New Delhi, તા. 16
કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં રમતગમત શાસનમાં પારદર્શિતા અને ગુણવત્તા લાવવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ, 2025 અંતર્ગત કેન્દ્રીય રમતગમત મંત્રાલયે ‘નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ’ માટે સર્ચ-કમ-સિલેક્શન કમિટીની જાહેરાત કરી છે.
કેબિનેટ સેક્રેટરી ડો. ટી.વી. સોમનાથનની અધ્યક્ષતામાં બનેલી આ 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિમાં રમતગમત સચિવ હરિ રંજન રાવ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) હરપાલ સિંહ તેમજ બે જાણીતાં રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિજેતાઓ-ગગન નારંગ અને એન. કુંજુરાની દેવીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રતિષ્ઠિત સમિતિને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સ્પોર્ટ્સ ગવર્નન્સ અને સ્પોર્ટ્સ લો જેવા ક્ષેત્રોમાં બહોળો અનુભવ અને પ્રામાણિકતા ધરાવતાં નિષ્ણાતોમાંથી બોર્ડના ચેરપર્સન અને બે સભ્યોની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ કમિટીની રચના સાથે જ નેશનલ સ્પોર્ટ્સ બોર્ડના ગઠનની પ્રક્રિયા ઝડપી બનશે. આ બોર્ડ ભવિષ્યમાં દેશની રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓને માન્યતા આપવા તેમજ રમતગમત ક્ષેત્રે નાણાકીય, નૈતિક અને શાસન સંબંધી ધોરણોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ ઓથોરિટી તરીકે કામ કરશે, જેનાથી ભારતીય ખેલ જગતમાં એક નવા સકારાત્મક યુગની શરૂઆત થશે.

