ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનાં સમયમાં વારંવાર યુદ્ધમાં સમાધાન થયું, અને વળી પાછું કોઈ દેશે એવું માનવાનો ઈનકાર કર્યો અને છમકલું કર્યું! બસ આવાં સમાચારો નાં માહોલમાં પણ આપણે લહેર કરી રહ્યા છીએ! કારણકે સરહદે સૈનિકો રાતદિવસ પહેરો ભરી રહ્યાં છે, અને પોતાના રાષ્ટ્ર માટે જાન ન્યોછાવર કરવા તૈયાર છે! પણ આપણામાં દેશપ્રેમ છે એવું દેખાડવા! અહીં જ એ નેતાની ભૂલ થઈ, એમણે આવું નિવેદન કરવાની જરૂર નહોતી! અથવા તો અમેરિકા ઈ જ લાગનું હતું! બધી વાતમાં એને પોતાની હોંશિયારી સાબિત કરવી છે! આમ પોતાની પહોંચ બહારના ક્ષેત્રની વાત કરવામાં સમય બરબાદ કરીએ છીએ! ખરેખર યુદ્ધ તો કેટલું ભીષણ અને લોહીયાળ જંગ છે, એ તો ખુવાર થનારા સૈનિકો જ જાણે, જે પોતાનાં રાષ્ટ્રનાં સરફિરા વડાં નેતાઓની જાગીર હોય એમ એની સાથે રમે છે. આટ આટલાં યુદ્ધો થયાં! એમાં રાષ્ટ્રના વડા માર્યા ગયા એવી ઘટના બહુ ભાગ્યે જ ઘટે છે, કારણ કે એને પ્રેકટિકલ કરવાનું નથી હોતું! પહેલાંના કાળમાં યુદ્ધમાં પણ રણનિતી નું આચરણ થતું! કે સાંજ થાય એટલે વિરામ ! અને જે તે સેનાનાં સૈનિકો શહીદ થયા હોય એ પોતાની છાવણીમાં હોય, તો એને સન્માન સહિત એનાં રાજાને સોંપી દેવામાં આવતા! ખોરાકનો પૂરવઠો ખત્મ થયો હોય તો રાષ્ટ્ર પ્રેમી તરફથી સૈનિકો માટે મોકલવામાં આવતું! કોઈ રાજા પાછળથી વાર કરતાં નહીં! પરંતુ મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં થયેલા યુદ્ધમાં ઘણાં ષડયંત્ર રચાયાં હતાં, અને એમાં કેટલાંય પ્રખર યોદ્ધા મરાયાં હતાં. આજે સોમવાર અને એટલે ચરિત્રની ઓળખ! આપણે કુરુ વંશનાં મહત્વનાં પાત્ર દુર્યોધન વિશે ચિંતન કરીશું.
દુર્યોધન હિન્દુ મહાકાવ્ય મહાભારતનો મુખ્ય પ્રતિનાયક છે. તે હસ્તિનાપુરનાં અંધ રાજા ધૃતરાષ્ટ્ર અને રાણી ગાંધારીનો સૌથી મોટો પુત્ર હતો. તે મહાન યોદ્ધા હોવાથી ‘સુયોધન’ તરીકે પણ ઓળખાતો હતો. તેના નામનો અર્થ ‘જેની સાથે યુદ્ધ કરવું એ બહુ મુશ્કેલ છે, તેવો થાય છે.
દુર્યોધનનો જન્મ પાંડવોના સૌથી મોટા ભાઈ ભીમની સાથે જ થયો હતો. માન્યતા અનુસાર, દુર્યોધનના શરીરનો ઉપરનો ભાગ વજ્ર જેવો મજબૂત હતો, અને નીચેનો ભાગ માતા પાર્વતી દ્વારા બનાવવામાં આવ્યો હતો.
