Surat,તા.૧૧
Surat શહેરમાં ભારે વરસાદે દરેક વિસ્તારોનો રસાતાળ વાળ્યો હતો, એનું કારણ ખાડીઓ છે. શહેરમાં વર્ષોથી માથાનો દુખાવો બનેલી ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીના પટમાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટેની ’મેગા ડિમોલિશન ડ્રાઇવ’ની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરીનો પ્રારંભ આગામી સોમવારથી યુદ્ધના ધોરણે કરવામાં આવશે.
મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રના નિવાસસ્થાને મળેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરતના મેયર, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર અને જીસ્ઝ્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જવા માટે ખાડી પરના દબાણો મુખ્ય જવાબદાર છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં ખાડીના વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દબાણો હોવાનું બહાર આવ્યું છે. આ દબાણોને કારણે ખાડીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે. પરિણામે, જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતાં પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે અને પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે.
આ સમસ્યાને પહોંચી વળવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દબાણ હટાવવાની કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ કે પક્ષપાત સહન કરવામાં આવશે નહીં. તમામ નડતરરૂપ બાંધકામોને ત્વરિત અસરથી દૂર કરવા આદેશ અપાયા છે. આ સંદર્ભે જીસ્ઝ્ર કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, માત્ર દબાણ હટાવવું પૂરતું નથી, પરંતુ ખાડીઓના વિકાસ અને વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ એક લાંબા ગાળાના આયોજનબદ્ધ પ્લાન પર કામ કરવામાં આવશે.
વહીવટી તંત્રના આ નિર્ણયને આવકારી રહ્યા છે. જો આ ડિમોલિશન ડ્રાઇવ સફળતાપૂર્વક પૂર્ણ થશે, તો વર્ષોથી દર ચોમાસે પૂરના ભય અને પાણી ભરાવાની સમસ્યાથી પીડાતા લાખો સુરતીઓને મોટી રાહત મળશે. આગામી સોમવારથી શરૂ થનારી આ કાર્યવાહી સુરત શહેરને પૂરમુક્ત બનાવવા તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું માનવામાં આવી રહ્યું છે.

