Mumbai,તા,22
ઇન્ડિયા-એ ક્રિકેટ ટીમે રવિવારે (21 જૂન) દામ્બુલાના રણગિરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકા-એ ટીમને 66 રને હરાવીને ટ્રાય સિરીઝ પર શાનદાર કબજો જમાવી લીધો છે. ભારતીય ટીમની આ ખિતાબી જીતના અસલી હીરો ઓપનર વૈભવ સૂર્યવંશી રહ્યા હતા. જેમણે પાવરપ્લેમાં જ મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. વૈભવે 324.14 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
આ વિસ્ફોટક પ્રદર્શન બદલ વૈભવ સૂર્યવંશીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતોખિતાબી જીત બાદ 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગ શૈલી અને રણનીતિ અંગે ખુલીને વાત કરી હતી. વૈભવે જણાવ્યું હતું કે, બેટિંગ કરતી વખતે તે કોઈ મોટા દબાણમાં નહોતો અને તેનું ધ્યાન માત્ર શરૂઆતની 10 ઓવરનો મહત્તમ લાભ ઉઠાવવા પર હતું. તેણે સ્વીકાર્યું કે, શરૂઆતની મેચોમાં તેની યોજનાઓ સફળ નહોતી થઈ રહી, પરંતુ તેણે કોચ સાથે ચર્ચા કરી અને નેટ્સમાં તેના પર સખત મહેનત કરી હતી. આ આયોજન આખરે ફાઇનલ મેચમાં સફળ સાબિત થયું અને ટીમ માટે વિજયી ઇનિંગ્સ જોવા મળી હતી.તાજેતરના દિવસોમાં ક્રિકેટ જગતમાં એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો વૈભવ 50 ઓવરના ક્રિકેટ ફોર્મેટમાં લાંબી ઇનિંગ્સ કેવી રીતે રમી શકશે. આ સવાલો પર હસતાં હસતાં પ્રતિક્રિયા આપતા વૈભવે કહ્યું કે, તેણે આ સિરીઝમાંથી ઘણું શીખ્યું છે,
પરંતુ તે અગાઉ પણ 50 ઓવરનું ક્રિકેટ ઘણું રમી ચૂક્યો છે, જેની લોકોને કદાચ માહિતી નથી. જુદી જુદી પિચો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમવું પડકારજનક હતું, છતાં તેણે આ પડકારનો ભરપૂર આનંદ લીધો હતો.ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં પોતાના રેકોર્ડતોડ પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી સતત લાઈમલાઈટમાં છે. હવે આ ખિતાબી ઇનિંગ્સ બાદ તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વૈભવ હવે આગામી સમયમાં ભારતીય ટીમ સાથે પહેલા આયર્લેન્ડ અને ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. રમતગમતના વિશ્લેષકોના મતે, આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન જ વૈભવ સૂર્યવંશીનો ઇન્ટરનેશનલ ડેબ્યૂ થવાની પ્રબળ સંભાવના છે, જ્યાં ચાહકોને ફરી એકવાર તેની મોટી મેચ-વિનિંગ ઇનિંગ્સ જોવાની આશા રહેશે.

