સનાતન ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી તેમાં રહેલા ભાવને મહત્વ આપેલું છે.સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી પણ પાપ થાય છે.શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.તેથી ’સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે’ મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત થાય છે.આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન નથી,કોઈએ મારૂં બગાડ્યું નથી.કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે.સર્વમાં સદભાવ રાખો,સર્વને સદભાવથી નિહાળો.મહાભારતમાં કથા છે કે દુર્યોધને પણ વિષ્ણુયાગ કરેલો,તે વિષ્ણુયાગ કરે છે પણ તેના મનમાં સદભાવ નથી એટલે તેને કંઈ ફળ મળ્યું નથી.
મનુ મહારાજને ત્યાં ત્રણ કન્યાઓ થયેલી.આકુતિ,દેવહુતિ અને પ્રસૂતિ.તેમના લગ્ન અનુક્રમે પ્રજાપતિ,કર્દમ અને દક્ષ પ્રજાપતિ જોડે કરેલા.કર્દમ અને દેવહુતિને ત્યાં નવ કન્યાઓ થયેલી તે નવ બ્રહ્મર્ષિઓને પરણાવેલી,તેમાંની એક અનસુયા અત્રિઋષિને પરણાવેલી.તેમના ત્યાં ત્રણ પુત્રો દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા થયેલાં.જે અનુક્રમે ભગવાન વિષ્ણુ-શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા.
આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિમુનિને ત્યાં શા માટે અવતાર લીધા તે કથા જોઇએ.દત્તાત્રેય અત્રિના ઘેર જ આવે છે.પુરૂષ અત્રિ જેવો તપસ્વી બને અને સ્ત્રી અનસુયા જેવી તપસ્વીની બને તો દત્તાત્રેય આજે પણ આવવા તૈયાર છે.ન-ત્રિ તે અત્રિ.સત્વ-રજસ અને તમસ આ ત્રણ ગુણોનો નાશ કરી નિર્ગુણી બને તે અત્રિ. આજકાલ સત્વ-રજસ અને તમસ ગુણોમાં જીવ મળી ગયો છે.આ ત્રણ ગુણોથી જીવને અલગ કરવાનો છે. ત્રણ ગુણો છોડીને બ્રહ્મસંબંધ કરવાનો છે.ત્રિગુણાતીત ત્રણ ગુણોથી અલગ બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થયો છે તે અત્રિ.શરીરમાં તમોગુણ છે તેને રજોગુણથી મારો,રજોગુણને સત્વગુણથી મારો.સત્વગુણ પણ બંધન કરે છે, એમાં થોડો અહંભાવ રહી જાય છે માટે સત્વગુણને સત્વગુણથી મારવાનો છે.સત્વગુણનો પણ નાશ કરી નિર્ગુણી થવાનું છે.
અનસૂયાનો અર્થ ઈર્ષ્યા અને જલનથી જે મુક્ત છે તે અત્રિ નામના પ્રાચીન ઋષિની પત્ની હતાં. રામાયણમાં તેઓ ચિત્રકુટના જંગલના દક્ષિણ છેવાડે એક નાના આશ્રમમાં તેમના પતિ અત્રિ સાથે રહેતા હતા.તેઓ ખૂબ જ ધર્મનિષ્ઠ હતા અને હંમેશાં તપ અને ભક્તિનો અભ્યાસ કરતા હતા.આનાથી તેમને ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ હતી.સતી અનસૂયાને સાત પતિવ્રતાઓમાં એક ગણવામાં આવે છે. સીતા અને રામ જ્યારે તેમના વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે અનસૂયા તેમની ખૂબ સંભાળ રાખતા હતા અને તેમણે સીતાજીને એક લેપ આપ્યો હતો જેથી તેમની સુંદરતા કાયમ જળવાઈ રહે.સતી અનુસુયાએ માતા સીતાને પતિધર્મની શિક્ષા આપી હતી અને વિદાય આપતી વખતે માતા સીતાને ઘરેણાં અને દિવ્ય વસ્ત્રો આપ્યા હતા જે ક્યારેય પણ મેલા (ગંદા) ન થાય કે ફાટે નહીં.તેઓ ત્રિમૂર્તિ બ્રહ્મા-વિષ્ણુ અને શિવના અવતાર દત્તાત્રેય, ભગવાન શિવનો અવતાર ક્રોધી ઋષિ દુર્વાસા અને બ્રહ્માનો અવતાર એવા ચંદ્રદેવની માતા હતાં.તેઓ ઋષિ કર્દમ અને દેવહુતિની પુત્રી હતા.ઋષિ કપિલ તેમના ભાઈ હતા.
