ભગવાન અર્જુનનો ભય દૂર કરવા માટે ક્ષાત્રધર્મ સમજાવતાં ગીતા(૨/૩૮)માં કહે છે કે..
સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ
તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ
સુખ-દુ:ખ,જય-પરાજ્ય,લાભ-હાનિને સમાન સમજીને પછી યુધ્ધ માટે તૈયાર થા,એ પ્રમાણે કરવાથી તને પાપ લાગશે નહી.પાપનું પ્રેરક તત્વ(હેતુ) યુદ્ધ નથી પરંતુ પોતાની કામના છે.ભક્ત સુખ-દુઃખની પ્રાપ્તિમાં સમાન રહે છે એટલે કે અનુકૂળતા-પ્રતિકૂળતા તેમના હ્રદયમાં રાગ-દ્વેષ,હર્ષ-શોક વગેરે પેદા કરી શકતાં નથી.અનુકૂળ-પ્રતિકૂળ ૫રિસ્થિતિ આવતાં પોતાનામાં હર્ષ-શોક વગેરે વિકારો ના આવવા જોઇએ કારણ કે સુખ જેને મોકલ્યું છે તેને જ દુઃખ મોકલ્યું છે.સુખ ૫ણ શિવ અને દુઃખ ૫ણ શિવ (કલ્યાણ) છે. અજ્ઞાની મનુષ્યને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખમાં દ્વેષ થાય છે એટલે કે તેનો શોક કરે છે ૫ણ જ્ઞાની ભક્તનો સુખ-દુઃખમાં સમભાવ હોવાથી કોઇ૫ણ અવસ્થામાં તેના અંતઃકરણમાં હર્ષ-શોક વગેરે વિકારો આવતા નથી.દુઃખ આવે તો ભક્ત વિચારે છે કે મારી મક્કમતા વધારવા આવ્યું છે અને સુખ આવે તો મને ચૈતન્ય અને ઉત્સાહ આપવા માટે આવ્યુ છે.
સકામ અને નિષ્કામ ભાવોથી પોતાના કર્તવ્યકર્મોનું પાલન કરવું આવશ્યક છે.સુખ આવે ત્યારે સારૂં લાગે છે અને જાય ત્યારે ખરાબ લાગે છે તથા દુઃખ આવે ત્યારે ખરાબ લાગે છે અને જાય ત્યારે સારૂં લાગે છે.એમાં કોન સારૂં અને કોન ખરાબ? એટલે સુખ-દુઃખમાં સમબુદ્ધિ રાખી પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઇએ.પાપ-પુણ્યનું ફળ છે સ્વર્ગ-નરકની પ્રાપ્તિરૂપી બંધન.જેનાથી મનુષ્ય પોતાના કલ્યાણથી વંચિત રહી જાય છે અને વારંવાર જન્મતો-મરતો રહે છે.કર્તવ્યકર્મ કરવાથી પાપ-પુણ્ય બાંધતાં નથી.ગીતા વ્યવહારમાં પરમાર્થની અદભૂત કળા બતાવે છે.જેનાથી મનુષ્ય દરેક પરિસ્થિતિમાં રહીને તથા શાસ્ત્ર વિહિત તમામ વ્યવહાર કરતાં કરતાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે.તમે જ્યાં છો,જે મતને માનો છો,જે સિદ્ધાંતને માનો છો,જે ધર્મ-સંપ્રદાય,વર્ણ-આશ્રમને માનો છો તેને જ માનીને ગીતાના ઉપદેશ પ્રમાણે ચાલો તો કલ્યાણ થઇ જશે.એકાંતમાં રહીને વર્ષો સુધી સાધના કરવાથી ઋષિ-મુનિઓને જે તત્વની પ્રાપ્તિ થાય છે એ જ તત્વની પ્રાપ્તિ ગીતાના ઉપદેશ પ્રમાણે વહેવાર કરવાથી થઇ જશે.
પરિસ્થિતિ અને લક્ષણો કદાચ અલગ-અલગ હોય છતાં પણ આપણે મૂળ સિદ્ધાંત માટે કાર્યરત રહેવુ જોઈએ,તે જ મારા મનની મક્કમતાની કસોટી છે,એ માટે જ ભગવાન અહિં કહે છે કે સુખ-દુ:ખ,લાભ-ગેરલાભ,યશ-અપયશની ચિંતા કર્યા વગર સિદ્ધાંત માટે લડવુ જોઈએ કે પરિશ્રમ કરવો જોઈએ.વીરોની ભાષા જ અલગ હોય છે.ન્યાય માટે અર્જુન ભગવાન શંકર સાથે યુ્દ્ધ કરે છે અને ભગવાન તેને “પિનાકપાણિ”ની પદવી આપે છે.આમ યશ-સુખ કે લાભની અપેક્ષા વગર જ અર્જુન પોતાની ફરજ માટે, ક્ષાત્રધર્મ માટે લડ્યો અને તેથી તે ભગવાનનો લાડકો થયો.તે જ રીતે ભગવાન અહિં કહે છે કે સુખ-દુઃખ, યશ-અપયશ કે લાભ-ગેરલાભને એકસરખાં સમજ.આમ સમજીને કાર્ય કરીશ તો તે યશસ્વી થશે. માઁ શું સમીકરણોથી પરિણામની કલ્પના કરીને સ્તનપાન કરાવે છે? પૃથ્વી કોઈપણ ભેદભાવ વગર જ પાણી- અન્ન અને વનસ્પતિથી આપણી પુષ્ટિ કરે છે,પોતાની ચામડી “માટી”થી જ આપણું ઘડતર કરે છે,આપણે તેનાં પર જ જીવન જીવીએ છીએ.આમ પરિણામોની પરવા કર્યા વગર જ ફરજ બજાવવી જોઈએ.
