Amreli,
અમરેલીમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આજે (29મી જૂન) વહેલી સવારથી જ આકરૂં વલણ અપનાવીને મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
100 જેટલા આસામીઓને અપાઈ હતી નોટિસ
મળતી માહિતી અનુસાર, અમરેલીના લાઠી રોડ અને કુકાવાવ રોડ પર માર્ગ નડતરરૂપ એવા આશરે 100 જેટલા ગેરકાયદે દબાણો હટાવવા માટે નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા અગાઉથી જ નોટિસો ફટકારવામાં આવી હતી. તંત્રની કડક નોટિસ બાદ સજાગ બનેલા મોટાભાગના લોકોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે જ હટાવી લીધા હતા, જ્યારે બાકી બચેલા દબાણો આજે સવારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.
વિવિધ વિભાગોના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ ડિમોલિશનની કામગીરીને સફળ બનાવવા અને કોઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે મોટો વહીવટી કાફલો મેદાને ઉતારવામાં આવ્યો હતો. આ કામગીરીમાં આર એન્ડ બી (R&B) વિભાગ, રેવન્યુ (મહેસૂલ) વિભાગ, પીજીવિસીએલ અને નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