સતી અનુસુયા આશ્રમ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આવેલો છે,જે મંદાકિની નદીની ઉપર તરફના ભાગમાં સ્થિત છે.તે શહેરથી ૧૬ કિ.મી. ગાઢ જંગલ અને પક્ષીઓની મધુર સંગીત વચ્ચે આવેલો છે.અહીં ઋષિ અત્રિ તેમની પત્ની અનુસુયા અને તેમના ત્રણ પુત્રો (જે બ્રહ્મા- વિષ્ણુ અને શિવના ત્રણ અવતારો હતા) સાથે રહેતા અને તપ કરતા હોવાનું કહેવાય છે.સતી અનસુયા આશ્રમ હાલમાં એક ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે જ્યાં પર્વતોમાંથી વિવિધ પ્રવાહો ભેગા થાય છે અને મંદાકિની નદી બનાવે છે.સીતા અને રામ પણ મહર્ષિ અત્રિ અને સતી અનુસુયાને મળવા આ સ્થળે આવ્યા હતા.અહીં સતી અનુસુયાએ સીતાને સતીત્વની ભવ્યતા અને મહત્વ સમજાવ્યું હતું.દંડકના ગાઢ જંગલો આ સ્થાનથી શરૂ થાય છે.આ જંગલો પર તે સમયે રાવણનું શાસન હતું.રાવણે તેના શાસકો તરીકે ખર-દૂષણ અને વિરાધ જેવા શક્તિશાળી રાક્ષસોની નિમણૂંક કરી હતી.આ સ્થાનને રાક્ષસોના આતંકથી ગ્રસ્ત હતું.
જીવ અત્રિ થાય તો બુદ્ધિ અનસુયા બને.અસૂયા મત્સર ઈર્ષા વગરની બુદ્ધિ તે અનસૂયા.બુદ્ધિનો મોટામાં દોષ અસૂયા મત્સર અને ઈર્ષા છે.બીજાનું સારૂં જોઈ ઈર્ષ્યા કરે,બળે તે અસૂયા.અસૂયા જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન કરી શકાશે નહિ.જીવ અત્રિ થાય અને બુદ્ધિ અસૂયા વગરની બને પછી દત્તાત્રેય પધારે.અનસૂયા મહાન પતિવ્રતા છે.
એક વખત નારદજી કૈલાસમાં આવ્યા છે.શંકર સમાધિમાં હતા.પાર્વતીજી પૂજન કરતાં હતાં.પાર્વતી નારદજીને પ્રસાદ આપે છે.નારદજી કહે છે કે લાડુ બહુ સુંદર છે,આજે તમારાં હાથનો પ્રસાદ મળ્યો પણ અનસૂયાના ઘરનો લાડુ તમારાં લાડુ કરતા શ્રેષ્ઠ છે.પાર્વતીજી પૂછે છે કે આ અનસૂયા કોણ છે? નારદજી કહે છે તમે પતિવ્રતા છો પણ અનસૂયા મહાન પતિવ્રતા છે.પાર્વતીના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઇ.મારાથી અનસૂયા વધે? શંકરજી સમાધિમાંથી જાગ્યા છે પાર્વતી વંદન કરે છે.ઘરનાં માણસ બહુ વંદન, બહુ સેવા કરે એટલે માનવું કે ખાડામાં ઉતારવાની તૈયારી છે.ભગવાન શંકરે પૂછ્યું દેવી શું વાત છે? પાર્વતીએ શંકર પાસે માગણી કરી.કોઈ પણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય તેવું કરો.શિવજી કહે છે કે બીજાને ખાડામાં ઉતારવાની ઈચ્છા કરનારો પોતે ખાડામાં પડે છે.દેવી..તેમાં કલ્યાણ નથી પણ તમારી ઈચ્છા છે તો પ્રયત્ન કરીશ.
નારદજી એ આવી જ રીતે લક્ષ્મીજી અને સાવિત્રીજી આગળ અનસુયાના પતિવ્રતાપણાની વાત કરી અને એવી જ રીતે લક્ષ્મીજીએ વિષ્ણુને અને સાવિત્રીજીએ બ્રહ્માની પાસે પાર્વતીની જેમ જ માગણી કરી છે.બ્રહ્મા-વિષ્ણુમહેશ ત્રણે ચિત્રકૂટમાં ભેગા મળ્યા.ત્રણે દેવો અનસુયાના આશ્રમમાં ભિક્ષા માગવા આવે છે.અનસૂયાએ અતિથિનું સ્વાગત કરી ભોજન પીરસવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે ત્રણેય બ્રહ્મચારી ત્રિદેવોએ એવી આકરી શરત મૂકી કે તમે નિર્વસ્ત્ર થઈને ભીક્ષા આપો તો જ લઈશું, નહિ તો પાછા જઈશું. નગ્ન થઈને એટલે કે વાસના વગરના થઈને ભિક્ષા આપો એમ અર્થ કરી શકાય.અનસુયાના મનમાં સૂક્ષ્મ વાસના પણ નહોતી.જો સૂક્ષ્મ વાસના પણ મનમાં હોય તો ત્રણે દેવો આવતા નથી.અનસૂયા વિચારે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પાતિવ્રત્યનો ભંગ થાય અને ભિક્ષા ના આપું તો આંગણે આવેલા અતિથી પાછા જાય તો પણ મહાપાપ લાગે.આવેલા અતિથિ ખાલી હાથે પાછા ફરે તો સતીત્વ ધર્મ લાજે, આથી માતા અનસૂયાએ હાથમાં પાણીની અંજલિ ભરી સંકલ્પ કર્યો કે જો મારી સ્વામીભક્તિ સાચી હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે બાળક સ્વરૂપ થઈ જાય.અંજલિનો સ્પર્શ થતાં બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવ નાનાં બાળક બની ગયાં.માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પોતાનું દૂધ પીવડાવીને પારણામાં મૂકી સૂવડાવી દીધાં.પતિવ્રતામાં એવી શક્તિ હોય છે.
