એક દિવસ એક રાજાએ પોતાની રાજસભાના રાજપંડિત કે જે ઘણા જ વિદ્વાન અને ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હતા તેમને બોલાવ્યા અને તેમને કડક શબ્દોમાં આદેશ આપ્યો કે રાજા પરીક્ષિતે શુકદેવજીના મુખથી શ્રીમદ ભાગવત કથા સાંભળીને ફક્ત સાત દિવસમાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આપ મને પણ તેવી જ રીતે તમામ બંધનોમાંથી મુક્ત કરી એક મહિનામાં મારો મોક્ષ થાય તેવું કરો અને જો આપ તેમ નહી કરો તો હું તમારી તમામ સંપત્તિ જપ્ત કરીશ અને તમોને મૃત્યુદંડની સજા આપીશ.રાજાનો આવો આદેશ મળતાં રાજપંડિત ઘણા ચિંતામાં મુકાઇ ગયા અને ચિંતામાંને ચિંતામાં ભોજન લઇ શકતા નથી કે ઉંઘી પણ શકતા નથી,દિવસે દિવસે તેમનો તનાવ વધતો જાય છે.
એક દિવસ સંયોગથી રાજપંડિત સમગ્ર પરિવાર સાથે ભોજન કરવા બેઠા હતા ત્યારે તેમનો એક દિકરો કે જે ક્યારેક જ બધા સાથે ભેગો ભોજન લેતો હતો અને રાજપંડિતને પણ ક્યારેક જ મળતો હતો તે પોતાના પિતા તરફ જોઇને વિચારે છે કે મારા પિતા ઘણા ઉદાસ લાગે છે તેથી તેમની ઉદાસીનું કારણ પુછે છે પરંતુ પિતા કશું બોલતા નથી કેમકે રાજપંડિતને તેમના પ્રશ્નના જવાબની આ પૂત્ર પાસે અપેક્ષા નહોતી આમ હોવા છતાં તેમની પત્નીએ તેમની ઉદાસીનું કારણ પૂત્રને જણાવે છે.પિતાની ઉદાસીનું કારણ જાણીને તે બિલ્કુલ વિચલિત થતો નથી અને શાંતિથી પોતાના પિતાને કહે છે કે પિતાજી ! આપ ચિંતા ના કરશો અને કાલે રાજસભામાં જઇને કહેજો કે રાજા મને પોતાનો ગુરૂ બનાવે અને મારા આદેશ-ઉપદેશનું અક્ષરશઃ પાલન કરે.
રાજપુરોહિતે વિચાર્યું કે મારો દિકરો મને બચાવવા કોઇ તરકીબ વિચારતો હશે એટલે તેઓ પોતાના દિકરાને રાજા પાસે લઇ જાય છે અને રાજાને પોતાના પૂત્રના પ્રસ્તાવ વિશે જણાવે છે.રાજા માની જાય છે અને બીજા દિવસે રાજપુરોહિત પોતાના પૂત્રને રાજ દરબારમાં પોતાની સાથે લઇ જાય છે.તમામ પ્રકારના બંધનોથી મુક્ત થવા માટે રાજાએ રાજપુરોહિતના પૂત્રને પોતાના ગુરૂ તરીકે સ્વીકાર કર્યો અને તેમના તરફથી આપવામાં આવનાર આદેશ-ઉપદેશની પ્રતિક્ષા કરવા ગુરૂના શ્રીચરણોમાં બેસી ગયા.રાજદરબારમાં ઘણી ભીડ ભેગી થઇ હતી,તમામનું ધ્યાન રાજા અને તેમના ગુરૂ ઉપર ટકેલું હતુ.તે સમયે રાજપંડિતનો પૂત્ર એક મજબૂત દોરડું મંગાવવા રાજાને આદેશ કરે છે તે સાંભળીને સભાજનોને ઘણી નવાઇ લાગે છે.
