કાર્યક્રમ દરમિયાન અક્ષયે અભિનેત્રી રવીના ટંડન સાથે ફરી કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો
Mumbai,, તા.૧૩
અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ના ટ્રેલર લોન્ચ દરમિયાન નિવૃત્તિ અને કામ પ્રત્યેના પોતાના અભિગમ અંગે રસપ્રદ વાતો કરી હતી. તેણે જણાવ્યું હતું કે વ્યક્તિએ જીવનના અંતિમ શ્વાસ સુધી કામ કરતા રહેવું જોઈએ અને ક્યારેય નિવૃત્તિ લેવાનું વિચારવું જોઈએ નહીં.મુંબઈમાં યોજાયેલા ભવ્ય ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં અક્ષય કુમાર ઉપરાંત જેકી શ્રોફ, અર્શદ વારસી, દિશા પટ્ટણી, જેકલિન ફર્નાન્ડિઝ, તુષાર કપૂર, યશપાલ શર્મા, જોની લીવર, આફતાબ શિવદાસાની, શ્રેયસ તલપદે, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, પુનીત ઇસ્સાર, સંવાદ લેખક ફરહાદ સામજી, ડિરેક્ટર અહેમદ ખાન, નિર્માતા અજિત અંધારે અને સહ-નિર્માતા શાયરા અહમદ ખાન હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સ્થળ જંગલની થીમ પર સજાવવામાં આવ્યું હતું, જેમાં કૃત્રિમ ધોધ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે અક્ષય કુમારને પૂછ્યું કે લગભગ ૩૬ વર્ષની સફળ કારકિર્દી બાદ શું તે ક્યારેય નિવૃત્તિ વિશે વિચારે છે? તેના જવાબમાં અક્ષયે રમુજી અંદાજમાં કહ્યું કે દરરોજ સવારે ચાર વાગ્યે તેને નિવૃત્તિનો વિચાર આવે છે, પરંતુ તરત જ તેને યાદ આવે છે કે ફિલ્મના સેટ પર તેની રાહ જોતાં ૩૦૦ લોકો હાજર છે. ત્યારબાદ તે ફરી કામમાં લાગી જાય છે. અક્ષયે વધુમાં કહ્યું, “જો હું નિવૃત્ત થઈ જાઉં તો ઘરમાં મને ઇલેક્ટ્રિશિયન, ડોગ વોકર કે માળીનું કામ સોંપી દેવામાં આવશે. તેથી કામ કરવું જ વધુ સારું છે.” પરિવાર સાથે વધુ સમય વિતાવવાની બાબતે પણ તેણે મજાકમાં કહ્યું કે એક દિવસ ઘરે રહ્યા બાદ પરિવારજનો જ તેને પૂછવા લાગ્યા કે તે ફરી કામ પર ક્યારે જશે.નિવૃત્તિ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં અક્ષયે જણાવ્યું, “વ્યક્તિએ મૃત્યુની માત્ર પાંચ સેકન્ડ પહેલાં નિવૃત્તિ લેવી જોઈએ. જીવન લાંબું અને સક્રિય રાખવું હોય તો સતત કામ કરતા રહેવું જોઈએ.” તેનાં આ નિવેદનને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું.આ દરમિયાન અક્ષય કુમારે પોતાની ફી અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પણ ખુલાસો કર્યો હતો. તાજેતરમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે તેણે ફિલ્મ માટે માત્ર ૧.૮ કરોડ રૂપિયા ફી લીધી છે. તેનાં જવાબમાં અક્ષયે કહ્યું, “સાચું કહું તો મને એટલા પણ પૈસા મળ્યા નથી.”તેણે જણાવ્યું કે ફિલ્મ સાથે જોડાવાનું મુખ્ય કારણ સ્વર્ગસ્થ લેખક નીરજ વોરા હતા, જેમણે તેની કોમેડીમાં કારકિર્દી ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. અક્ષયે પ્રિયદર્શન, રાજકુમાર સંતોષી અને નીરજ વોરાને પોતાના ગુરુ ગણાવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન અક્ષયે અભિનેત્રી રવીના ટંડન સાથે ફરી કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. તેણે રવીનાનાં પ્રોફેશનલ એટીટ્યુડ અને સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું,“એક સમય હતો જ્યારે રવીના ફિલ્મની હીરોઇન હતી, આજે તે હીરોઇનની માતા બની ગઈ છે. ‘વેલકમ’ ળેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

