‘ઈથા’ દ્વારા દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકર અને નિર્માતા દિનેશ વિજાન ફરી એકવાર સાથે આવ્યા છે. બંનેએ અગાઉ સફળ ફિલ્મ ‘છાવા’ આપી હતી
મુંબઈ, તા.૨૫
શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’નું ટીઝર આખરે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ થઈ ગયું છે. ટીઝરે દર્શકોને શ્રદ્ધાનાં કૅરિયરના સૌથી પડકારજનક અને અલગ અવતારના પાત્રની પહેલી ઝલક મળી છે. લક્ષ્મણ ઉટેકરના દિગ્દર્શનમાં બનેલી અને મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં શ્રદ્ધા મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરની ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન વીકએન્ડ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ‘ઈથા’નું ટીઝર સૌથી પહેલા મેડોક ફિલ્મ્સની ‘કોકટેલ ૨’ સાથે ૧૯ જૂને થિયેટરોમાં દર્શાવવામાં આવ્યું હતું. ટીઝરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ અને સોશિયલ મીડિયા પર વધતી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને હવે તેને સત્તાવાર રીતે ઓનલાઈન રિલીઝ કરવામાં આવ્યું છે. ૨ મિનિટ અને ૧૮ સેકન્ડ લાંબું ટીઝર એક ઉત્સાહભર્યા વાતાવરણ સાથે શરૂ થાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ‘ઈથા’ નામનાં કલાકારના પરફોર્મન્સની રાહ જોઈ રહ્યા છે. શરૂઆતમાં ટીઝર કોઈ પરંપરાગત સ્ટાર એન્ટ્રીનો અહેસાસ કરાવે છે, પરંતુ થોડી જ વારમાં શ્રદ્ધા કપૂરની એન્ટ્રી સમગ્ર માહોલ બદલી નાખે છે. તેમનો દેખાવ, હાવભાવ અને બોડી લેંગ્વેજ તરત જ દર્શાવે છે કે આ પાત્ર માટે શ્રદ્ધાએ ભારે મહેનત કરી છે. ટીઝરમાં શ્રદ્ધા કપૂરના ઊર્જાસભર ડાન્સ, મજબૂત સ્ટેજ પ્રેઝન્સ અને અસરકારક અભિનયની ઝલક જોવા મળે છે. તેની રજૂઆત મહારાષ્ટ્રની લોકપ્રિય તમાશા અને લાવણી પરંપરાથી ગાઢ રીતે જોડાયેલી જણાય છે.વિઠાબાઈ નારાયણગાંવકરને મહારાષ્ટ્રની લોકકલા જગતની એક દંતકથા સમાન કલાકાર માનવામાં આવે છે અને ટીઝર સૂચવે છે કે ફિલ્મ તેમના સંઘર્ષ, લોકપ્રિયતા અને કળા પ્રત્યેના સમર્પણને મોટા પડદા પર ભવ્ય રીતે રજૂ કરશે.ટીઝર રિલીઝ થવાના થોડા કલાકો પહેલાં જ નિર્માતાઓએ શ્રદ્ધાના કેટલાક આકર્ષક પોસ્ટર્સ પણ જાહેર કર્યા હતાં. એક પોસ્ટરમાં શ્રદ્ધા પીળા રંગની પરંપરાગત સાડીમાં, ઘુંઘરુઓથી સજ્જ થઈને દીવડાઓ અને દર્શકોની ભીડ વચ્ચે ચાલતી જોવા મળે છે. આ દ્રશ્યો વિઠાબાઈનાં ભવ્ય વ્યક્તિત્વ અને તમાશાની રંગીન દુનિયાની ઝલક આપે છે, જેને ફિલ્મમાં જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘ઈથા’ દ્વારા દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકર અને નિર્માતા દિનેશ વિજાન ફરી એકવાર સાથે આવ્યા છે. બંનેએ અગાઉ સફળ ફિલ્મ ‘છાવા’ આપી હતી. ફિલ્મનું સંગીત લોકપ્રિય સંગીતકાર જોડી અજય-અતુલે તૈયાર કર્યું છે.ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે ‘ઈથા’ માત્ર ભવ્ય સંગીત અને નૃત્યથી ભરપૂર ફિલ્મ નહીં, પરંતુ એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી સફર પણ હશે. ફિલ્મમાં વિઠાબાઈના વ્યક્તિગત જીવન, તેમના સંઘર્ષો અને લોકકલા જગતમાં તેમનાં અસાધારણ યોગદાનને રજૂ કરવામાં આવશે.

