પરિમલ નથવાણીને 28 વોટ, કોંગ્રેસના પ્રણવ ઝાને 20 મત મળ્યાં
સીએમ ડીકે શિવકુમારે ભાજપના ધારાસભ્યો પાસે ક્રોસવોટિંગ કરાવતા કર્ણાટકમાં એમએલસીની સાતમાંથી પાંચમા કોંગ્રેસનો વિજય
New Delhi,તા.19
ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી થઈ હતી. એમાં ક્રોસવોટિંગ થતાં એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય થયો હતો. પરિમલ નથવાણી ચોથી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. એક બેઠક સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાને મળી હતી. મિઝોરમમાં સત્તાધારી ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે રાજ્યસભામાં ખાતું ખોલાવ્યું હતું. કર્ણાટકમાં એમએલસીની ચૂંટણીમાં ડીકે શિવકુમારે ભાજપ સાથે ખેલા કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી બે રાજ્યોમાં યોજાઈ હતી. આઠ રાજ્યોમાં ૨૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ જતાં ઝારખંડ અને મિઝોરમમાં ત્રણ બેઠકો પર ચૂંટણી થઈ હતી. ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા સામે પરિમલ નથવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમને એનડીએનું સમર્થન હતું. કોંગ્રેસમાં ક્રોસવોટિંગ થતાં પરિમલ નથવાણીનો વિજય થયો હતો. તેમને ૨૮ વોટ મળ્યા હતા. ચાર વિપક્ષી ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હતું તેના કારણે કોંગ્રેસના ઉમેદવારને ૨૦ મતો મળ્યા હતા. તે સિવાયની એક બેઠક પર ઝારખંડ મૂક્તિ મોરચાના વૈદ્યનાથ રામનો વિજય થયો હતો. ઝારખંડમાં સત્તાધારી ગઠબંધન પાસે સંખ્યાબળ જોતાં વૈદ્યનાથ રામનો વિજય નક્કી મનાતો હતો.
આઠ રાજ્યોમાં ૨૪ ઉમેદવારો રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા એમાં ૧૯ એનડીએ ઉમેદવારો હતા. પાંચ બેઠકો કોંગ્રેસને મળી છે. રાજ્યસભામાં એનડીએનું સંખ્યાબળ હવે ૧૫૦ થયું છે. હજુ પશ્વિમ બંગાળમાં ત્રણ બેઠકો ખાલી પડી છે. એમાં ચૂંટણી થશે અને એ ત્રણેય બેઠકોમાં ભાજપનો વિજય થાય એવી પ્રબળ શક્યતા છે. એ સાથે જ ભાજપના નેતૃત્વમાં એનડીએ ૧૫૩ બેઠકોએ પહોંચી જશે. એનડીએ એ સાથે જ બે-તૃત્યાંશ બહુમતીથી માત્ર ૧૦ બેઠકો દૂર રહેશે.
આ રાજ્યસભાની ચૂંટણી સાથે કર્ણાટકમાં વિધાન પરિષદની ચૂંટણી પણ થઈ હતી. સાત બેઠકોમાંથી ચાર કોંગ્રેસને મળે એવી શક્યતા હતી અને ત્રણ ભાજપને મળે તેમ હતી. તેના બદલે ડીકે શિવકુમારે ભાજપના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવતા કોંગ્રેસના ફાળે પાંચ બેઠકો આવી છે ને ભાજપે બે બેઠકોથી સંતોષ માનવો પડયો છે.

