(નયના દવે દ્વારા) Jamnagar,તા.૨૪
આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના પ્રશ્નોને સતત વાચા આપતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી મુદ્દે જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના મજબૂત અવાજને દબાવવા તેમજ આદિવાસી સમાજના હિતોની લડત લડતા નેતાઓને રાજકીય રીતે નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હેમંત ખવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા સામે કરવામાં આવેલી કાર્યવાહી માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ તેના પાછળ રાજકીય હેતુઓ રહેલા હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે આરોપ મૂક્યો હતો કે સત્તાધારી પક્ષ વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે વિવિધ તંત્રોનો ઉપયોગ કરી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેક નાગરિક અને જનપ્રતિનિધિને પોતાની વાત રજૂ કરવાનો અને જનહિતના પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર છે. કોઈપણ સરકાર કે સત્તાધારી તંત્ર આ અવાજને ક્યારેય દબાવી શકતું નથી. આદિવાસી સમાજ, જમીન અને જંગલના હકો માટે ચૈતર વસાવા જે રીતે લડત આપી રહ્યા છે તેને કોઈપણ કાર્યવાહીથી અટકાવી શકાશે નહીં.ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા યોગ્ય સમયે આવા પ્રયાસોને જવાબ આપશે. તેમણે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અંતે સત્યનો વિજય થશે અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂતી મળશે.

