Mexico City, તા. 12
વિશ્વભરમાં ચાલી રહેલાં યુદ્ધ અને રાજકીય તણાવના માહોલ વચ્ચે મેક્સિકો સિટીનાં ઐતિહાસિક એસ્ટાદિયો અઝટેકા સ્ટેડિયમ ખાતે ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે `ફીફા વર્લ્ડ કપ 2026’નો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં કોલમ્બિયન પોપ સ્ટાર શકિરા અને નાઇજીરિયન સિંગર બર્ના બોયે ટૂર્નામેન્ટના થીમ સોંગ “દાઈ” પર ધમાકેદાર પરફોર્મન્સ આપીને હજારો દર્શકોને ઝૂમવા મજબૂર કર્યા હતાં. મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેનાં ઓપનિંગ મેચ પહેલાં ફેન્સના ભારે ઉત્સાહને કારણે આખું સ્ટેડિયમ જાણે ઘેરા લીલા રંગના સાગરમાં ફેરવાઈ ગયું હતું.
જોકે, આ ભવ્ય આયોજનની સાથે મેક્સિકોની રાજધાનીમાં વિરોધ પ્રદર્શનો પણ જોવા મળ્યાં છે અને બીજી તરફ અમેરિકાએ કેટલાક દેશોનાં ચાહકોના વિઝા નકારવાના નિર્ણયનો બચાવ કર્યો છે.
આ તમામ અડચણો વચ્ચે પણ, વિશ્વભરનાં અંદાજે 12 લાખથી વધુ ફૂટબોલ પ્રેમીઓના આગમન સાથે રમતજગતનો આ સૌથી મોટો મહાકુંભ હવે બરાબરનો જામી ચૂક્યો છે. ટૂર્નામેન્ટના પ્રથમ મુકાબલામાં યજમાન મેક્સિકોએ સાઉથ આફ્રિકાને 2-0થી હરાવીને વિજયી શરૂઆત કરી છે.
આ ભવ્ય શરૂઆત બાદ, આ ટૂર્નામેન્ટના અન્ય બે સહ-યજમાન દેશો કેનેડા અને અમેરિકામાં આજે પોતપોતાનાં સ્તરે અલગથી ઓપનિંગ સેરેમની યોજાવા જઈ રહી છે, જેની સાથે જ આજે આ બંને દેશોમાં અન્ય ટીમો વચ્ચેનાં રોમાંચક મુકાબલાઓનો પણ પ્રારંભ થશે.

