Rajkot તા.૧૭
રાજકોટ ડિવિઝનના રાજકોટ સ્થિત આરક્ષણ કચેરીમાં કાર્યરત વાણિજ્ય વિભાગના કર્મચારી શ્રી ચંદન ત્રિપાઠીએ (કમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક) પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં એક મુસાફરનો ખોવાયેલો સ્માર્ટફોન સુરક્ષિત પરત કરીને જનસેવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.તારીખ ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ શ્રી ચંદન ત્રિપાઠી આરક્ષણ કચેરીની બીજી પાળીમાં બારી નંબર-૨ પર ફરજ પર હતા. રાત્રે અંદાજે ૮૦૦ વાગ્યે કચેરી બંધ કરતી વખતે તેમણે જોયું કે એક મુસાફર પોતાનો મોબાઈલ ફોન આરક્ષણ બારી પર જ ભૂલીને ચાલ્યો ગયો છે. મોબાઈલ લોક હોવાના કારણે તેના અસલી માલિકની તાત્કાલિક ઓળખ શક્ય બની ન હતી.
શ્રી ત્રિપાઠીએ તત્પરતા દાખવીને આ અંગેની માહિતી મુખ્ય આરક્ષણ સુપરવાઈઝર શ્રી મનોજ ગોંડલિયાને આપી અને મોબાઈલ પોતાની પાસે સુરક્ષિત રાખ્યો. ત્યારબાદ રાત્રે ૯૨૦ વાગ્યે મોબાઈલ પર આવેલા ફોન કોલ દ્વારા સંબંધિત મુસાફર સાથે સંપર્ક સ્થાપિત થયો. જરૂરી વિગતોની ચકાસણી કર્યા પછી મુસાફરને બીજા દિવસે ટિકિટ અને આધાર કાર્ડ સાથે કચેરીએ આવવા માટે જણાવવામાં આવ્યું.
બીજા દિવસે સવારે મુસાફર કચેરીએ પહોંચતા તેના ઓળખના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી અને મોબાઈલ અનલોક કરાવીને તેમાં ઉપલબ્ધ વિગતોની સાવચેતીપૂર્વક ચકાસણી કરવામાં આવી. તમામ વિગતો સાચી જણાતા અંદાજે ૪૪,૦૦૦ની કિંમતનો વિવો ૭૦ સ્માર્ટફોન તેના અસલી માલિકને સોંપવામાં આવ્યો હતો.

