Jamnagar, તા.૨૭
શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાનમાંથી ખરીદેલા ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગ્રાહક અને પરિવારજનોએ પેકેટમાંથી અડધું ચવાણું ખાઈ લીધા બાદ અંદર મૃત ગરોળી જોવા મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સ્થળ પર તપાસ કરી દુકાનને ત્રણ દિવસ માટે બંધ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, બે-ત્રણ દિવસ પહેલાં એક ગ્રાહકે નાગનાથ ગેટ પાસે આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ ઘરે પેકેટ ખોલીને ચવાણું ખાવાનું શરૂ કર્યું હતું. અડધું પેકેટ ખાઈ લીધા બાદ તેમાં તળાયેલી હાલતમાં મૃત ગરોળી નજરે પડતાં પરિવારજનોના હોશ ઊડી ગયા હતા. ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી. જાસીલીયા સહિતની ટીમે દુકાન અને ફરસાણ બનાવવાના રસોડામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ મળી આવ્યું હતું. આ ઉપરાંત રસોડાની બારીઓ ખુલ્લી હોવાથી ગરોળી અને અન્ય જીવજંતુઓ અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ પણ જોવા મળી હતી. ટીમે ખાદ્યચીજોના નમૂના લીધા હતા અને જરૂરી સુધારા કરવા સૂચના આપી હતી.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી. ફૂડ શાખાએ અગાઉ ૧૩ ઓક્ટોબરના રોજ પણ આ પેઢીની મુલાકાત લીધી હતી. તે સમયે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી ખામીઓ બદલ દુકાનને સૂચનાઓ આપવા સાથે રૂ. ૫,૦૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે, અગાઉની સૂચનાઓ છતાં જરૂરી સુધારા કરવામાં આવ્યા ન હોવાનું તાજેતરની તપાસમાં જણાતાં તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું.
લોકોના આરોગ્ય સાથે ચેડાંની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ શાખાએ સુરેશ ફરસાણ એન્ડ સ્વીટને ત્રણ દિવસ માટે બંધ કરાવી છે. જરૂરી સ્વચ્છતા અને સુરક્ષાના સુધારા પૂર્ણ કરવા તેમજ સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા બાદ ફૂડ શાખાની મંજૂરીથી જ દુકાન ફરી શરૂ કરી શકાશે. જાણીતી ફરસાણની દુકાનમાંથી આવી ગંભીર બેદરકારી સામે આવતાં શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને અગાઉ દંડ અને સૂચનાઓ છતાં પરિસ્થિતિમાં સુધારો ન થયો હોવાની બાબત તંત્રની દેખરેખ સામે પણ સવાલ ઊભા કરે છે.