આ બાજુ ત્રણે દેવોની પત્ની હેરાન છે.સવારના ગયા હજુ સુધી પાછા આવ્યા નથી.ત્રણે દેવીઓ શોધવા નીકળી છે.બ્રહ્મલોક-વૈકુંઠ અને કૈલાસ એમ ત્રણેય લોક પર દેવી બ્રહ્માણી-લક્ષ્મીજી અને રૂદ્રાણી તેમના આવવાની રાહ જોઈ ચિતિંત થઈ ગયાં હતાં અને વિચારતાં હતાં કે ત્રણેય દેવો ગયા ક્યાં?. ચિત્રકૂટમાં આવ્યા ત્યાં નારદજીને તેમણે જોયા,દેવીઓએ તેમને પૂછ્યું અમારા પતિઓના કોઈ સમાચાર જાણતા હો તો કહો.નારદજી કહે છે કે પહેલાં કહો કે મોટું કોણ? તમે કે અનસૂયા? દેવીઓ કહે છે કે અનસૂયા.એ સમયે નારદજીએ કહ્યું સતી અનસૂયાના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બની ગયા છે.
નારદજીએ કહ્યું કે હાલમાં માતા અનસૂયાએ ત્રણે દેવોને બાળક બનાવી પારણામાં ઝુલાવી રહ્યાં છે. ત્રણે દેવીઓ ગભરાય છે.ત્યાં જઈએ અને અનસૂયા શાપ આપે તો? નારદજી કહે છે કે તમે ભલે મત્સર કરો પણ અનસૂયા તમને સદભાવથી જોશે,તમારા પ્રત્યે સદભાવ રાખશે.ત્રણેય દેવીઓ તરત જ અત્રિના આશ્રમ પહોંચી માતા અનસૂયાની માફી માગી ત્યારે અનસૂયાએ અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવીઓ પાસે કરાવી કે ‘‘આજથી પ્રતિજ્ઞા કરો કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ, જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.’’ ત્યારબાદ પોતાના પતિ પાછા આપવાની માગણી કરી ત્યારે માતા અનસૂયાએ ત્રણેય દેવીઓને કહ્યું કે તમારા સ્વામી અત્યારે પારણામાં સૂતા છે તેમને ઓળખીને લઈ જાઓ,ત્યારે ત્રણેય દેવીઓ પોતાના પતિઓને ઓળખી ન શકી અને મુઝાઈ ગઈ.બીજા સાથે અસૂયા (ઈર્ષા) કરનારને શાંતિ મળતી નથી.
ત્રણેય દેવીઓએ માતા અનસૂયાને ફરી વિનંતી કરતાં કહ્યું કે અમે અજ્ઞાની અમારા સ્વામીઓને ઓળખી ન શક્યાં,તમે જ અમારા સ્વામીની ઓળખાણ કરાવો.અત્રિ ઋષિ તેવામાં પધારે છે અને પૂછે છે કે આ ત્રણ બાળકો કોણ છે? અનસૂયા કહે કે આ ત્રણ મારા છોકરાઓ છે અને ત્રણ વહુઓ છે.અત્રિ કહે છે દેવી આવું ના બોલો.આ ત્રણ તો મહાદેવો છે.ત્યારે માતા અનસૂયાએ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવોને પૂર્વવત સ્થિતિમાં લાવી દીધા.ત્રણે દેવોએ કહ્યું તમારે આંગણે બાળક થઈને રમતા હતા તેવું સુખ કાયમ તમને આપશું.આ ત્રણે દેવોનું તેજ ભેગું થવાથી આદ્ય ગુરૂ દત્તાત્રેય પ્રગટ થયા છે.ત્રણેય દેવોએ માતા અનસૂયાને વરદાન માગવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્રસ્વરૂપે અવતરો અને અમને ધન્ય કરો.તેમને ત્યાં ત્રણ પુત્રો દત્તાત્રેય,દુર્વાસા અને ચંદ્રમા જે અનુક્રમે ભગવાન વિષ્ણુ,શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા..
આલેખનઃ વિનોદ માછી નિરંકારી