Bagenstock,,તા,22
સ્વિટઝરલેન્ડના રીસોર્ટ સીટીમાં ગઈકાલે અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ સમજુતીમાં ઈઝરાયેલે સર્જેલા તનાવ વચ્ચે પણ મહત્વપૂર્ણ પ્રગતિ સાધી શકાઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ તથા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે વિશાળ પ્રતિનિધિ મંડળની હાજરીમાં તથા કતાર- પાકિસ્તાનની મધ્યસ્થીથી યોજાયેલી બેઠકમાં પુરી રાત્રીના ડ્રામા બાદ સમજુતી આગળ વધારવા સંમતી થઈ છે.
ખાસ કરીને ફરી એક વખત ઈરાનના અણુ કાર્યક્રમ મુદે 60 દિવસ બાદ જ એજન્ડા હાથ પર લેવા નિર્ણય લેવાયો હતો. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સોશ્યલ મીડીયા પોસ્ટમાં જાહેર કર્યુ કે ઈરાનના ક્રુડતેલ તથા પેટ્રોલીયમ નિકાસ પરના પ્રતિબંધ દુર થયા છે.
હોર્મુઝની નાકાબંધી પણ પુરી રીતે ખત્મ થઈ છે તથા અમારી ફ્રીઝ કરાયેલી સંપતિમાંથી થોડો હિસ્સો છુટો કરી દેવાયો છે તથા ઈરાનના પુનઃનિર્માણની યોજના શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત લેબનાનમાં જે ઈઝરાયેલના સૈન્ય અભિયાનને પુરી રીતે ખત્મ કરવા અમેરિકા-ઈરાને એક ડે-એસ્કેલેશન-તનાવ ઘટાડવા ખાસ સેલ રચવાની જાહેરાત કરી છે.
આ સેલ પરીસ્થિતિ મુજબ નિર્ણય લેશે. હવે બન્ને દેશોની ટેકનીકલ ટીમ એક સપ્તાહ સ્વીટઝરલેન્ડ રોકાઈ. ડીલની ટેકનીકલ બાબતો પર સહમતી આપશે તથા ભવિષ્યમાં વાતચીત માટે બન્ને હોટલાઈન સ્થાપીત કરશે.
બન્ને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં અણુ કાર્યક્રમ અંગે વિવાદ ઉકેલવા એક વર્કીંગ ગ્રુપ સ્થાપવા સહમત થયા છે અને કોઈપણ પ્રકારની ગેરસમજ ન થાય તેની ચિંતા કરશે. અમેરિકાના વાઈસ પ્રેસીડેન્ટ જે.ડી.વેન્સે જાહેર કર્યુ કે ઈરાન હોર્મુઝ ખુલ્લુ રાખવા સંમત થયુ છે. તેઓએ ઉમેર્યુ કે મહત્વનું એ છે કે અમો આગળ વધીએ છીએ.
ટ્રમ્પની ધમકી-ઈરાનનો વોક આઉટઃ મામલો થાળે પડયો
ઈરાન અણુ હથિયાર નહી બનાવેઃ કબુલાત
બગેનસ્ટોકઃ અમેરિકા-ઈરાન વચ્ચેની સમજુતીમાં ગઈકાલે એક તબકકે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગંદી ભાષા સાથે ઈરાનને ધમકી આપી હતી. તેના કારણે તનાવ સર્જાયો હતો અને ઈરાને વાટાઘાટમાં વોકઆઉટ કરી તમામ ધમકીઓના જવાબ આપવા ઈરાનના દાવા તૈયાર જ છે તેવી વળતી ચેતવણી આપી હતી.
આ શરૂઆતમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન લેબનાનમાં તેના પ્રોક્સી ગ્રૂપો (હિઝબુલ્લાહ) દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવાનું બંધ નહીં કરે, તો અમેરિકા ઈરાન પર સીધો લશ્કરી હુમલો કરી શકે છે.
ટ્રમ્પની આ ધમકીથી નારાજ થઈને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકર ગાલિબાફે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “ટ્રમ્પે પોતાના નિવેદનોમાં સાવચેતી રાખવી જોઈએ. અમારી સશસ્ત્ર સેનાઓ અલગ રીતે જવાબ આપવા સક્ષમ છે.”
આ વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળ કતરના અધિકારીઓને મળીને બેઠક છોડીને બહાર નીકળી ગયું હતું, જેથી એક સમયે મંત્રણા તૂટી ગઈ હોવાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની રાજદ્વારી ટીમ આખી રાત સતત બેઠકોમાં વ્યસ્ત રહી હતી અને ઈરાનને ફરી ટેબલ પર લાવવામાં સફળતા મેળવી હતી.
બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સ્પષ્ટ કર્યું છે કે તેહરાન યુરેનિયમ સંવર્ધન (Enrichment) નો પોતાનો અધિકાર નહીં છોડે, પરંતુ તેમણે ફરી દોહરાવ્યું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા નથી માંગતું અને તેઓ આ અંગે લેખિત ગેરંટી આપવા પણ તૈયાર છે
બીજી તરફ, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલી સૈનિકો જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી દક્ષિણ લેબનાનમાં રહેશે અને તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા નહીં દે.

