Vadodara,તા.29
વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે બે દિવસની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો તા.૨૯ જૂન, સોમવારથી પ્રારંભ થશે.તેના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ હાજર રહેશે.જ્યારે તા.૩૦ના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે.
મુખ્યમંત્રીના હસ્તે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈ બસનો ફ્લેગ ઓફ કાર્યક્રમ જીએસએફસી ગેટ નંબર એક ખાતે યોજાશે.એ પછી ૧૦-૩૦ વાગ્યે તેઓ ટ્રેડ શો અને એક્ઝિબિશનનું અને સવારે ૧૧-૧૫ વાગ્યે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે.આ કોન્ફરન્સમાં સેમિકન્ડકટર, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, બાયોટેકનોલોજી, ક્રિએટિવ ટુરિઝમ, સ્ટાર્ટ અપ , ફિશરિઝ, રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ વિષયો અને તેમાં ગુજરાત માટે શું તકો રહેલી છે તેના પર ૧૯ સેમિનારનું આયોજન કરાયું છે.વિવિધ ઉદ્યોગોના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને નિષ્ણાતો સેમિનારમાં હાજર રહેશે.જ્યારે પ્રદર્શનમાં ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ અપ અને સરકારી સાહસોની સિધ્ધિઓ દર્શાવતા ૧૫૦ જેટલા સ્ટોલ્સ જોવા મળશે.

