Ahmedabad, તા.12
અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાનાં થયેલાં એર ઈન્ડિયાના AI171 વિમાન અકસ્માતની આજે પ્રથમ વરસી છે. આ કરૂણ ઘટનાના એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ એર ઈન્ડિયા અને ટાટા સન્સ કંપનીએ મોટી જાહેરાત કરીને અકસ્માતનો ભોગ બનેલાં મુસાફરોના પરિવારોને આશરે 300 કરોડની સહાય રકમ ચૂકવી દીધી છે.
ગયા વર્ષે 12 જૂનના રોજ અમદાવાદથી ટેક-ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો અને જમીન પર હાજર કેટલાક લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. આ ઘટના ભારતીય ઉડ્ડયન ઇતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંથી એક છે.
એરલાઇન દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, મૃતકોનાં 96 ટકા પરિવારોને એર ઇન્ડિયા તરફથી 25 લાખનું વચગાળાનું વળતર ચૂકવી દેવાયું છે. આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા રચાયેલા ખાસ ટ્રસ્ટ (AI171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ) તરફથી 91 ટકા પરિવારોને 1 કરોડની વધારાની સહાય (એક્સ ગે્રશિયા) પણ આપી દેવામાં આવી છે.
વિમાન અકસ્માત વખતે જમીન પર ઘાયલ થયેલાં 94 ટકા લોકોને પણ વળતર મળી ચૂક્યું છે. મોટાભાગની વચગાળાની ચૂકવણી પૂર્ણ થયાં બાદ હવે કંપનીએ આખરી પતાવટ માટે પરિવારો સાથે સત્તાવાર વાતચીત શરૂ કરી છે.
મોન્ટ્રિયલ ક્નવેન્શનના આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, આ આખરી વળતરનો આંકડો દરેક પરિવાર માટે અલગ-અલગ રહેશે. તે મૃતક મુસાફરની ઉંમર, તેમની વાર્ષિક આવક અને તેમનાં પર નિર્ભર પરિવારનાં સભ્યોની સંખ્યાના આધારે કાયદાકીય ગણતરી કરીને નક્કી કરવામાં આવશે. એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે પરિવારો સંપૂર્ણ સંતોષ સાથે આ ઓફર સ્વીકારી શકે તે માટે તેમનાં પર કોઈ સમયમર્યાદા કે ઉતાવળનું દબાણ કરવામાં આવ્યું નથી.
તપાસનો ફાઈનલ રિપોર્ટ હજુ 2 મહિના મોડો થશે
ભયાનક વિમાન દુર્ઘટનાને એક આખું વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)નો ફાઈનલ તપાસ રિપોર્ટ આવવામાં હજી બીજા બે મહિના જેટલો સમય લાગશે તેવી સત્તાવાર માહિતી મળી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં ઉચ્ચ સ્તરીય સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, હાલમાં પશ્ચિમ અરેબિયા અને મિડલ ઈસ્ટની કટોકટી ચાલી રહી છે તેનાં કારણે વૈશ્વિક એવિએશન સેક્ટર પર ભારે દબાણ છે, જેની અસર આ તપાસ પ્રક્રિયા પર પણ પડી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મીડિયામાં ચાલી રહેલી અફવાઓને ફગાવી દેતાં સૂત્રોએ જણાવ્યું છે કે એન્જિન બનાવતી કંપની GE એરોસ્પેસ તરફથી કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી અને તપાસ એકદમ સાચી દિશામાં ચાલી રહી છે.
ઉડ્ડયન મંત્રાલય આ પ્રગતિ પર સતત નજર રાખી રહ્યું છે. ગયા વર્ષે આવેલાં પ્રારંભિક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ટેક-ઓફ થયાની થોડી જ ક્ષણોમાં બોઇંગ વિમાનના એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક `RUN’ માંથી `CUTOFF’ મોડ પર આવી ગયા હતા, જેના કારણે બંને એન્જિનમાં ઈંધણ પહોંચવાનું બંધ થઈ ગયું હતું. મંત્રાલયે ખાતરી આપી છે કે રિપોર્ટ તૈયાર થતાં જ તમામ પાસાં જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે અને કંઈપણ અંધારામાં રાખવામાં નહીં આવે.

