Amreli,તા.29
લાઠીથી અમરેલીને જોડતા નેશનલ હાઈવે પર ટોડા ગામ નજીક આવેલો કોઝવે હાલ વાહનચાલકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ વ્યસ્ત હાઈવે પરથી રોજ હજારો વાહનોની અવરજવર થાય છે, છતાં અહીં કોઝવે પર કોઈ પણ પ્રકારની રેલિંગ ન હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ મુખ્ય માર્ગની ઉપેક્ષા કરીને નજીકમાં જ આવેલા સાંસદના ગામ જરખીયાના પાટિયા પાસે નવો પુલ બનાવવામાં આવી રહ્યો હોવાથી સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીથી ગાંધીનગર જવા માટે આ મુખ્ય માર્ગ હોવાથી ધારાસભ્યો અને સાંસદ પણ અવારનવાર અહીંથી જ પસાર થાય છે. ટોડા નજીક આવેલા આ કોઝવે નીચેથી નદી વહે છે. ચોમાસા દરમિયાન નદીના પૂરના પાણી વારંવાર કોઝવે પર ફરી વળે છે. તે સમયે પાણી અને રોડ એક થઈ જતા હોવાથી અને સાઈડમાં કોઈ રેલિંગ ન હોવાને કારણે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થાય છે.
ઘણીવાર પૂરની સ્થિતિમાં આ નેશનલ હાઈવે થોડી વાર માટે બંધ રાખવાની નોબત પણ આવે છે. સ્થાનિકોની માગ છે કે અહીં નવો પુલ બનાવવામાં આવે અથવા તાત્કાલિક મજબૂત રેલિંગ ફિટ કરવામાં આવે.બીજી તરફ, આ જ કોઝવેની બિલકુલ નજીક આવેલા જરખીયા ગામના પાટિયા પાસે નવો પુલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જરખીયા ગામ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાનું વતન છે. આ બાબતને લઈને પંથકના લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, હજારો વાહનોની અવરજવર વાળા મુખ્ય નેશનલ હાઈવેના જોખમી કોઝવેની રેલિંગનુ કામ કરવાને બદલે સાંસદે પોતાના ગામ તરફ જવાના રસ્તા પરના પુલને વધુ મહત્ત્વ આપ્યું છે.

