Gandhinagar , તા.12
કોરોના કાળમાં ગુજરાતનો પ્રથમ કેસ નોંધાયો હતો તે ગાંધીનગરમાં ફરી કોવિડની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચારધામ યાત્રાથી પરત આવેલા મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સંક્રમિત થયેલા આ મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ચારધામની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને થોડા દિવસો પહેલાં જ ગાંધીનગર પરત ફર્યા હતા.
ઘરે આવ્યા બાદ તેમને અચાનક શરદી, ઊધરસ અને સતત તાવ જેવા લક્ષણો દેખાતા તેઓ બીમાર પડ્યા હતા. તેમની તબિયત વધુ લથડતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકારી પ્રોટોકોલ મુજબ મહિલાને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક એક્શનમાં આવીને મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના અન્ય સભ્યોના પણ કોરોના ટેસ્ટ કર્યા હતા.
જેમાં સદનસીબે પરિવારના અન્ય કોઈ સભ્યને ચેપ લાગ્યો ન હોવાનું સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અંદાજે એક વર્ષથી વધુ સમયના લાંબા અંતરાલ પછી કોરોનાના સત્તાવાર કેસની એન્ટ્રી થઈ છે. આ પહેલાં વર્ષ 2025ના એપ્રિલ માસ દરમિયાન શહેરમાં કોરોનાનો છેલ્લો સક્રિય કેસ નોંધાયો હતો, જે બાદ ગાંધીનગર સંપૂર્ણપણે કોરોના મુક્ત જાહેર થયું હતું.
હવે છેક જૂન 2026માં એટલે કે 14 મહિનાના લાંબા સમયગાળા બાદ ફરી વાયરસ દેખાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને અન્ય રાજ્યો કે પ્રવાસથી પરત ફરતા લોકોને સ્વાસ્થ્ય અંગે ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

