યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ
તદા ગંતાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ
જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણ(દલદલ)ને સારી રીતે ઓળંગી જશે તે જ વખતે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા આ લોક અને પરલોક સબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્યને પ્રાપ્ત થઇ જઇશ..
શરીરમાં અહંતા અને મમતા કરવી તથા શરીર સબંધી માતા-પિતા,ભાઇ-ભાભી,સ્ત્રી-પૂત્ર,વસ્તુ-પદાર્થ વગેરેમાં મમતા કરવી એ મોહ છે.અનુકૂળતાથી પ્રસન્ન થવું અને પ્રતિકૂળતાથી ઉદ્વિગ્ન થવું,સંસારમાં-પરીવારમાં વિષમતા-પક્ષપાત,માત્સર્ય..વગેરે વિકારો થવા એ બધું જ કલિલ એટલે કે કાદવ છે.પોતે ચેતન હોવાછતાં પણ શરીર વગેરે જડ પદાર્થોમાં અહંતા-મમતા રાખીને તેઓની સાથે પોતાનો સબંધ માની લે છે પરંતુ એ જે જે ચીજોની સાથે સબંધ જોડે છે તે ચીજો તેની સાથે કાયમ રહેતી નથી અને તે પણ તેઓની સાથે કાયમ રહી શકતો નથી પરંતુ મોહના કારણે એની એ તરફ દ્રષ્ટિ જતી નથી પરંતુ એ અનેક પ્રકારના નવા-નવા સબંધો જોડીને સંસારમાં વધારેને વધારે ફસાતો જાય છે.અહીના નાશવાન પદાર્થોનો સંગ્રહ કરવામાં અને એમનાથી સુખ લેવામાં તથા વ્યક્તિ પરીવાર વગેરેમાં મમતા રાખીને એમનાથી સુખ લેવામાં લાગી જાય છે એ જ તેની બુદ્ધિનું મોહરૂપી કાદવમાં ફસાવવું કહેવાય છે.
મોહ જંગલ છે.જંગલમાં ફસાયેલો માણસ બહાર નીકળવા ઘણાં ફાંફા મારે છે પણ નીકળી શકતો નથી કારણ કે ગાઢ જંગલમાં દિશાનું જ્ઞાન-ભાન રહેતું નથી.સંસારમાં સૌથી મોટી સંખ્યા સકામકર્મીઓની છે. “આ કરવાથી આ ફળ મળશે” અથવા “આ ન કરવાથી તમને આ દુઃખ મળ્યું છે.” એવી વાતો સાંભળીને આવા લોકો બાધા-બંધણી,હોમ-હવન,અનુષ્ઠાન વગેરે કરવામાં રચ્યા-પચ્યા રહેતા હોય છે પણ જ્યારે તેમને સાચું જ્ઞાન થાય છે ત્યારે તે આ બધાં કર્મકાંડ,અંધશ્રદ્ધાવાળા જંગલમાંથી બહાર નીકળી જાય છે અને તે બધાથી નિર્વેદભાવ પ્રાપ્ત કરે છે.
પહેલા બુદ્ધિયુક્ત થવાનું કહ્યું પછી યોગી થવાનું કહ્યું,ત્યારબાદ સમદ્રષ્ટિ રાખવાનું કહ્યું અને હવે કહે છે કે જ્યારે બુદ્ધિથી કૃતિ સ્વીકારશે ત્યારે બધા જ મોહ નાશ થશે અને વિશિષ્ટ દ્રષ્ટિ મેળવીશ.મૂળ તો બુદ્ધિથી કૃતિ કરવાની વાત કરે છે.કર્મયોગ એટલે બુદ્ધિથી જોડાય જઈને કૃતિ કરવી.એક વખત બુદ્ધિ સ્થિર થઈ તો સમજવું કે મન પણ સ્થિર થાય કારણ કે બુદ્ધિના હાથમાં મનની લગામ છે તેથી બુદ્ધિ સક્ષમ,સતેજ અને સકારાત્મક બનાવ તેમ ભગવાનની આડકતરી શિખામણ છે.
રામાયણમાં રાવણ સાથેનું યુદ્ધ પુરૂં થયા પછી રામ-લક્ષ્મણ-સીતા બેઠાં હોય છે,તે સમયે રામ પુછે છે કે અગ્નિકુંડ સમાન સ્ત્રી હોય અને ઘીનાં કુંભ જેવો પુરૂષ હોય,આવી સ્થિતિમાં સુંદરી નજીક હોય ત્યારે કોનું મન ચલિત થતું નથી? ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે કે..ઉન્મત થયેલા હાથીની જેમ મન બધે જ દોડે છે પણ જ્ઞાનરૂપી અંકુશવાળી જેની બુદ્ધિ છે તેનું મન ચલિત થતું નથી.આમ જો બુદ્ધિ મોહને માત આપશે તો કોઈપણ પ્રલોભનો મનને ડગાવી શકશે નહિ.ભોગવેલા કે વિચારેલા બધા જ પ્રકારનાં ભોગોથી બચી શકાય છે,તે માટે બુદ્ધિમાં બદલ લાવવી પડશે,બુદ્ધિમાં તેજ ઉભું કરવું પડશે,બુદ્ધિ કસવી પડશે અને તે માત્ર સદ્વિચારો અને સદ્વૃત્તિથી તથા સદાચારથી જ થશે તેથી ગીતાનો દરેક શબ્દ પ્રસાદ છે તેનો અર્થ જીવનમાં બુદ્ધિથી કાર્યાન્વિત કરવો જોઈએ.
મોહરૂપી કાદવથી તરવાના બે ઉપાય છેઃવિવેક અને સેવા. વિવેક તીવ્ર હોય તો તે અસત્ વિષયોથી અરૂચી કરાવી દે છે.મનમાં બીજાઓની સેવા કરવાની,બીજાઓને સુખ પહોંચાડવાની ઘૂન લાગી જાય તો પોતાના સુખ-આરામનો ત્યાગ કરવાની શક્તિ આવી જાય છે.ભગવાન કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે ત્યારે આલોકના અને પરલોકના ભોગો અને વિષયોથી તને વૈરાગ્ય આવી જશે. સંસારમાં જે પરોક્ષ અને પ્રત્યક્ષ વિષયોનું આકર્ષણ થાય છે તે સાંભળવાથી જ થાય છે.આવી સ્થિતિ ક્યારે પ્રાપ્ત થશે તે બતાવતાં ભગવાન ગીતા(૨/૫૩)માં કહે છે કે..
શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ..
જ્યારે શાસ્ત્રીય મતભેદોથી વિચલિત થયેલી,વેદોની અલંકાર યુક્ત ભાષથી તારી બુદ્ધિ નિશ્ચળ થઇ જશે અને પરમાત્મામાં અચળ થઇ જશે ત્યારે તૂં દિવ્ય ચેતનારૂપ યોગને પ્રાપ્ત થઇ જશે.
લૌકિક મોહરૂપી કાદવને પાર કરી ગયા છતાં પણ વિવિધ પ્રકારના શાસ્ત્રીય મતભેદોને લીધે જે મોહ થાય છે તેને તરી જવા માટે ભગવાન આ શ્ર્લોકમાં પ્રેરણા આપે છે.અર્જુનના મનમાં આ શ્રુતિવિપ્રતિપન્ના (સાંભળવાથી વિપરીત થયેલ જ્ઞાન) છે કે પોતાના ગુરૂજનોનો તથા પોતાના કુટુંબનો નાશ કરવો એ પણ ઉચિત નથી અને પોતાના ક્ષાત્રધર્મનો ત્યાગ કરવો પણ ઉચિત નથી.આ બંન્ને બાબતોમાં અર્જુનની શ્રુતિવિપ્રતિપન્ના છે.જેનાથી તેની બુદ્ધિ વિચલિત થઇ રહી છે.આથી ભગવાન શાસ્ત્રીય મતભેદોમાં બુદ્ધિને નિશ્ચલ અને પરમાત્માપ્રાપ્તિના વિષયમાં બુદ્ધિને અચલ કરવાની પ્રેરણા આપે છે.
વેદોની ભાષા લક્ષણાની ભાષા છે,રૂપકમાં લખાયેલી ભાષા છે.આ વાત જ્યારે બુદ્ધિથી સમજાશે ત્યારે તું પરમાત્મામાં જોડાય જઈશ.કર્મયોગ એ ખુબ મોટો વિષય છે.વેદોનો મુખ્ય વિષય ઉપાસના છે.અસંખ્ય સૂક્ત અને હજારો ઋચાઓ વેદમાં છે.વેદ એટલે વિચાર.વિચારપદ્ધતિ જેટલી ઉન્નત તેટલી જીવનપદ્ધતિ વિકસીત બને છે.ઉત્કૃષ્ટ કૃતિ કરવાં માટે ઉત્કૃષ્ટ વિચાર બુદ્ધિમાં સ્થિર કરવો પડે છે.વેદોમાં રહેલા તત્વજ્ઞાન એટલે કે ઉપનિષદનાં અભ્યાસથી બુદ્ધિ તીવ્ર થશે.ઉપનિષદ્ સમજવા માટે પહેલા વ્યાકરણ સમજવું પડશે અને આ વ્યાકરણનો એક ભાગ તે અલંકાર છે.રૂપક કે ઉપમા અલંકાર..આ તેનો એક પ્રકાર છે તેથી જીવન જો અલંકૃત કરવું હશે તો શરીરને રૂપાળું રાખવાથી જીવન સુંદર કહેવાતું નથી,વિચારો શાસ્ત્રીય અને જીવનપદ્ધતિ અનુસરણીય હશે તો જ જીવન સુંદર કહેવાય છે.
વિચારોનો અંતિમ પડાવ એટલે તત્ ત્વમ અસિ ની અનુભૂતિ.આ જગત જે શક્તિથી ચાલે છે તે શક્તિ જ હું છું..આ સમજણ એટલે જ પૂર્ણતા.ભગવાન સર્વવ્યાપક છે તેમ મારૂં અસ્તિત્વ પણ સર્વવ્યાપક થવું જોઈએ.ઘર-સોસાયટી કે ઓફિસમાં દરેક જગ્યાએ મારૂં વર્તન હટકે હોવું જોઈએ.બટકું રોટલો જોઈને પૂંછડી પટપટાવું તો એ હજી મારી પશુતા જ છે.પ્રલોભનો-વસ્તુજન્ય ખુશામત અને બહુમાન આ જો મને મોહિત કરતા હશે,મને સહેજપણ પણ આકર્ષિત કરતાં હશે તો હજી હું પ્રાણીથી જરાપણ આગળ વધીને વિકસીત થયો નથી..આ મારે સમજવું જોઈએ.આજે થયેલી મારી પ્રસંશા મને અહંકાર આપતી હશે તો હજી વિચારો મને પચ્યા નથી એમ સમજવું જોઈએ.મને મળેલી શક્તિ-વૈભવ કે સંપત્તિ તે મારી નથી પણ હું ફક્ત તેનો સંચાલક છું,માલિક નથી આ વાત મનમાં અને બુદ્ધિમાં સ્થિર થવી જોઈએ.મારે જીવનમાં દિવ્યતા લાવવાની છે તેથી મારે મારી બુદ્ધિ ભગવાન સાથે જોડવાની છે તો જ જીવન મારૂં યોગ બની રહેશે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)