New Yorkતા.19
ફીફા વિશ્વકપ 2026માં ગુરુવારનો દિવસ ભારે રોમાંચક અને ઐતિહાસિક રેકોર્ડ્સથી ભરેલો રહ્યો હતો. આજનાં મુકાબલાઓમાં કેનેડાએ ફૂટબોલ ઇતિહાસની સૌથી યાદગાર જીત નોંધાવી છે.
જ્યારે યજમાન મેક્સિકોએ પોતાની વિજયકૂચ જાળવી રાખીને ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં સત્તાવાર રીતે પ્રવેશ મેળવી લીધો છે. બીજી તરફ, સ્વિટ્ઝરલેન્ડે પણ આક્રમક રમત બતાવીને પોતાનાં ગ્રુપમાં ટોચનું સ્થાન મજબૂત કર્યું છે, જેના કારણે નોકઆઉટની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે.
કેનેડા અને કતાર વચ્ચે રમાયેલી મેચમાં સ્ટ્રાઈકર જોનાથન ડેવિડ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. તેણે શાનદાર હેટ્રિક ફટકારીને કેનેડાને વિશ્વકપ ઇતિહાસની પ્રથમ જીત અપાવી હતી.
કેનેડાએ કતારને 6-0 ના વિશાળ સ્કોરથી હરાવ્યું હતું, જેમાં સાઈલ લારિન અને નાથન સાલિબાએ પણ ગોલનું યોગદાન આપ્યું હતું. આ મેચ દરમિયાન કતારના બે ખેલાડીઓને રેડ કાર્ડ મળતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને કેનેડાએ આ તકનો પૂરો ફાયદો ઉઠાવીને નોકઆઉટમાં પહોંચવાની પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.
આ હેટ્રિક સાથે જોનાથન ડેવિડે એક ખાસ રેકોર્ડ પણ પોતાનાં નામે કર્યો છે. તે ચાલું વિશ્વકપમાં લિયોનેલ મેસી પછી હેટ્રિક લગાવનારો બીજો ખેલાડી બન્યો છે. આ ઉપરાંત, 1966ના વિશ્વકપ ફાઇનલમાં ઇંગ્લેન્ડના જ્યોફ હર્સ્ટ પછી, ડેવિડ પોતાનાં જ દેશમાં આયોજિત વિશ્વકપમાં હેટ્રિક મેળવનારો પ્રથમ ફૂટબોલર બન્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને ફીફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો પણ સ્ટેડિયમમાં હાજર રહીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં હતાં.
બીજી તરફ, ગ્રુપ `બી’ ના રોમાંચક મુકાબલામાં સ્વિટ્ઝરલેન્ડે બોસ્નિયા-હર્જેગોવિનાને 4-1 થી પરાજય આપ્યો હતો. મેચના અંતિમ 15 મિનિટમાં સ્વિસ ટીમે જોરદાર આક્રમણ કર્યું હતું,.
જેમાં સબસ્ટિટ્યુટ ખેલાડી જોહાન મન્જામ્બીએ બે મહત્વપૂર્ણ ગોલ કર્યા હતા. કેપ્ટન ગે્રનિટ ઝાકાએ પેનલ્ટી દ્વારા જીત પર મહોર લગાવી હતી. આ મેચમાં બોસ્નિયાના 40 વર્ષીય કેપ્ટન એડિન જેકોએ મેદાનમાં ઉતરીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લુકા મોડ્રિચ જેવા દિગ્ગજોની ક્લબમાં સ્થાન મેળવ્યું હતું.
ગ્રુપ `એ’ માં રમાયેલી અન્ય એક મેચમાં દક્ષિણ આફ્રિકાએ ચેક રિપબ્લિક સામે 1-1 થી ડ્રો રમીને ટૂર્નામેન્ટમાં પોતાની આશાઓ જીવંત રાખી છે. ચેક ટીમે મેચની શરૂઆતમાં જ ગોલ કરીને લીડ મેળવી લીધી હતી.
પરંતુ 83મી મિનિટે દક્ષિણ આફ્રિકાનાં તેબોહો મોકોએનાએ પેનલ્ટીને ગોલમાં ફેરવીને સ્કોર સરભર કર્યો હતો. જો કે, આગામી મહત્વની મેચ દક્ષિણ આફ્રિકાએ મોકોએના વિના રમવી પડશે, કારણ કે તે બીજા યલો કાર્ડને કારણે સસ્પેન્ડ થયો છે.
મેક્સિકો નોકઆઉટમાં પ્રવેશનારી પ્રથમ ટીમ
આ દરમિયાન, યજમાન મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0 થી હરાવીને ગ્રુપ `એ’ માં ટોચનું સ્થાન મેળવવાની સાથે રાઉન્ડ-ઓફ-32 એટલે કે નોકઆઉટમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બનવાનું ગૌરવ મેળવ્યું છે.
લુઈસ રોમોએ 50મી મિનિટે મેચનો એકમાત્ર વિજયી ગોલ કર્યો હતો. હવે ટૂર્નામેન્ટમાં શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ બ્રાઝિલ, અમેરિકા, મોરોક્કો અને તુર્કી જેવી મજબૂત ટીમો આમને-સામને ટકરાશે, જેનાં પર સમગ્ર વિશ્વનાં ફૂટબોલ ચાહકોની નજર ટકેલી છે.
આજના મેચોનું શિડ્યુલ, ભારતીય સમય મુજબ
સમય મેચ ગ્રુપ
20 જૂન, રાત્રે 12ઃ30 વાગ્યે અમેરિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ગ્રુપ D
20 જૂન, રાત્રે 03ઃ30 વાગ્યે સ્કોટલેન્ડ વિરુદ્ધ મોરોક્કો ગ્રુપ C
20 જૂન, સવારે 06ઃ00 વાગ્યે બ્રાઝિલ વિરુદ્ધ હૈતી ગ્રુપ C
20 જૂન, સવારે 08ઃ30 વાગ્યે તુર્કી વિરુદ્ધ પરાગ્વે ગ્રુપ D