એક દ્રષ્ટિ કેળવવી છે કે જીવનમાં કંઈક મળે છે તેથી જીવવું એ તો મારી અળસિયાવૃત્તિ છે.બીજાના ઉપકારોથી મને તેનો પ્રભાવ લાગશે,બીજાની દયાથી જીવવું તે મને અભાવ લાગશે પણ પોતાના કર્તૃત્વથી જીવવું મને સ્વભાવ લાગશે.આ માટે વિકારોનો વિચાર ન કરતાં જીવનમૂલ્યો માટે ખપી જવું આ જ ખુમારી છે.પોતાની આવડતથી ભગવદ્કાર્ય કરવું તે જ મારા મનને દ્વન્દ્વોથી દૂર રાખશે.લડવું એ ફક્ત શસ્ત્રથી લડવા માટે નહિં પણ ક્ષાત્રવૃત્તિ માટે વપરાતો શબ્દ છે.જીવનમાં પરિણામની ચિંતા કર્યા વગર આપણે ખુમારીપૂર્વક સિદ્ધાંતોને માટે ભગવાનને સાથે રાખીને આપણી ફરજો માટે પ્રયત્નશીલ રહેવું તે જ આપણા જીવનની ધન્યતા છે.
કર્મનું બંધન કેમ થાય છે? આ મહત્વના પ્રશ્નની ચર્ચા કરવાની છે.બંધન ચાર પ્રકારનાં છે.
(૧)કારા બંધન..કોઇને તેની ઇચ્છા વિરૂદ્ધ જેલમાં પુરવામાં આવ્યો હોય તો તે કારાબંધન કહેવાય છે.તે વ્યક્તિ પોતાની ઇચ્છા પ્રમાણે હરીફરી શકતો નથી.મન મારીને તેને રહેવું પડે છે.પિંજરાનું પંખી,કરંડીયામાંનો સાપ,વાડામાં પુરાયેલાં ઢોર વગેરે કારાબંધનમાં પરાયેલાં કહેવાય છે.કેટલાક માણસોનું પણ આવું હોય છે. ઇચ્છાવિરૂદ્ધ તેમને જીવન જીવવું પડતું હોય છે.આ મહાત્રાસભર્યું જીવન હોય છે.
(ર) મોહબંધન..પ્રાણીમાત્રમાં પરમેશ્વરે મોહતત્વ મુક્યું છે તેથી તો જીવન ચાલે છે.મોહ ના હોય તો સંસાર જ ના હોય.બાળકને જન્મ આપીને પશું-પક્ષી જ્યાં સુધી બાળક આત્મનિર્ભર ના થાય ત્યાં સુધી તેમનું જતન કરે છે.આ મોહ મંગલકારી છે.આવું જ નર-નારીમાં પણ બાળક પ્રત્યે,એક-બીજા પ્રત્યે,ઘર-સંપત્તિ વગેરે પ્રત્યે મોહ હોય છે તેથી એકબીજા પ્રત્યે એકરાગ થઇને જીવન ચાલતું રહે છે.જો મોહ ના હોય તો કોઇ કોઇનો ભાવ પણ ના પુછે.તફાવત એટલો છે કે પશુ-પ્રાણીઓનો મોહ બચ્ચાંના પગભર થતાં સુધી જ હોય છે જ્યારે માણસનો મોહ મરણપર્યંત રહે છે તેથી તે દુઃખી થાય છે.આ મોહબંધન કહેવાય.
(૩)પ્રેમબંધન..મોહનું શુદ્ધિકરણ ત્યારે રાગ થાય છે અને રાગનું શુદ્ધિકરણ ત્યારે પ્રેમ થાય છે. શુદ્ધિકરણ એટલે સ્વાર્થથી મુક્તિ.જ્યારે પ્રેમમાં તૂં સુખી થા,મારૂં જે થવું હોય તે થાય.આવું બંધન મંગળ છે કારણ કે પ્રેમ એ જ પરમાત્મા છે.