દુર્યોધન સાચે જ એક અદ્ભુત ગદાધારી અને બહાદુર યોદ્ધા હતો. તે પોતાના મિત્રો પ્રત્યે અત્યંત વફાદાર હતો. જોકે, તેની સૌથી મોટી નબળાઈ પાંડવો પ્રત્યેની ઈર્ષ્યા, અહંકાર અને સત્તા પ્રત્યેનો આંધળો પ્રેમ હતો. એટલે જ એણે પાંડવોને જીવતા બાળી મારવા લાક્ષાગૃહ કાવતરું કર્યું, પરંતુ પાંડવો સમયસર ત્યાંથી બચી નીકળ્યા હતા. શકુનિની મદદથી દ્યુતની રમતમાં યુધિષ્ઠિરને હરાવીને દ્રૌપદીનું અપમાન કર્યું, જે મહાભારત યુદ્ધનું મુખ્ય કારણ બન્યું. 18 દિવસ સુધી ચાલેલા કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધન કૌરવ સેનાનો મુખ્ય નેતા અને સેનાપતિ હતો. તેણે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાઓના નેતૃત્વમાં સેનાનું સંચાલન કર્યું. મુખ્યત્વે તો દુર્યોધન નું ચરિત્ર વિલન નું છે, એટલે કે પાંડવોને ખત્મ કરવા માટે ખૂબ બધી યોજનાઓ કરી! પણ શકુનિ એને રાજગાદી પર બેસેલ જોવા માંગતા હતા! એટલે આ ષડયંત્ર પાછળ શકુનિ કારણભૂત છે.
મહાભારતમાં દુર્યોધનને ભલે એક ક્રૂર અને અધર્મી રાજા તરીકે દર્શાવવામાં આવ્યો હોય, પરંતુ એક પતિ અને પિતા તરીકે તેનું પાત્ર ઘણું પ્રેમાળ, વફાદાર અને જવાબદાર હતું. પોતાના પરિવાર પ્રત્યે તેનામાં કોઈ કપટ કે ક્રૂરતા નહોતી. દુર્યોધનની પત્નીનું નામ ભાનુમતી હતું ,તે કાંબજોના રાજા ચંદ્રવર્માની પુત્રી હતી, એનાં સ્વયંવરમાં દુર્યોધને તેનું અપહરણ કર્યું, પરંતુ એણે ભાનુમતી ને વચન આપ્યું કે એ એક પત્નીત્વ નું પાલન કરશે. એ જમાનામાં રાજાઓ ઘણી પત્નીઓ રાખતા હતા, પરંતુ દુર્યોધન પોતાની પત્ની ભાનુમતી પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહ્યો હતો.મિત્ર કર્ણ પર અતુટ વિશ્વાસ હતો. ભાનુમતી અને કર્ણ વચ્ચે ગાઢ મિત્રતા હતી, એકવાર ભાનુમતી અને કર્ણ ચોપાટ રમી રહ્યા હતા. દુર્યોધનને અચાનક આવતો જોઈ ભાનુમતી ઊભી થવા ગઈ, ત્યારે કર્ણે તેને હારથી બચવા રોકવા માટે તેનો પાલવ પકડ્યો, જેનાથી ભાનુમતીનો કમરબંધ તૂટી ગયો અને મોતી વેરાઈ ગયા. કોઈપણ સામાન્ય પતિ ગુસ્સે થઈ જાય, પરંતુ દુર્યોધને હસીને કર્ણને કહ્યું, “મોતી વીણી લઉં કે પરોવી દઉં?” આ પ્રસંગ દર્શાવે છે કે દુર્યોધનને પોતાની પત્ની અને મિત્ર પર કેટલો અતૂટ ભરોસો હતો.
દુર્યોધન અને ભાનુમતીને બે જોડિયા સંતાનો હતાં, પુત્ર લક્ષ્મણ કુમાર અને પુત્રી લક્ષ્મણા. દુર્યોધન પોતાના પુત્ર લક્ષ્મણને ખૂબ પ્રેમ કરતો હતો અને તેને યુદ્ધની શ્રેષ્ઠ તાલીમ આપી હતી. મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહ દરમિયાન જ્યારે અભિમન્યુએ લક્ષ્મણ કુમારનો વધ કર્યો, ત્યારે દુર્યોધન પુત્રના શોકમાં ધ્રૂજવા લાગ્યો હતો, અને તે અત્યંત ભાંગી પડ્યો હતો.જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબ અને લક્ષ્મણા એકબીજાના પ્રેમમાં પડ્યા, ત્યારે દુશ્મનાવટના કારણે દુર્યોધન આ લગ્નની વિરુદ્ધ હતો. સાંબે લક્ષ્મણાનું અપહરણ કર્યું, ત્યારે દુર્યોધન કૌરવ સેના સાથે દીકરીને બચાવવા પહોંચી ગયો હતો. જોકે, પાછળથી બલરામજીના સમજાવવા પર તેણે પોતાની દીકરીની ખુશી માટે આ સંબંધ સ્વીકારી લીધો અને ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતાં.
