Surat,તા.૧૪
સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ ગણાતી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. કુલ ૧૬ બેઠકોમાંથી ૭ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે બાકીની ૯ બેઠકો માટે ૧૫ જુલાઈએ મતદાન યોજાશે. મતગણતરી ૧૭ જુલાઈએ સવારે ૧૧ વાગ્યાથી થશે અને ત્યારબાદ નવી સમિતિનું ચિત્ર સ્પષ્ટ થશે.
ચૂંટણી માટે વિવિધ તાલુકા મથકો પર મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન સવારે ૯ વાગ્યાથી શરૂ થઈને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ મતપેટીઓ સીલ કરીને મતગણતરી માટે રાખવામાં આવશે. ૧૭ જુલાઈએ સુમુલ ડેરીના બેન્કવેટ હોલમાં ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે.
મતદાન પૂર્વેના અંતિમ દિવસે ઉમેદવારો અને તેમના સમર્થકોએ મતદારો સુધી પહોંચવા માટે વ્યાપક સંપર્ક અભિયાન ચલાવ્યું. ગ્રામ્ય સહકારી ક્ષેત્રમાં પ્રભાવ જાળવી રાખવા માટે વ્યક્તિગત મુલાકાતો, બેઠકઓ અને મતદારો સાથે સીધા સંપર્ક પર ભાર મૂકવામાં આવ્યો. આ ચૂંટણીને દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં પ્રભાવ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ સ્પર્ધા તરીકે જોવામાં આવી રહી છે.
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલને જીતાડવા માટે પક્ષે સંગઠનના અનેક આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છે. પ્રદેશ અને જિલ્લા સ્તરના નેતાઓ સતત પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે.સ્ટ્ઠજ
આ ઉપરાંત ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને ચૂંટણીના કન્વીનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બંને નેતાઓ સમગ્ર ચૂંટણી વ્યવસ્થા અને પ્રચાર પર નજર રાખી રહ્યા છે.
બિનહરીફ જાહેર થયેલી ૭ બેઠકો બાદ હવે બાકીની ૯ બેઠકો પર સીધી ચૂંટણી યોજાશે. વિવિધ તાલુકાઓમાં મતદારોની સંખ્યા મુજબ પરિણામ પર અસર જોવા મળી શકે છે.
બેઠક મતદારો
ઓલપાડ ૪૨
માંડવી ૧૨૬
મહુવા ૬૫
ઉમરપાડા ૬૧
નિઝર ૫૧
કુકરમુંડા ૪૩
વ્યારા ૯૦
સોનગઢ ૧૭૬
ડોલવણ ૪૩
સોનગઢ બેઠક પર સૌથી વધુ ૧૭૬ મતદારો છે, જ્યારે ઓલપાડ અને કુકરમુંડા બેઠક પર સૌથી ઓછી મતદારોની સંખ્યા નોંધાઈ છે. સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓમાંની એક છે, જેના સાથે લાખો પશુપાલકો અને દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. તેથી આ ચૂંટણીનું મહત્વ માત્ર ડેરીના સંચાલન પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સહકારી માળખા અને ગ્રામ્ય રાજકારણ માટે પણ મહત્વનું માનવામાં આવે છે. હવે તમામની નજર ૧૫ જુલાઈના મતદાન અને ૧૭ જુલાઈએ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જે આગામી કાર્યકાળ દરમિયાન સુમુલ ડેરીનું નેતૃત્વ કોણ સંભાળશે તે નક્કી કરશે.

