Mumbai,તા,22
વર્લ્ડ કપ 2026ના પહેલાં અઠવાડિયામાં એશિયાની ટીમોનો દબદબો જોવા મળ્યો છે. સાઉથ કોરિયાએ મેચમાં પાછળ રહ્યાં પછી જોરદાર વાપસી કરીને ચેકિયાને હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ તુર્કીને માત આપી.
જાપાને નેધરલેન્ડ્સ જેવી મજબૂત ટીમને બરાબરી પર રોકી દીધી, જ્યારે સાઉદી અરેબિયા અને કતારે ઉરૂગ્વે અને સ્વિટ્ઝર્લેન્ડ પાસેથી પોઈન્ટ્સ આંચકી લીધાં. પહેલીવાર રમી રહેલાં જોર્ડન અને ઉઝબેકિસ્તાને પણ એવું શાનદાર પ્રદર્શન કર્યું કે દુનિયાને બતાવી દીધું કે તેઓ ફૂટબોલના આ સૌથી મોટા સ્ટેજ પર રમવાને લાયક છે.
જેમ જેમ આ પરિણામો સામે આવી રહ્યાં છે, તેમ તેમ ભારતીય ફૂટબોલ પ્રેમીઓમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છેઃ ભારત અહીં કેમ નથી? આ સવાલ દર ચાર વર્ષે ફેન્સના મનમાં આવે જ છે. વર્લ્ડ કપ આવે એટલે નાના-નાના દેશો હેડલાઇન્સમાં છવાઈ જાય છે, અને ત્યારે જ આપોઆપ આપણું ધ્યાન 1.5 અબજથી વધુ વસ્તી ધરાવતાં આપણા ભારત દેશ તરફ જાય છે, જે ફૂટબોલની આ મોટી ટૂર્નામેન્ટમાં ક્યાંય દેખાતો નથી.
પરંતુ આ વર્ષે આ ચર્ચા થોડી અલગ છે. આપણને વિચારવા મજબૂર કરનારી આ ટીમો કોઈ બહુ દૂરના દેશો નથી, પણ આપણા જ એશિયા ખંડના દેશો છે. આ એવા દેશો છે જેમને એક સમયે ભારત પોતાના બરાબરીના સાથી ગણતું હતું. આ જ કારણે એશિયાની આ પ્રગતિ ભારત માટે ખુશીની સાથે સાથે આંખ ઉઘાડનારી પણ છે.
વર્ષોથી ભારતીય ફેન્સ યુરોપ કે દક્ષિણ અમેરિકાની ટીમોને જોઈને વિચારતા હતા કે તેઓ આટલું સારું કેવી રીતે રમે છે. પરંતુ આ વર્લ્ડ કપ જોયા પછી સમજાય છે કે જે મોટો તફાવત છે, તે કોઈ દૂરના દેશો સાથે નથી પણ આપણી સાવ નજીકના દેશો સાથે જ છે.
જાપાનને હવે કોઈ નબળી ટીમ નથી ગણતું. સાઉથ કોરિયા મોટા મેચોમાં ગમે તેવી મજબૂત ટીમને હરાવવાની તાકાત ધરાવે છે. ઓસ્ટ્રેલિયા હવે દર વખતે વર્લ્ડ કપમાં રમે છે. સાઉદી અરેબિયા અને કતારે પણ પોતાની રમત ઘણી સુધારી લીધી છે.
પહેલીવાર રમી રહેલાં ઉઝબેકિસ્તાન અને જોર્ડન પણ ફેવરિટ ટીમોને ટક્કર આપી રહ્યાં છે. આ વર્લ્ડ કપનો સૌથી મોટો પાઠ એ જ છે કે એશિયાનું ફૂટબોલ હવે માત્ર આગળ વધી નથી રહ્યું, તે ઘણું મોટું થઈ ચૂક્યું છે.
એશિયા હવે માત્ર નામ પૂરતું નથી રહ્યું
જ્યારે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી, ત્યારે ઘણા લોકો કહેતાં હતાં કે હવે ટૂર્નામેન્ટની મજા બગડી જશે અને નબળી ટીમો માત્ર ભાગ લેવા ખાતર આવશે. પરંતુ એશિયાની ટીમોએ પહેલાં અઠવાડિયામાં જ આ વાતો ખોટી સાબિત કરી દીધી છે.
