Ahmedabad, તા. 17
ગુજરાતનાં વિવિધ મહાનગરોની પાલિકા કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી અપાતાં સમગ્ર રાજ્યનાં વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. 17 જૂનના રોજ વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આ ધમકીભર્યા મેઈલ મળ્યાં હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સ્થાનિક બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડનો મોટો કાફલો તાત્કાલિક જે-તે મહાનગરપાલિકાઓની મુખ્ય કચેરી ખાતે પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ધમકીભર્યા ઈ-મેઈલમાં કેનેડામાં માર્યા ગયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવાનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઓફિસને પણ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ દ્વારા આપવામાં આવી હતી.
ઈ-મેઈલમાં વિગતવાર જણાવવામાં આવ્યું હતું કે, બપોરે 3ઃ11 વાગ્યે HMO અમિત શાહની ઓફિસ અને અખઈ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ઓફિસને બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવશે.
આ સિવાય, જુદા-જુદા ઈ-મેઈલ આઈડી પરથી મોકલાયેલી આ ધમકીઓમાં મુખ્યમંત્રી ઓફિસ (CM Office) ને બપોરે 1ઃ11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5ઃ11 વાગ્યે ઉડાવી દેવાનો પણ ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ધમકીના પગલે જામનગર અને સુરત મહાનગરપાલિકામાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા પાલિકાનાં તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને આસપાસનાં વિસ્તારોમાં કલાકો સુધી સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જો કે, કલાકોની કડક તપાસ બાદ પણ કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી.
પરિિસ્થતિ થાળે પડતાં મનપાની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરાવી દેવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ ગુજરાતમાં ખાલિસ્તાનના નામે આવી અનેક ધમકીઓ મળી ચૂકી છે.
આ ધમકીભર્યા મેઈલ પાછળ કયાં તત્વો જવાબદાર છે તેની ઊંડી તપાસ માટે સુરત પોલીસની સાયબર ક્રાઈમ સેલની ટીમ અને અન્ય ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈને આગળની તપાસ ચલાવી રહી છે.

