ગાંધીધામની કંપનીના ડાયરેક્ટર સામે રૂ. ૨૦.૫૬ કરોડથી વધુની રકમ ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪
જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગંભીર ગુનો નોંધાયો છે. આ બનાવમાં જામનગરની શ્રીજી શિપિંગ કંપનીના સંચાલકે ગાંધીધામ સ્થિત એક કંપનીના ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, જામનગરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપની સાથે સંકળાયેલા નગરના પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુ લાલ)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગાંધીધામ કચ્છ ની એજન્સીના ડાયરેક્ટર ચંદનકુમારએ તેમની કંપની પાસેથી બાર્જ, ટગ ભાડે આપવા સહિતની વિવિધ સ્ટીવડોરિંગ સેવાઓ લીધી હતી.
આ સેવાઓના બદલામાં ચૂકવવાના રૂ. ૨,૫૬,૭૨,૪૪૦ બાકી રાખ્યા હતા. ઉપરાંત સિદ્ધિ મરીન સર્વિસિસ એલએલપી પાસેથી લેવામાં આવેલી સેવાઓના રૂ. ૧૩,૭૩,૧૭,૬૮૭ તેમજ નરોત્તમકા કોમોડિટીઝ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી લેવામાં આવેલી લોન અને તેના વ્યાજની રૂ. ૪,૨૬,૯૫,૨૫૭ની રકમ પણ ચુકવવામાં આવી નહોતી. આ રીતે કુલ રૂ. ૨૦,૫૬,૮૫,૩૮૪ની રકમ ન ચૂકવી ફરિયાદીની કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ ૩૧૬(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

