છુટક ગ્રાહકો માટે પણ રોજના – વાહનદીઠ 200 લીટરની મર્યાદા
છુટક તથા જથ્થાબંધ ગ્રાહકો વચ્ચે ભાવ તફાવત હોવાથી રીટેલ પેટ્રોલ પંપ પર ભરાતા કેરબા-બેરલ હવે બંધ
New Delhi,
હાલની ઈરાન યુદ્ધની સ્થિતિમાં જે રીતે ક્રુડતેલ મોંઘુ થયું છે તથા પરંપરાગત કરતા અન્ય માર્ગથી ઈંધણ મેળવવું પડે છે તેના કારણે સરકારને પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવ વધારવાથી ફરજ પડી છે.
જેમાં ઔદ્યોગીક વપરાશનું ઈંધણ એ પેટ્રોલપંપ પર મળતા સામાન્ય જનતા માટેના ડિઝલ-પેટ્રોલ કરતા વધુ મોંઘુ હોવાથી જે રીતે ઔદ્યોગીક એકમો હવે પેટ્રોલ પંપ પરથી ડિઝલ-પેટ્રોલના બેરલ ભરી રહ્યા છે. તેના પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
કેન્દ્ર સરકારે એક તાકીદના નિર્ણયમાં રીટેલ પેટ્રોલ પંપ પરથી ઔદ્યોગીક સહિતના વપરાશના જથ્થાબંધ વપરાશના ગ્રાહકોને ડિઝલ-પેટ્રોલ આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રકારના ગ્રાહકોને તેઓને ફાળવવામાં આવેલા બલ્ક-સેલ્સ પોઈન્ટ પરથી જ ડિઝલ-પેટ્રોલ મેળવવાનું રહેશે.
રીટેલ પેટ્રોલ પંપ પર ડિઝલ રૂા.95.20 પ્રતિલીટર વેચાય છે. જયારે ઔદ્યોગીક સહિતના જથ્થાબંધ વપરાશકર્તાઓને રૂા.134.50 પ્રતિલીટરના ભાવે ડિઝલ-પેટ્રોલ ઉપલબ્ધ છે અને બન્ને વચ્ચેના મોટા ભાવ તફાવતના કારણે જથ્થાબંધ વપરાશકર્તાઓ સસ્તુ ડિઝલ-પેટ્રોલ મેળવવા માટે રિટેલ પંપ પર પહોંચીને પેટ્રોલ પંપ માલીકો-સંચાલકો સાથે સાંઠગાંઠ કરીને છુટક ગ્રાહકના ભાવે બલ્ક ડિઝલ મેળવી રહ્યા છે.
અનેક પેટ્રોલપંપ પર આ રીતે કેરબા તથા બેરલમાં હજારો લીટર મેળવી જાય છે. જેના કારણે ઓઈલ માર્કેટીંગ કંપનીઓને વધુ નુકશાની સહન કરવું પડી રહ્યું છે. હાલમાં જ ક્રુડતેલના ઉંચા ભાવ વચ્ચે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના વેચાણમાં મોટી ખોટ સહન કરવી પડી રહી છે. એક અંદાજ મુજબ ઓઈલ કંપનીઓ રોજનું રૂા.700 કરોડનું નુકશાન કરે છે.
આ અંગે પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયે ગઈકાલે એક આદેશમાં રીટેલ પેટ્રોલ પંપ માલીક- સંચાલકો તથા ઓઈલ માર્કેટીંગ કંપનીઓને તેમના પેટ્રોલપંપ પરથી જથ્થાબંધ-ઔદ્યોગીક સહિતના વપરાશના ગ્રાહકોને આગામી 90 દિવસ સુધી ડિઝલ આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે જે રીતે રીટેલ પેટ્રોલ પંપ પર હાલમાં જ ડિઝલનું વેચાણ અસાધારણ રીતે વધી ગયું તેની મંત્રાલય ચોંકી ઉઠયું હતું.
જેમાં જથ્થાબંધ ગ્રાહકો પણ સસ્તા ડિઝલ-પેટ્રોલ માટે રીટેલ પંપ ભણી વળ્યા હોવાનું જાણ થયું હતું. આથી હવે આ આદેશ મુજબ પ્રતિ ગ્રાહક કે વાહનને એક દિવસમાં 200 લીટર ડિઝલ-પેટ્રોલ આપી શકાશે અને તે ડિઝલ-પેટ્રોલ ફરી વેચી શકાશે નહી.
આ પ્રકારના બલ્ક વેચાણથી ડિઝલની અછતનો પણ માહોલ બને છે. આ ઉપરાંત રાજય સરકારોને પેટ્રોલીયમ પેદાશોના સંગ્રહાખોરી-કાળાબજાર સામે પણ પગલા લેવા આદેશ અપાયો છે. સરકારે ઈંધણની ઉપલબ્ધતા જળવાઈ રહે તે નિશ્ચિત કરવા આ નિર્ણય લીધો છે.

