Rajkot,તા.14
રૈયા સર્વે નં. ૨૫૦ વાળી જમીન સંબંધે પાળ દરબાર દ્વારા ગુ. કાંતિલાલ અંબાલાલ પટેલ (કાંતિ કપચી)ના વારસો તથા અન્યો વિરૂધ્ધ કરવામાં આવેલું કોર્ટનું હુકમનામું રદ કરવાના દાવામાં કાયદેસરના હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહીં, તેમ ઠરાવી સિવિલ કોર્ટે રૈયા સર્વે નંબર 250 સંબંધે થયેલો દાવો રદ કરી સ્વ. કાંતિલાલ પટેલના વારસોની તરફેણમાં હુકમ કર્યો છે. કેસની હકીકત મુજબ, રાજકોટના રૈયા ગામના રેવન્યુ સર્વે નં. ૨૫૦ની જમીન એકર ૧૯૮-૩૯ ગુંઠામાંથી પાળ દરબાર હરીશચંદ્રસિંહ જાડેજાએ અગાઉ ડાયાલાલ જમનાદાસ રૂપારેલને એકર ૫૦ તથા વિનાયકરાય છોટાલાલને એકર ૫૦ વેચાણ આપવા સને-૧૯૮૦માં કરારો કરી અવેજ પેટે રકમો મેળવી જમીનો તબદીલ કરવા પરવાનગી મેળવવા અરજી કરી હતી, પરંતુ તે અરજીઓ રાજકોટ કલેકટર દ્વારા નામંજુર કરવામાં આવ્યા બાદ હરીશચંદ્રસિંહ જાડેજાએ સુથી તથા અવેજની રકમો પરત નહિ કરી ઓળવી ગયા અંગે ડાયાલાલ જમનાદાસ તથા વિનાયકરાય છોટાલાલ દ્વારા સુથી તથા અવેજની રકમો પરત મેળવવા દિવાની દાવાઓ કર્યા હતાં.
હરીશચંદ્રસિંહ જાડેજાએ તાઃ ૦૨/ ૦૪/ ૧૯૯૩ના રોજ જમીન ડેવલપમેન્ટ અંગેનો સાટાખત કરાર કરી આપેલો હતો અને હરીશચંદ્રસિંહ જાડેજાએ તે જ દિવસે કાંતિલાલ અંબાલાલ પટેલની સૂચના અન્વયે ધનંજય વલ્લભભાઈ પટેલ જોગ તમામ પ્રકારની સતાઓ આપતું કુલમુખત્યારનામું નોટરાઈઝડ કરી આપેલ હતું, . એ મુજબ બંને કુલમુખત્યારનીની સંમતિથી કરારદાદી હુકમનામું સીનીયર સીવીલ જજની કોર્ટ દ્વારા તાઃ ૦૭/ ૦૨/ ૨૦૦૧ના રોજ હુકમનામું કરી આપવામાં આવ્યું હતું.
પરંતુ આ કરારદાદી હુકમનામાં બાદ કુલમુખત્યારનામું રદ કરવા અંગેની નોટિસ હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા પાઠવવામાં આવેલ હતી. બાદ તુરત જ હરીશચંદ્રસિંહ જાડેજાના બહેન કૃષ્ણકુંવરબા દ્વારા વર્ષ ૨૦૦૧મા દાવો દાખલ કરવામાં આવતા જમીન વાદગ્રસ્ત બની હતી. જેમાં હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા પોતાની નાદુરસ્ત તબિયત અન્વયે કાંતિલાલ પટેલ દ્વારા કરાવી લેવામાં આવેલ હોવાની તકરાર ઉપસ્થિત કરી હુકમનામું રદબાતલ ઠરાવવા અર્થે સ્પે.દી.મુ.નં. ૫૩/ ૨૦૦૨ થી દાવો દાખલ કરવામાં આવેલ હતો. આ દાવો કોર્ટ સમક્ષ પેન્ડીંગ દરમ્યાન સને-૨૦૦૪ થી ૨૦૦૬ સુધીના સમયગાળા દરમ્યાન કાંતિલાલ પટેલ પાસેથી આશરે 7.35 લાખ રકમ ચેક તથા ડ્રાફટ થી હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ પાસેથી સ્વીકારવામાં આવેલ હતી. બાદ સને-૨૦૦૬ ના અંતમાં હરીશચંદ્રસિંહ જાડેજા નું અવસાન થતાં તેઓના વારસદારોએ હાલના દાવામાં પક્ષકારો બનીને સરતપાસ અંગેના સોગંદનામામાં હરીશચંદ્રસિંહ જાડેજાએ અફીણના નશામાં કાંતિલાલ પટેલ જોગ કરારો કરી આપેલા કરારો રદ કરવા રજૂઆતો કરી હતી. દરમિયાન હરિશ્ચંદ્ર સિંહ જાડેજાના ૦૭/ ૦૨/ ૨૦૦૧ ના રોજ કરાવી લીધેલ હુકમનામું રદબાતલ ઠરાવવા અંગેના દાવામાં કોર્ટ સમક્ષ ઉભયપક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ તથા રજુઆતો લક્ષમાં લઈને અને ચાલુ દાવા દરમ્યાન હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કાંતિલાલ પટેલ પાસેથી રકમો સ્વીકારેલ હોવાની રજુઆત તેમજ હરીશચંદ્રસિંહ જાડેજા નહીં પરંતુ મે. સિધ્ધ ઈન્ફાસ્કટ્રચર્સ વાદગ્રસ્ત જગ્યાનો કબજો ધારણ કરતા હોવાનું માની અને હાલના દાવામાં હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કબજો પરત મળવા અંગેની કોઈ દાદ માંગેલ નહીં હોવાના કારણે દાવો મેઈન્ટેનેબલ નહીં હોવાની રજુઆત તેમજ રજુ રાખેલ સમગ્ર દસ્તાવેજી પુરાવાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી ઉભય પક્ષ દ્વારા આપવામાં આવેલ મૌખિક પુરાવાનો પણ તલસ્પર્શી અભ્યાસ કરી પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ પીપરાની દ્વારા આશરે ૪૦૪ પાનાનો લાંબો ચુકાદામા વાદીનો દાવો નામંજુર કરતા હુકમથી ખળભળાટ મચી ગયો છે. આ કામમાં પ્રતિવાદીઓ તરફે ધારાશાસ્ત્રીઓ ઉદયન ૨. દેવમુરારિ, જતીનભાઈ ઠકકર, ધર્મેશભાઈ શેઠ, કેતન શાહ, અભય બારડ તેમજ હાઈકોર્ટના સીનીયર કાઉન્સેલ મેહુલભાઈ શાહ રોકાયા હતાં.