Bhavnagar તા.૧૫
વાઉ વાઉ કરતી એમ્બ્યુલન્સ જોઈને લોકો રસ્તો આપે, પણ ભાવનગરમાં એક એમ્બ્યુલન્સ સ્ટાઇલની કારમાં દર્દી નહીં પણ દારૂનો જથ્થો નીકળ્યો. ભાવનગર એલસીબી પોલીસે આ ઇકો કારમાંથી ૧૨૪૮ દારૂની બોટલ અને ૨૪ બિયર ટીન સાથે શખ્સને ઝડપી લીધો.
ભાવનગર શહેરમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી કે એક ઇકો કાર એમ્બ્યુલન્સ બનીને દારૂનો જથ્થો લઈને શહેરમાં આવી રહી છે. બાતમીના આધારે આખલોલ જકાતનાકા પાસે સ્વરાજ ટ્રેક્ટર સામે વોચમાં રહેલી પોલીસે આગળ આવતી એમ્બ્યુલન્સ જેવી ઇકો કારને અટકાવી તપાસ કરી.
એલસીબી પોલીસ ટીમે નારી ચોકડીથી આવી રહેલી આ ઇકો કારને આખલોલ જકાતનાકા પાસે રોકી અને અંદર તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો. કારમાં ગ્રીન લેબલ, ૮ પીએમ, મેકડોવેલ અને કિંગફિશર જેવી બ્રાન્ડની દારૂની બોટલો અને બિયર ટીન ભરેલા હતા.
પોલીસે ગણતરી કરતાં કુલ ૧૨૪૮ દારૂની બોટલ અને ૨૪ બિયર ટીન મળી આવી, જેની બજાર કિંમત ૧,૫૪,૦૦૮ આંકવામાં આવી. આ સાથે કાર સહિત કુલ ૪,૧૪,૦૦૮નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો.
પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ કિરણ સહદેવભાઈ મહેતા હોવાનું ખુલ્યું, જે આનંદનગર વિસ્તારનો રહેવાસી છે. વધુ તપાસમાં આ દારૂની હેરાફેરીમાં પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ અને રાજસ્થાનનો પ્રકાશ નામનો શખ્સ પણ સામેલ હોવાનું બહાર આવ્યું. હાલ આ બંને પકડાવાના બાકી છે. એલસીબી પોલીસે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી સ્થાનિક પોલીસને સોંપી છે.

