છેલ્લા ઘણાં વર્ષો પછી ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં સમાંતર અને સામટી મંદીના ભણકારા વાગી રહ્યા છે. દેશના વેપારી મહામંડળોમાં અત્યારે એક હવા ફેલાયેલી છે કે અસ્તિત્વ ટકાવવાના સંઘર્ષમાં મૂડી ગુમાવવી ન પડે તેની સાવધાની રાખવી. કારણ કે આવનારા એક વર્ષમાં ભલભલા ઉદ્યોગો ફેંકાઈ જવાની આગાહીઓ બજારમાં તરવા લાગી છે. મોટરકારોની કેટલીક વિદેશી કંપનીઓએ ભારતમાં ઉત્પાદન અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એજ રીતે ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનો ઉપાડ પણ પાછલા વર્ષોની તુલનામાં ઘટી ગયો છે.
ગત વર્ષોની તુલામાં મંદીનું પલ્લુ ભારે દેખાય છે. એને કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં પણ એક પ્રકારનો ગુપ્ત ભય અનુભવાતો જોવા મળે છે.નમૂનારૂપે એન્જિનિયરિંગ ઉદ્યોગની વાત કરીએ તો જેને મોટી માછલી કહેવાય એવા ઉદ્યોગો પોતાની પાસેના કામની વહેંચણી અન્ય અનેક નાના ઉદ્યોગોમાં કરતા હતા. હવે પરિસ્થિતિ એ આવી છે કે એ મોટી માછલીઓ પાસે કામ જ એટલું ઓછું આવે છે કે એની પોતાની મશિનરી અને સ્ટાફ એને પહોંચી વળે છે, જેને કારણે નીચેના પોતાની સાથે સંબંધ ધરાવતા અન્ય ઉદ્યોગોની શ્રૂંખલાને તેઓ કામ આપતા નથી. આ સ્થિતિને કાયમી માની લેવાની ભૂલ સોશ્યલ મીડિયા કરે છે. દર વર્ષે મહિનો- બે-મહિના તો આવી પરિસ્થિતિ આવતી જ હોય છે. ધમધોકાર તેજીમાં પણ ગોડાઉનોમાં માલનો ભરાવો થાય છે અને સ્ટોક ક્લીયરન્સ માટે માર્કેટિંગ યોજનાઓ તરતી મુકીને વેચાણ પ્રોત્સાહનના પગલા લેવામાં આવે છે. ભારત દર વખતે ભયાનક મંદીમાંથી બચી જાય છે એનું એકમાત્ર કારણ એ છે કે આપણી જનસંખ્યા બહુ વિરાટ છે.જેમ શેરબજારમાં તેજીના ખેલાડીઓ કરતા મંદીના ખેલાડીઓ વધુ હોશિયાર હોય છે. તે જ રીતે અત્યારે ભારતીય બજારમાં એટલે કે રિયલ માર્કેટમાં મંદીના ખેલાડીઓ સક્રિય થઈ ગયા છે, મંદીની હવાને એ લોકો જ વેગ આપે છે. એ વાત નક્કી છે કે પાછલા વર્ષોમાં એનડીએ સરકારના કેટલાક ખોટા નિર્ણયોને કારણે બજારમાં રૂપિયો ફરતો બંધ થઈ ગયો હતો. નોટબંધી અને જીએસટી તો એવા આઘાત છે કે પ્રાથમિક શાળામાં એનો નિબંધ પુછવામાં આવે તો પણ વિદ્યાર્થીઓ પારાવાર વિગતો સાથે લખી શકે. કારણ કે એ ઘરે ઘરે ગુંજતી થયેલી કરૂણાંતિકા છે.એનડીએ સરકારની નવી ઈનિંગમાં વડાપ્રધાન મોદીને પુનઃસત્તારોહણ કરાવનારી ભારતીય પ્રજાને એમના તરફથી તરતના કોઈક સકારાત્મક પડઘાની અપેક્ષા હતી જે માટે બહુ ઊંડે સુધી ડૂબકી મારીને લોકોએ બજેટના પાનાઓ ફંફોસ્યા પરંતુ એમાં રાયના દાણા જેટલી પણ હૂંફ પ્રાપ્ત નહીં થઈ હોવાનો જે આઘાત પ્રજામાનસમાં અને બજારમાં ફેલાયો તેના પ્રત્યાઘાત સ્વરૂપે પણ મંદીની વાતને અત્યારે પદ્ધતિસરની હવા આપવામાં આવી રહી છે.ઓટોમોબાઈલ્સની લીડરશિપમાં જ હવે કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ અંગે પણ મંદીના ડાકલા વાગવા લાગ્યા છે. હજુ આમાં રેડીમેઈડ ગાર્મેન્ટ, કોસ્મેટિક્સ, વાયદા બજાર, પામોલીન, કપાસ એમ બીજા કેટલાક પણ ઉમેરાશે.