આ પ્રદર્શન કાંઈ અચાનક નથી થયું. છેલ્લાં કેટલાક વર્લ્ડ કપથી એશિયાની ટીમો દુનિયાની મોટી ટીમો સામે બહુ આસાનીથી ટક્કર લઈ રહી છે. ગયા વર્લ્ડ કપમાં જાપાને જર્મની અને સ્પેનને હરાવ્યાં હતાં. સાઉદી અરેબિયાએ ચેમ્પિયન આર્જેન્ટિનાને હરાવ્યું હતું. સાઉથ કોરિયાએ પોર્ટુગલને માત આપી હતી.
આંકડા સાક્ષી પૂરે છે કે એશિયાએ આ વખતે રેકોર્ડ 9 ટીમો વર્લ્ડ કપમાં મોકલી છે અને તેઓ યુરોપ કે સાઉથ અમેરિકાની મોટી ટીમો સામે બરાબરીની ટક્કર આપી રહી છે. આ બધું રાતોરાત નથી થયું. જાપાન અને સાઉથ કોરિયાએ યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં અને કોચિંગ પાછળ દાયકાઓ સુધી મહેનત કરી છે.
ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓ માટે મજબૂત રસ્તો બનાવ્યો છે. સાઉદી અરેબિયા અને કતારે પોતાનાં દેશની લીગ પાછળ ખૂબ પૈસા ખર્ચ્યા છે. જોર્ડન અને ઉઝબેકિસ્તાન પણ ટૂંકા ગાળાના ફાયદા પાછળ દોડવાને બદલે લાંબા ગાળાના પ્લાનિંગના કારણે આજે અહીં પહોંચ્યા છે.
ભારતીય ફેન્સ માટે આમાંથી એક આશા જાગે છે કે જો આ દેશો કરી શકે, તો ભારત પણ કરી શકે છે. પરંતુ સાથે જ આ આપણને અરીસો પણ બતાવે છે. ભારત અત્યારે દુનિયામાં 138મા અને એશિયામાં 26મા નંબરે છે. જે 9 ટીમો વર્લ્ડ કપ રમી રહી છે, તે ભારત કરતાં ઘણી આગળ અને એક અલગ જ લેવલ પર છે. આ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી, કારણ કે ભૂલ સ્વીકારવી એ જ સુધારાનું પહેલું પગલું છે.
આગળની રાહ : હવે ભારત માટે શું?
એટલા માટે જ આ વર્લ્ડ કપને માત્ર એ રીતે ન જોવો જોઈએ કે ભારત આમાં કેમ નથી રમી રહ્યું. આપણે હંમેશાં સીધાં છેલ્લા સ્ટેજ એટલે કે વર્લ્ડ કપ સુધી જ પહોંચવું છે, પણ રસ્તો ભૂલી જઈએ છીએ. ભારત વર્લ્ડ કપમાં જાપાન કે સાઉથ કોરિયા સાથે રમવાનું વિચારે તે પહેલાં, તેણે એશિયાની મજબૂત ટીમોમાં સ્થાન મેળવવું પડશે.
એશિયાનાં ટોપ લેવલ પર પહોંચતાં પહેલાં, તેણે દર વખતે એશિયન કપમાં ક્વોલિફાય થવું પડશે. વર્લ્ડ કપના સપના જોતાં પહેલાં, ઘરઆંગણાની નાની ટૂર્નામેન્ટોમાંથી બહાર થઈ જવાનું બંધ કરવું પડશે.
આગામી વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચો 2027 ના અંતમાં શરૂ થશે. ફૂટબોલની દુનિયામાં આ સમય બહુ લાંબો નથી, સાવ નજીક જ છે. જો ભારતીય ફૂટબોલ આજે જ પાયાના વિકાસ, સ્થાનિક લીગ અને રમતના મેનેજમેન્ટ વિશે અઘરા નિર્ણયો નહીં લે, તો પૂરેપૂરી શક્યતા છે કે ચાર વર્ષ પછી પણ આપણે ફેન્સ તરીકે અહીં જ બેઠા હોઈશું-ટીવી પર વર્લ્ડ કપ જોતા હોઈશું, એશિયાના બીજા દેશોના વખાણ કરતા હોઈશું અને એ જ જૂનો સવાલ પૂછતા હોઈશું કે ભારત અહીં કેમ ફીફા વર્લ્ડ કપમાં નથી?