દુર્યોધનના જીવનની સૌથી ખાસ ઘટના તરીકે તેનાં મૃત્યુને ગણી શકાય. મહાભારતનાં યુદ્ધ દરમિયાન જ્યારે દુર્યોધનના બધાં ભાઈઓ માર્યા ગયા, ત્યારે માતા ગાંધારીએ પોતાનાં તપોબળનો ઉપયોગ કરીને દુર્યોધનનું શરીર વજ્ર જેવું બનાવ્યું, પરંતુ દુર્યોધન જ્યારે નગ્ન અવસ્થામાં માતા પાસે જતો હતો, ત્યારે તેને ભગવાન શ્રીકૃષ્ણ મળ્યાં. શ્રીકૃષ્ણએ તેને કહ્યું, આટલો મોટો થયો કાલે ઉઠીને રાજા થઈશ! માતા સામે આ રીતે નગ્ન જવાય ? શરીરનો નીચલો ભાગ કમ સે કમ પાંદડા કે કપડાથી ઢાંકી લે! દુર્યોધન શ્રીકૃષ્ણની વાતોમાં આવી ગયો અને તેણે પોતાની કમર અને જાંઘનો ભાગ કેળના પાંદડાથી ઢાંકી દીધો. જ્યારે ગાંધારીએ પટ્ટી ખોલી, ત્યારે દુર્યોધનનું આખું શરીર વજ્ર જેવું બની ગયું, પરંતુ જે ભાગ ઢાંકેલો હતો તે, સામાન્ય જ રહ્યો. ગદા યુદ્ધનાં નિયમ મુજબ કમરની નીચે પ્રહાર કરી શકાતો નથી. પરંતુ યુદ્ધમાં જ્યારે ભીમ દુર્યોધનને હરાવી શકતો ન્હોતો, ત્યારે શ્રીકૃષ્ણએ ભીમને ઈશારાથી દુર્યોધનની જાંઘ પર પ્રહાર કરવાનું યાદ અપાવ્યું. ભીમે તેની જાંઘ ભાંગી નાખી અને આ રીતે દુર્યોધનનો અંત આવ્યો, જે યુદ્ધનાં નિયમ વિરુદ્ધ હતું.
આમ સુયોધન માંથી દુર્યોધન બની ગયો! એટલે કે, એણે એની કુશળતાનો દૂર ઉપયોગ કર્યો. નાનપણમાં દુર્યોધનનાં કાનમાં રાજગાદી વિશે કે પિતરાઈ ભાઈ પાંડવ વિશે ઝેર નાખવામાં આવ્યું ન્હોત તો કદાચ આપણી સામે દુર્યોધન નું ચરિત્ર કંઈક જુદું હોત! માતા ની બદલે મામાની નજર હેઠળ મોટો થયો એ પણ ખોટું થયું! દુર્યોધન નાં ચરિત્ર માંથી આપણે શું બોધ લઈશું! કે એક બાળકનો ઉછેર યોગ્ય રીતે થાય નહીં તો મહાભારત થાય! કારણકે બાળકની બુદ્ધિ વિકસિત થાય એ પહેલાં જ વેરનુ બીજ રોપાઈ જાય તો એમાં ફળફૂલ પણ વેરઝેરના જ આવે! કારણકે આખાં મહાભારતમાં પાંડવો સિવાય એને કોઈ સાથે વેર હતું એવું લખ્યું નથી! એ પોતાનાં માતાપિતા ને સન્માન આપતો હતો, તેનાં ભાઈઓને પણ ખૂબ પ્રેમ કરતો હતો, પત્ની બાળકો અને મિત્રો માટે જીવ કુરબાન તૈયાર હતો! કર્ણનું અપમાન થયું ત્યારે એણે કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો હતો! અને એટલે જ આજે માતાપિતા હવે સફળ પેરેટિંગ પર સંમત થયા છે. માટે બાળકોના યોગ્ય ઉછેર કરી એને દુર્યોધન બનતા રોકી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

