રૂ. ૨૦ હજારના બદલામાં રૂ. ૪૩ હજાર ચૂકવ્યા છતાં વધુ રૂ. ૩૦ હજારની માંગણી, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૩
Jamnagarમાં રહેતા આશિષ મનસુખભાઈ હરિયાણી (ઉં. ૨૭), રહે. જળેશ્વર સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરે શહેરના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અંદાજે એક મહિના પહેલાં તેણે મિત્ર ચિરાગ અશોકભાઈ ગંઢા પાસેથી રૂ. ૨૦ હજાર વ્યાજે લીધા હતા. ફરિયાદ મુજબ, તેણે અત્યાર સુધીમાં રૂ. ૪૩ હજાર જેટલી રકમ ચૂકવી હોવા છતાં ચિરાગ ગંઢા વધુ રૂ. ૩૦ હજારની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણ દિવસ પહેલાં સાઈબાબા મંદિર પાસે ચિરાગ ગંઢાએ રૂપિયા માંગતાં આશિષ પાસે પૈસા ન હોવાથી તેની સાથે ગાળાગાળી કરી થપ્પડ મારી હતી અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીએ આશિષના માતા-પિતાને પણ ફોન કરીને વચ્ચે નહીં પડવાની અને આશિષને નહીં છોડવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સતત દબાણ અને ધમકીઓથી ભયભીત બનેલા આશિષે શનિવારે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તબિયત બગડતા પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે આશિષ હરિયાણીની ફરિયાદના આધારે પોલીસે ચિરાગ અશોકભાઈ ગંઢા સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી, મારપીટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

