જો કે ઈરાને જાહેર કર્યુ, કોઈ આખરી સમજુતી થઈ નથી; અમારી શરતો પર કાયમ : ટ્રમ્પ ભરોસાપાત્ર નહી હોવાનો આરોપ
Washington/Tehran,તા.12
અમેરિકા-ઈરાન વચ્ચેના 100 દિવસથી વધુ સમયના યુદ્ધ અને યુદ્ધ વિરામની સ્થિતિ વચ્ચે હજું ગઈકાલે જ હવે ઈરાન પર નિર્ણાયક હુમલો રાત્રીના થશે તેવી જાહેરાત કરનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરી ઘડીએ હુમલો નહી કરવા આદેશ આપી ઈરાન સાથે સમજુતી થઈ હોવાનો અને બહુજલ્દી બન્ને દેશો તેના પર સહીસિકકા કરશે તેવી જાહેરાત કરતા જ ફરી દ્વીધા સર્જાઈ છે.
તો બીજી તરફ ઈરાન હજું કોઈ ફાઈનલ સમજુતી થઈ નથી અને અમો અમારી શરતો પર કાયમ છીએ તેવી જાહેરાત કરી ટ્રમ્પના દાવાને આંચકો આપ્યો છે. આમ ફરી એક વખત આ પ્રકારના દાવા-પ્રતિદાવાથી નવી દ્વીધા સર્જાઈ છે. પુરી દુનિયામાં એક તરફ અમેરિકી હુમલો કેવો હશે અને ઈરાનનો વળતો જવાબ શું હશે તેનો ભય સસ્પેન્સ ગઈરાત્રીના સર્જાયો હતો.
તે વચ્ચે અચાનક જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલો નહી થાય તેવી જાહેરાત કરી હતી. તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં દાવો કર્યો કે હાલની સૈન્ય કાર્યવાહી બાદ ઈરાનમાં નેતૃત્વમાં એક મોટો ફેરફાર થયો છે અને વધુ નેતૃત્વ અમેરિકા સાથે સમજુતી કરવા આતુર છે અને બન્ને દેશો સમજુતીથી બેહદ નજીક છે.
ટ્રમ્પે દાવો કર્યો કે, હવે અમે હુમલો નહી કરીએ. તેઓએ સોશ્યલ મીડીયા પોસ્ટમાં પણ આ જ પ્રકારે દાવો કરતા કહ્યું કે બન્ને દેશો સમજુતીથી ખૂબ જ નજીક છે. ટુંક સમયમાં જ એક સ્થળે સમજુતી પર હસ્તાક્ષર કરશે. તેઓએ બે સપ્તાહમાં ઈરાન પર પુરી જીતનો દાવો કર્યો અને એ પણ જણાવ્યું કે ઈરાન પરમાણું સમજુતી માટે તૈયાર છે.
તેઓએ એ પણ દાવો કર્યો કે, ઈરાન સાથે રાજદ્વારી સંબંધ તૂટયા નથી. બહુ જલ્દી મોટી સમજુતી થશે. તેઓએ એ પણ દાવો કર્યો કે આ સમજુતી ઈરાનને પરમાણું હથિયાર કાયમ માટે બનાવતા રોકશે. તેઓએ ઈરાનમાં નવુ નેતૃત્વ ખૂબ જ અલગ હોવાનું પણ જણાવ્યું હતું. અમોએ નેતૃત્વની પ્રથમ અને બીજી હરોળને અલગ કરી દીધી છે.
જો કે બીજી તરફ ઈરાને જાહેર કર્યુ છે કે, હજુ સુધી કોઈ આખરી સમજુતી થઈ નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ અમેરિકા સાથે આખરી સમજુતી ફરી અટકયો છે. અમોએ આ અંગે હજું કોઈ આખરી નિર્ણય લીધો નથી અને જે સમજુતી થશે તેમાં અમોએ જે મહત્વની શરતો મુકી છે તેના પર કોઈ સમજુતી થશે નહી.
ટ્રમ્પે જો કે બાદમાં કોઈ અંતિમ સમજુતી ન થાય ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી યથાવત રાખવાની પણ જાહેરાત કરી છે. આમ ઈરાન-અમેરિકા વચ્ચે ફરી દ્વીધાભરી સ્થિતિ છે.

