ડ કપ 2026’ નો મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાદિયો અઝટેકા સ્ટેડિયમ ખાતે ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે.
ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પોપ સ્ટાર શકિરા અને નાઇજીરિયન સિંગર બર્ના બોયે ઓફિશિયલ થીમ સોંગ “દાઈ” પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપીને હજારો દર્શકોને ઝૂમવા મજબૂર કર્યા હતા.
આ રંગારંગ કાર્યક્રમ બાદ રમાયેલા ટૂર્નામેન્ટના પ્રથમ મુકાબલામાં યજમાન મેક્સિકોએ ઘરેલું દર્શકોની હાજરીમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી સાઉથ આફ્રિકાને 2-0થી કારમી હાર આપીને વિજયી પ્રારંભ કર્યો છે.
મુકાબલાની શરૂઆતથી જ મેક્સિકન ટીમ વિરોધી ટીમ પર સંપૂર્ણપણે હાવી રહી હતી અને સતત દબાણ જાળવી રાખ્યું હતું. મેચની માત્ર 9મી મિનિટે જ સ્ટાર ખેલાડી જુલિયન ક્વિનોનેસે શાનદાર ગોલ દાગીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું હતું, જે આ ટૂર્નામેન્ટનો પ્રથમ ગોલ હતો.
ક્વિનોનેસ પોતાની તેજ રફતારથી આખી મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના ડિફેન્ડરોને સતત હંફાવતા રહ્યાં હતાં અને હાફ ટાઇમ સુધી મેક્સિકોએ 1-0ની લીડ જાળવી રાખી હતી.
બીજા હાફની શરૂઆતમાં જ સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે ગોલ તરફ વધી રહેલાં બ્રાયન ગુટિરેઝને પાછળથી પાડી દેવા બદલ રેફરીએ આફ્રિકન ખેલાડી યાયા સિથોલને સીધું રેડ કાર્ડ બતાવી મેદાન બહાર મોકલી દીધો હતો.
10 ખેલાડીઓ સુધી મર્યાદિત બનેલી સાઉથ આફ્રિકાની ટીમ પર મેક્સિકોએ દબાણ વધાર્યું અને મેચની 66મી મિનિટે અનુભવી સ્ટ્રાઇકર રાઉલ જિમેનેજે શાનદાર હેડર દ્વારા બીજો ગોલ કરીને જીત પાકી કરી દીધી હતી.
આ ગોલ સાથે જિમેનેજે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના 46 ગોલ પૂરા કરીને મેક્સિકો તરફથી સંયુક્ત રીતે બીજા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી તરીકે પૂર્વ દિગ્ગજ જારેડ બોર્ગેટીની બરાબરી કરવાની વિશેષ સિદ્ધિ મેળવી લીધી છે.
પ્રથમ જ મેચમાં 3 રેડકાર્ડથી હંગામો
મેદાન પર 3 રેડ કાર્ડનો હંગામો
સમગ્ર મેચ દરમિયાન બંને ટીમો તરફથી ભારે શિસ્તહીનતા અને વિવાદનો માહોલ જોવા મળ્યો હતો. સાઉથ આફ્રિકાનાં અન્ય એક ખેલાડી થેમ્બા જ્વાનેને હિંસક વર્તન માટે રેડ કાર્ડ બતાવવામાં આવતાં આફ્રિકાએ છેલ્લી ઘડીઓમાં માત્ર 9 ખેલાડીઓ સાથે જ રમવું પડ્યું હતું.
મેચનાં અંતિમ ક્ષણોમાં મેક્સિકોના ડિફેન્ડર સીઝર મોન્ટેસને પણ એક બેજવાબદાર ફાઉલ માટે રેડ કાર્ડનો સામનો કરવો પડ્યો હતો. આમ, પહેલાં જ મુકાબલામાં કુલ 3 રેડ કાર્ડ અપાતાં મેદાન પર ભારે હોબાળો જોવા મળ્યો હતો.
રાજકીય તણાવ અને વિઝા વિવાદ
આ ભવ્ય આયોજનની સાથે મેક્સિકોની રાજધાનીમાં વિરોધ પ્રદર્શનો પણ જોવા મળ્યાં છે. બીજી તરફ, અમેરિકાનાં હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કેટલાક દેશોનાં ફૂટબોલ ચાહકોના વિઝા નકારવાના નિર્ણયનો બચાવ કર્યો છે, જેનાં કારણે પ્રશંસકો અને ફૂટબોલ એસોસિએશન વચ્ચે ભારે અસંતોષ અને વિવાદ ઉભો થયો છે.