(૪)કર્મબંધન..આપણે જે જે કર્મો કરીએ છીએ તે બધાં બંધન ઉભું કરે છે.પુણ્યકર્મ સોનાની અને પાપ કર્મ લોઢાની બેડી છે આ બંન્નેથી મુક્ત થવાનું છે.જો વ્યક્તિ સમ્યકજ્ઞાનથી અહંકારથી વિના અનાસક્તિથી કર્મ કરે તો તે કર્મબંધનથી મુક્ત થઇ જાય છે.
ગીતાના શ્ર્લોક(૨/૩૮) સુધી ભગવાને જ્ઞાન વિષયક વાત કરી હવે આ શ્ર્લોક(૨/૩૯)થી નિષ્કામકર્મ વિશે વાત કરતાં ભગવાન કહે છે કે…
એષા તેઽભિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શ્રૃણુ
બુદ્ધયાયુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસિ
હે પાર્થ ! આ સમબુદ્ધિ તારા માટે પહેલાં સાંખ્યયોગમાં કહેવામાં આવી અને હવે તૂં એને કર્મયોગના વિષયમાં સાંભળ.જે સમબુદ્ધિથી યુક્ત થયેલો તૂં કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઇશ એટલે કે કર્મ બંધનથી છુટી જઇશ.
ગીતામાં સાંખ્ય શબ્દ જ્ઞાનના અર્થમાં વપરાયો છે અને યોગ શબ્દ કર્મયોગ માટે વપરાયો છે.કર્મોમાં વિષમબુદ્ધિ(રાગ-દ્વેષ) હોવાથી જ પાપ લાગે છે.સમબુદ્ધિ હોવાથી પાપ લાગતું નથી.આ અધ્યાય એકાધ્યાયી ગીતા કહેવાય છે.પહેલા ભગવાને જ્ઞાન એટલે શું? તે સમજાવ્યું હવે નિષ્કામ કર્મ એટલે શું? તે સમજાવવાના છે.સ્વાભાવિક જ સકામ એટલે આશા-ઈચ્છા કે પરિણામ માટે તો બધા કામ કરે જ છે અને તે કરવાનાં જ પણ નિષ્કામ કર્મ એટલે પ્રામાણિક પ્રયત્ન મારો પણ પરિણામ ઈશ્વરનું આ પહેલેથી જ નક્કી કરેલું હોય તેવું કર્મ.અનુષ્ઠાન-જપ કે હોમાત્મક યજ્ઞ એ સકામ કર્મ છે,જ્યારે કૃતિભક્તિ તે નિષ્કામ કર્મ છે.ભગવાન કહે છે કે બુદ્ધિથી સ્વીકારેલું હોય તેવું કર્મ.કોઈનાં કહેવાથી આપણે કંઈ કામ કરીએ તો તે લાંબા સમય સુધી ટકે નહિ અને લાંબો સમય ટકે તો તે ગતાનુગતિક થઈ જાય છે. આવી રીતનું થાય જેમાં બુદ્ધિપ્રામાણ્યતા નથી તે વાત ચિરસ્થાયી રહેતી નથી તેથી બુદ્ધિપૂર્વક સમજણ કેળવવી જોઈએ,બુદ્ધિમાં સ્થિર થવી જોઈએ.
સામાન્યતઃ આપણે મોટા ભાગનાં કામો બુદ્ધિની એરણ પર ચકાસીને જ કરીએ છીએ પણ જો કોઈ એમ કહે કે નિયમિત મંદીરે જાઓ ! તો તેનાં માટે સંપૂર્ણ જિજ્ઞાસાથી પ્રશ્ન કરવાનાં બદલે નાક ચડાવીને વાત ઉડાડી દઈએ છીએ.કોઈ કહે કે હું તમને કહું છું એટલે એક વાર તો ગીતા વાંચો એટલે આપણે સારૂં લગાડવા વાંચી લઈએ પણ તેમાં ફક્ત યાંત્રિકતા જ હોય છે કારણ કે મારી બુદ્ધિએ તે સ્વીકાર્યુ નથી. આપણા મોટા ભાગનાં વ્યવહારો આવી યાંત્રિકતાથી જ કરવા ખાતર ચાલતા રહેલા છે.જે ભગવાન સતત મારૂં જીવન ચલાવે છે તે ભગવાન માટે મારે કામ કરવું તે મારી કૃતજ્ઞતા છે.ભગવાનને મારી મદદની જરૂર નથી પણ તેમનાં માટે કામ કરવું તે મારી કૃતજ્ઞતા છે.બીજા બધા પાપોનું પ્રાયશ્ચિત છે પણ કૃતઘ્ની હોવાનું કોઈ પ્રાયશ્ચિત છે.આ વાતને ધ્યાનમાં લઈએ તો કર્મયોગ એ એક દિવ્ય રસ્તો છે.
વિનોદભાઇ માછી નિરંકારી ૯૭૨૬૧૬૬૦૭૫(મો)