New Delhi,તા.૮
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શનિવારે જણાવ્યું હતું કે બજાર દળો (માંગ અને પુરવઠો) યુએસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય નક્કી કરે છે અને કેન્દ્રીય બેંક ચલણના મૂલ્યમાં રોજિંદા વધઘટથી ચિંતિત નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણની રિઝર્વ બેંકના ડિરેક્ટર બોર્ડ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંક મધ્યમથી લાંબા ગાળામાં રૂપિયાના મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમેરિકન ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનની કિંમતોમાં વધારા પર થતી અસર અંગે, આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે પાંચ ટકાનો અવમૂલ્યન સ્થાનિક ફુગાવાને ૦.૩૦ થી ૦.૩૫ ટકાની રેન્જમાં અસર કરે છે.
તેમણે કહ્યું કે આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના અંદાજો નક્કી કરતી વખતે ઇમ્ૈં વર્તમાન રૂપિયા-ડોલર દરને ધ્યાનમાં લે છે. એક પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે નવા આવકવેરા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને તેમને આશા છે કે આગામી સપ્તાહમાં તેને લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ પછી તેને સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આરબીઆઇ અને સરકાર ફુગાવા અને આર્થિક વિકાસ સહિત તમામ મોરચે સંકલિત રીતે સાથે મળીને કામ કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે દિલ્હીને એવી સરકાર મળવી જોઈએ જે તેના લોકોની સેવા કરે અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરે. તેમણે કહ્યું કે આ સમયની માંગ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતગણતરીના વલણોથી હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૨૭ વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પરત ફરવા જઈ રહી છે. મત ગણતરી હજુ પણ ચાલુ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૬૧૩મી બેઠકને સંબોધિત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સીતારમણે કહ્યું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, સમયની માંગ એ છે કે ભારતના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં એવી સરકાર હોવી જોઈએ જે તેના લોકોના હિત માટે કામ કરે અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરે.