ભજ ગોવિંદમ્ (ચર્પટપંજરીકા) સ્ત્રોતની રચના જગતગુરૂ શંકરાચાર્યજીએ કરી છે.મૂળરૂપમાં આ બાર પદોમાં સરળ સંસ્કૃત ભાષામાં લખેલ એક સુંદર સ્ત્રોત છે જેને દ્વાદશ મંજરીકા પણ કહેવામાં આવે છે.ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે અને ભગવાનનું નામ શાશ્વત છે.તેમને મનુષ્યને પુસ્તકીયા જ્ઞાનમાં સમય ના ગુમાવતાં અને ભૌતિક વસ્તુઓની લાલસા-તૃષ્ણા અને મોહ છોડીને ભગવાનનું ભજન કરવાની શિક્ષા આપી છે એટલે ભજ ગોવિંદમ્ સ્ત્રોતને મોહ-મુગદર એટલે કે મોહનાશક કહેવામાં આવે છે જેનો અર્થ છે-તે શક્તિ કે જે આપને સાંસારીક બંધનોથી મુક્ત કરે છે.શંકરાચાર્યજીનું કહેવું છે કે અંતકાળમાં મનુષ્યની તમામ પ્રાપ્ત કરેલ વિદ્યાઓ અને કલાઓ કોઇ કામમાં આવતી નથી,ફક્ત હરિનામ જ કામમાં જ આવે છે.ભજ ગોવિંદમ્ સ્ત્રોત શ્રી શંકરાચાર્યજીની ખૂબસૂરત રચના છે.
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ સ્ત્રોત છે.એકવાર ગંગા નદીને કિનારે બનારસમાં શંકરાચાર્ય તેમના ચૌદ શિષ્યો સાથે જઈ રહ્યા હતાં ત્યાં એક વ્યક્તિ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો જપ કરી રહ્યો હતો.આચાર્યશ્રી તેમને સમજાવ્યું કે હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તું એક નિરાકાર પ્રભુ પરમાત્મા બ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ અને તરત જ તેમના મુખેથી આ ભજગોવિંદમ્ સ્ત્રોત નીકળ્યું.જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવા ના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજ સુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા.
દિવસ અને રાત્રિ,સાંજ અને સવાર,શિશિર અને વસંત ફરી ફરીને આવે છે અને જાય છે.કાળની આ ક્રીડા સાથે આયુષ્ય પણ ક્ષીણ થતું જાય છે તો પણ આશારૂપી વાયુ મનુષ્યને છોડતો નથી એટલે કે કામનાઓ પૂર્ણ થતી નથી.સમયનું પસાર થવું અને ઋતુઓનું બદલાવું સંસારનો નિયમ છે.કોઇપણ વ્યક્તિ અમર હોતો નથી.મૃત્યુની સામે ભલભલાને ઝુકવું પડે છે પરંતુ અમે મોહમાયાના બંધનોથી પોતાને મુક્ત કરી શકતા નથી.હે ભટકેલ મૂરખ પ્રાણી ! હંમેશાં પરમાત્માનું ધ્યાન કરો,ગોવિંદને ભજો કેમકે જ્યારે તારો અંતકાળ આવશે ત્યારે આ સાંસારીક જ્ઞાન તારા કામમાં આવશે નહી તથા વ્યાકરણના નિયમો તને બચાવી શકશે નહી.
રાત્રે આગળ અગ્નિ છે અને દિવસે પાછળ સૂર્ય છે તથા રાત્રે ટૂંટિયું વાળે છે,હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરે છે,વૃક્ષ હેઠળ વાસ છે તેમછતાં પણ આશાપાશ તેને છોડતો નથી.સમય નિરંતર ચાલતો રહે છે તેને કોઇ રોકી શકતો નથી,ફક્ત પોતાના શરીરને કષ્ટ આપવાથી કે જંગલમાં એકલા કઠિન તપસ્યા કરવાથી અમોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.માનવી જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો છે,કમાવાની શક્તિ છે ત્યાં સુધી તેનો પરિવાર તેને વળગેલો,આસક્ત રહે છે પછીથી જ્યારે તેનો દેહ જીર્ણ થાય છે ત્યારે ઘરમાં કોઈ તેનો ભાવ પૂછતું નથી એટલે કે જે પરીવારના માટે તમે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું,જેના માટે તમે નિરંતર મહેનત કરો છો તે પરીવાર તમારી સાથે ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તમે તેમની જરૂરીયાતો પુરી કરો છો.
કોઈ સાધુ જટાધારી,કોઈ માથું મુંડાવેલો,કોઈ ચૂંટીને માથાના વાળ જેણે કાઢી નાખ્યા છે તેવો તો વળી કોઈ ભગવાં વસ્ત્રધારી-પેટને ખાતર દરેકે અવનવા વેશ ધારણ કરેલ છે,એ મૂઢ સત્યને જોતો હોવા છતાં પણ જોતો નથી.જેને પોતાનો સમય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં લગાવ્યો છે,જે નિરંતર પરમાત્માનું સુમિરણ કરે છે તથા ભક્તિના મીઠા રસમાં લીન રહે છે,જેણે શ્રીમદ ભગવદ્ગીતાનો સહેજ પણ અભ્યાસ કર્યો છે,જેણે ગંગાજળનું એક ટીપું પણ પીધું છે,જેણે ભગવાનની અર્ચના એકવાર પણ કરી છે તેને સંસારના તમામ દુઃખ-દર્દ તથા કષ્ટોથી મુક્તિ મળે છે,તેનું યમરાજા ક્યારેય નામ લેતા નથી.જેનું શરીર ગળી ગયેલું છે,માથે પળિયાં આવી ગયાં છે અને મોઢું બોખું થઈ ગયું છે તેવો વૃદ્ધ લાકડી લઈને હરેફરે છે તો પણ આશાઓના સમૂહને તે છોડતો નથી.બાળક હોય ત્યાં સુધી મનુષ્ય રમતમાં વ્યસ્ત રહે છે, નવયુવાન પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં સમય વિતાવી રહ્યા છે અને વૃદ્ધ થાય ત્યારે ચિંતામગ્ન રહે છે પરંતુ પરબ્રહ્મ-પરમાત્મામાં કોઈપણ આસક્ત થતું નથી.
ફરીથી જન્મ,ફરીથી મરણ અને ફરીથી પાછું માતાના ઉદરમાં શયન આ અત્યંત દુસ્તર-અપાર સંસારમાં હે મુરારી..કૃપા કરી આપ મારૂં રક્ષણ કરો,મને આપની શરણમાં લઇ લો,હું આ જન્મ અને મૃત્યુના ચક્કરથી મુક્તિ મેળવવા ઇચ્છું છું,મને આ સંસારરૂપી વિશાળ સમુદ્રને પાર કરવાની શક્તિ આપો.અમે હંમેશાં મોહ-માયાના બંધનોમાં ફંસાયેલા રહીએ છીએ અને તેના કારણે અમોને સુખની પ્રાપ્તિ થતી નથી. અમે હંમેશાં વધુને વધુ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા રહીએ છીએ.સુખી જીવન વ્યતિત કરવા માટે અમારે જે કંઇ ભાગ્યાનુસાર મળે તેમાં સંતોષથી જીવવાનું છે.અમોને જે કંઇ પ્રાપ્ત થાય છે તેને હર્ષોલ્લાસથી સ્વીકાર કરવાનો છે કારણ કે અમે જેવા કર્મો કરીએ છીએ તેવા જ ફળની પ્રાપ્તિ થાય છે.
જો અમારૂં શરીર કે મગજ સ્વસ્થ નથી તો અમો શારીરિક સુખ ભોગવી શકતા નથી,યુવાની જતી રહેતાં કામવિકાર કેવો? જળ સુકાઈ જાય પછી જળાશય કેવું? ધન ઓછું થતાં પરિવાર કેવો? ધન જતાં સમગ્ર પરીવાર વિખરાઇ જાય છે,તેવી જ રીતે પરમાત્મા તત્વનું જ્ઞાન થયા પછી સંસાર કેવો? એટલે કે પરમાત્મા-તત્વનું જ્ઞાન થયા પછી આ વિચિત્ર સંસારના બંધનોથી મુક્તિ મળી જાય છે.અમે સ્ત્રીની સુંદરતાથી મોહિત થઇને તેને મેળવવા નિરંતર પ્રયત્ન કરીએ છીએ પરંતુ મનને સમજાવવાનું છે કે નારીના મદભર વક્ષઃસ્થળ તથા નાભિપ્રદેશ જોઈને મોહના આવેશમાં ન આવી જા.આ સુંદર શરીર ફક્ત માંસ,ચરબી વગેરેનો વિકાર માત્ર છે,ફક્ત હાડકા-માંસના ટુકડા જ છે,એમ મનમાં વારંવાર વિચાર કર.
તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? મારી માતા કોણ? મારા પિતા કોણ? સમસ્ત અસાર, કલ્પનાજન્ય જગતને છોડીને આ પ્રમાણે વિચાર કર.અમારૂં આ સંસારમાં શું છે? આ બધી વાતો વિશે ચિંતા કરીને અમારે અમારો સમય વ્યર્થ ના ગુમાવવો જોઇએ,આ સંસાર એક સ્વપ્નની જેમ જૂઠો અને ક્ષણભંગુર છે.ગીતા અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો જોઈએ,લક્ષ્મીપતિ પરમ પરમેશ્વરનું હંમેશાં ધ્યાન કરવું જોઈએ,હંમેશાં સંતોના સંગમાં રહેવું જોઇએ તથા ગરીબો અને નિરાધાર વ્યક્તિઓની ધન આપીને સહાયતા કરવી જોઇએ.જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી જ ઘરમાં સૌ કુશળતા પૂછે છે,જ્યારે શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે પત્ની પણ તે મૃત શરીરથી ડરે છે.તમારા મૃત્યુની એક ક્ષણ પછી જ તેઓ તમારો અંતિમ સંસ્કાર કરી દેશે.
મનુષ્ય સુખેથી સ્ત્રીસંગ કરે છે,પછીથી શરીરમાં રોગ થાય છે.જો કે જગતમાં મરણ એજ જીવનનો અંત છે છતાં પણ તે પાપાચારને છોડતો નથી.જે શરીરનો અમે ઘણો જ ખ્યાલ રાખીએ છીએ અને તેના દ્વારા અલગ-અલગ ભૌતિક અને શારીરીક સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તે શરીર એક દિવસ નષ્ટ થઇ જાય છે.મૃત્યુ થતાં જ સજાવેલ શરીર માટીમાં ભળી જાય છે તો પછી શા માટે અમે ખોટી ટેવોમાં ફંસાઇએ છીએ.જેણે શેરીમાં પડેલા ચીંથરાની બનાવેલી ગોદડી પહેરી છે,પુણ્ય અને પાપની પરવા વગર જે જીવે છે,યોગમાં જેનું ચિત્ત સંપૂર્ણપણે જોડાયેલું છે તે બાળક અથવા કોઈ પાગલની જેમ ક્રીડા કરે છે.જે યોગી સાંસારીક બંધનોથી મુક્ત થઇ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવામાં સક્ષમ બની જાય છે તેને કોઇ વાતનો ડર રહેતો નથી અને તે નીડર બની,એક ચંચળ બાળકની જેમ પોતાનું જીવન વ્યતીત કરે છે.કોઈ ગંગાસાગરની યાત્રા કરે છે,કોઈ વ્રતોનું પાલન તો કોઈ વળી દાન કરે છે પરંતુ આત્મજ્ઞાન વગર સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો સર્વ આચાર્યોનો મત છે.અમોને મુક્તિની પ્રાપ્તિ ફક્ત આત્મજ્ઞાનના દ્વારા જ પ્રાપ્ત થાય છે.લાંબી યાત્રા ઉપર જવાથી કે કઠિન વ્રતો રાખવાથી અમોને જ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
અમારૂં જીવન ક્ષણભંગુર છે.પાણીના એ બૂંદના જેવું છે જે કમળની પાંખડીઓ ઉપરથી નીચે પડીને સમુદ્રના વિશાળ જળ-સ્ત્રોતમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે.અમારી ચારે તરફના પ્રાણીઓ અનેક પ્રકારની હતાશા અને કષ્ટથી પિડીત છે,આવા જીવનમાં કેવી સુંદરતા? કમળના પાન ઉપરનું જળબિંદુ જેમ અત્યંત ચંચળ હોય છે તેમ જીવન પણ અતિશય અસ્થિર છે.રોગ અને અભિમાનથી ઘેરાયેલ આ સમસ્ત સંસાર શોકગ્રસ્ત છે તે જાણો.તારો સાચો સાથી કોન છે? કોન તારી પત્ની અને કોન તારો પુત્ર છે? આ ક્ષણભંગુર તથા વિચિત્ર સંસારમાં અમારૂં પોતાનું અસ્તિત્વ શું છે? તું કોનો છે? ક્યાંથી આવ્યો છે? હે ભાઈ ! તે તત્વનો અહીં આ જન્મમાં વિચાર કર.સત્સંગથી નિઃસંગતા,નિઃસંગતાથી નિર્મોહતા,નિર્મોહતાથી નિશ્ચળ સત્ય અને નિશ્ચળ સત્યના જ્ઞાનથી જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે.સંત-મહાત્માઓ સાથે ઉઠવા-બેસવાથી અમે સાંસારીક વસ્તુઓ તથા બંધનોથી દૂર થતા જઇએ છીએ અને અમોને સુખની પ્રાપ્તિ થાય છે,અમે તમામ બંધનોથી મુક્ત થઇ તે પરમજ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ.
ધન-સ્વજન કે યુવાનીનો ગર્વ ન કર કારણ કે કાળ ક્ષણમાં એ બધાંને હરી લે છે.આ સઘળું માયામય છે એમ જાણ અને બ્રહ્મને જાણીને બ્રહ્મપદ(બ્રાહ્મીસ્થિતિ) પ્રાપ્ત કર. હે વ્યાકુળ મનુષ્ય ! તારી પત્ની-ધન વગેરે માટે ચિંતા શા માટે કરે છે? શું તારો કોઈ નિયંતા નથી? ત્રણે લોકમાં સત્સંગ જ ભવસાગર તરવા માટેની એકમાત્ર નૌકા છે.સાંસારીક મોહમાયા-ધન અને સ્ત્રીના બંધનમાં ફંસાઇને ખોટી ચિંતા કરીને અમોને કંઇજ પ્રાપ્ત થવાનું નથી.શા માટે અમે પોતાને આ ચિંતાઓમાં ઘેરાયેલા રાખીએ છીએ? શા માટે અમે સંત-મહાત્માઓ સાથે જોડાઇને તેમના ઉપદેશોનું પાલન કરીને અમે સાંસારીક બંધનો તથા ખોટી ચિંતાઓથી મુક્ત થતા નથી? મંદિરમાં કોઈ વૃક્ષ નીચે નિવાસ,ખુલ્લી જમીન ઉપર પથારી,મૃગચર્મનું વસ્ત્ર અને આ રીતે સર્વ સંગ્રહ અને ભોગનો ત્યાગ,આવો વૈરાગ્ય કોને સુખ આપતો નથી? જે માનવ સંસારના ભૌતિક સુખ-સુવિધાઓથી ઉપર ઉઠીને જીવનનું લક્ષ્ય શારીરીક સુખ તથા ધન અને સમાજમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ જ નથી તે પ્રાણી પોતાનું સંપૂર્ણ જીવન સુખ અને શાંતિથી વ્યતિત કરે છે.
જ્ઞાની પુરૂષ યોગમાં રત હોય અથવા ભોગમાં રાચતો હોય,પોતાની સાંસારીક જવાબદારીઓ નિભાવતો હોય,કોઈના સંગને માણતો હોય કે પછી એકાંતમાં હોય,જેનું ચિત્ત પરબ્રહ્મ પરાત્મામાં જોડાયેલું છે ખરેખર તેજ આનંદ માણે છે,હંમેશાં સુખને પ્રાપ્ત કરે છે.તારામાં-મારામાં અને બીજે બધે પણ એક જ ઈશ્વર છે.અસહિષ્ણુ એવો તું નકામો મારી સાથે ગુસ્સે થાય છે.જો તું તુરંત વિષ્ણુત્વ ઈચ્છતો હોય તો સર્વ સંજોગોમાં સમતાવાળો થા.સંસારના કણકણમાં પરમાત્માનો વાસ છે.કોઇપણ પ્રાણી ઇશ્વરની કૃપા વિનાનો નથી.શત્રુ,મિત્ર,પુત્ર કે બંધુમાં ઝઘડો કે મૈત્રી કરાવવા માટે પ્રયત્ન ન કર.સર્વમાં આત્માનું દર્શન કર.સર્વત્ર ભેદદર્શનરૂપી અજ્ઞાનનો ત્યાગ કર.અમારે કોઇની પણ સાથે અત્યધિક પ્રેમ ન કરવો જોઇએ કે ના તો ઘૃણા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં ઇશ્વરનો વાસ છે,અમારે બધામાં એક જ ઇશ્વરના દર્શન કરવાના છે,તેમનો આદર-સત્કાર કરવાનો છે,આમ કરવાથી જ અમે પરમાત્માનો આદર કરી શકીશું.
કામ,ક્રોધ,લોભ,મોહ ત્યાગીને સાધક આત્માને ‘હું તે છું’ એમ જુએ છે.જેમને આ પ્રમાણે આત્મજ્ઞાન થયું નથી તે મૂઢ લોકો નરકમાં ડૂબીને ત્રાસ સહન કરે છે.અમારા જીવનનું લક્ષ્ય ક્યારેય સાંસારીક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ ના હોવું જોઇએ.અમારે તેને પ્રાપ્ત કરવાના વિચારોનો ત્યાગ કરી પરમજ્ઞાનની પ્રાપ્તિને પોતાનું લક્ષ્ય બનાવવું જોઇએ તો જ અમે સંસારના કષ્ટ અને પીડાઓથી મુક્તિ પામી શકીશું.ધન અનર્થકારી છે એમ હંમેશા વિચાર કર.ખરૂં જોતાં તેમાંથી જરા પણ સુખ મળતું નથી.સમગ્ર સંસારના તમામ અતિ-ધનવાન લોકોને પોતાના પુત્ર-પરીવારથી પણ ભય રહે છે આ રીત સર્વત્ર જાણીતી છે.સંસારના તમામ ભૌતિક સુખ અમારા દુઃખોનું કારણ છે.જેટલું વધારે અમે ધન અને અન્ય ભૌતિક સુખના સાધનો ભેગા કરીએ છીએ તેટલું તેના ગુમાવવાનો ડર સતાવે છે.
પ્રાણાયામ,પ્રત્યાહાર,નિત્ય અને અનિત્ય વસ્તુ વિશે વિવેકરૂપી વિચાર,જપ અને સમાધિ આ બધું ખુબ જ કાળજીપૂર્વક કર.અમારે હંમેશાં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સંસાર નશ્વર છે.અમારે અમારા શ્વાસ, ભોજન અને ચાલચલગત સંતુલિત રાખવી જોઇએ.અમારે સચેત થઇને ઇશ્વર ઉપર પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેવું જોઇએ.અમારે ગુરૂદેવનાં ચરણારવિંદની શરણાગતિ લઇ સંસારમાંથી તત્ક્ષણ મુક્તિ મેળવવાની છે.આ રીતે ઈન્દ્રિયો અને મનના સંયમ દ્વારા તું પોતાના હૃદયમાં બિરાજતા આત્મદેવનાં દર્શન કરીશ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)