(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagarની યુવતીને લગ્નજીવન દરમિયાન માનસિક અને શારીરિક ત્રાસ આપવાના કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નિવાસી પતિને અદાલતે બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે રૂ. ૧૦,૦૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ભરવામાં આવે તો તે ફરિયાદી પત્નીને વળતરરૂપે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. દંડ નહીં ભરાય તો આરોપીને વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવી પડશે.
Jamnagarની પ્રિયાબેનના લગ્ન તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ ધ્રાંગધ્રા નિવાસી પરિમલભાઈ ઠાકર સાથે થયા હતા. લગ્ન બાદ પતિ તેમજ સાસુ-સસરા દ્વારા ઘરકામ જેવી સામાન્ય બાબતોમાં ઝઘડા કરી મહેણાં-ટોણાં મારવા, ગાળો આપવા અને મારકૂટ કરવામાં આવતી હોવાનું પ્રિયાબેને મહિલા પોલીસ મથકે તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
આ કેસ બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ડી. એસ. ગોંડલિયાએ રજૂ કરેલા પુરાવા અને દલીલોને આધારે અદાલતે આરોપી પતિને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮(ક) અને ૫૦૪ હેઠળ દોષિત ઠેરવ્યો હતો.
અદાલતમાં ફરિયાદી યુવતીના પિતાને મોકલાયેલા અપમાનજનક અને અશોભનિય મેસેજોના સ્ક્રીનશોટ તેમજ સોશિયલ મીડિયા પર મૂકાયેલા અપમાનજનક સ્ટેટસના સ્ક્રીનશોટ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓને ધ્યાનમાં રાખી અદાલતે તા. ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ આરોપી પતિને બે વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦,૦૦૦ દંડની સજા ફટકારી હતી.

