New Delhi,તા.16
કેન્દ્ર સરકારે દવાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે, આરોગ્ય મંત્રાલયે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી ખાંસી સહિતના તમામ પ્રકારના સિરપ ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળશે. એટલે કે હવે કોઈપણ મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ કે અન્ય સિરપ આધારિત દવાઓ ખરીદવા માટે પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી રહેશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નોટિફિકેશન જારી કરીને જણાવ્યું કે, Drugs (Drugs (5th Amendment) Rules, 2026 લાગુ કરી દેવામાં આવ્યા છે, તેના હેઠળ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સુધારા અંતર્ગત હવે ડ્રગ્સ રૂલ્સ, 1945 ના ‘શેડ્યૂલ K’ (Schedule K) માંથી ‘Syrups’ હટાવી દેવામાં આવ્યું છે.અત્યાર સુધી ડ્રગ્સ રૂલ્સના ‘શેડ્યૂલ K’ હેઠળ કેટલીક એવી દવાઓ એવી હતી જેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સીધી મેડિકલ સ્ટોર પરથી ખરીદી શકાતી હતી, જેને સામાન્ય ભાષામાં OTC (Over-The-Counter – OTC) દવાઓ કહેવામાં આવે છે. પરંતુ હવે સરકારના નવા નિયમ બાદ કફ સિરપ સહિત તમામ પ્રકારની સિરપ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળશે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, આ કડક નિર્ણય દવાઓના થઈ રહેલા ખોટા અને અતિશય દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં કફ સિરપ (ખાંસીની દવા) અને અન્ય સિરપ આધારિત દવાઓનો ખોટા ઉપયોગને લઈને ચિંતાઓ સતત વધી રહી હતી.