રાજપંડિતને પણ પોતાના પૂત્રના આ કાર્યથી નવાઇ લાગે કે આ દિકરો શું મૂર્ખતા કરી રહ્યો છે,તે ડરી જાય છે અને વિચારે છે કે શું મારો દિકરો સભામાં કોઇને દોરડાથી બાંધી દેશે કે કદાચ રાજાને તો નહી બાંધી દે ને ! તે સમયે તેમના પૂત્રએ આજ્ઞા આપી કે આ દોરડાથી રાજાને આ થાંભલા સાથે બાંધી દો. રાજાએ વચન આપ્યું હતું એટલે તેઓ બંધાઇ જવા માટે સહમત થઇ જાય છે,ત્યારબાદ પૂત્રએ પોતાના પિતાને પણ બીજા થાંભલા સાથે બાંધી દેવા આદેશ આપ્યો એટલે રાજપુરોહિતને પણ થાંભલા સાથે બાંધી દેવામાં આવે છે.આ જોઇને રાજાપુરોહિત ઘણા જ ઉત્તેજીત થઇ જાય છે અને મનોમન પોતાના પૂત્રને સજા આપવાનું વિચારે છે તે જ સમયે તેમના પૂત્રએ પોતાના પિતાને આદેશ આપ્યો કે હવે પિતાજી આપ રાજાને બંધનમાંથી ખોલી દો.
રાજપંડિત ક્રોધિત થઇ જાય છે અને કહે છે કે અરે મૂર્ખ ! શું તને દેખાતું નથી કે હું પોતે બંધાયેલો છું. શું એક પોતે બંધાયેલો વ્યક્તિ બીજા મનુષ્યના બંધનને ખોલી શકે ખરો? તને ખબર નથી પડતી કે આ અસંભવ કાર્ય છે? રાજાએ પોતાના યુવાન ગુરૂને સંબોધિત કરતાં શાંત અને સન્માનજનક સ્વરમાં કહ્યું કે ગુરૂજી હું આપની વાતને સમજી ગયો છું.જે પોતે સાંસારિક બંધનોમાં બંધાયેલો છે,માયામાં બંધાયેલો છે તે અન્ય વ્યક્તિને મુક્ત કરી શકતો નથી.જે મનથી સંસારનો ત્યાગ કરીને માયાના સંસારથી પર થઇ ગયો છે,જેને સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી છે તે જ બીજા મનુષ્યને મુક્ત કરી શકે છે,તે જ બીજાના બંધનોને તોડી શકે છે.
બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું,આ ત્રીજી અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા છે.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન,વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા,ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા.જ્યાં સુધી શાસ્ત્ર કૃપા,ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.
જીવનમાં સુખ,શાંતિ,આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.મન એવમ્ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ મનુષ્યનું મન જ જગતમાં બંધન અને મોક્ષનું મુખ્ય કારણ છે.વિષયાસક્ત મનથી બંધન થાય છે અને વિષયવૃતિ રહિત મનથી મુક્તિ થાય છે એટલે મુક્તિની ઇચ્છા રાખનારાઓએ હંમેશાં મનને વિષય રહિત બનાવવું જોઇએ.મન અને ઇન્દ્રિયોનો સંયમ જ શાસ્ત્રનું મૂળ છે.આ જીવના બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે.મન નિર્વિષય બને તો મુક્તિ અને મન વિષયી બને તો બંધન.મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનનું કારણ બને છે પણ એ જ મન જો પરમાત્મામાં અનુરાગી બને તો મોક્ષનું કારણ બને છે.આ મન જ્યારે હું-પણા મારા-પણાનું કારણ એવા કામ ક્રોધ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઇ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ-અવસ્થામાં આવી જાય છે.જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે.જે મન બંધન કરે છે તે જ મન મુક્તિ આપે છે.
જેના મનમાં આસક્તિ છે તેની કયારેય મુક્તિ થતી નથી.સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ કારણ કે વાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત છે.જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે.વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે,ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.વિષયોમાં વૈરાગ્ય એ જ મુક્તિ છે.મુક્તિ પ્રદાન કરવાની શક્તિ ફક્ત સદગુરૂ પાસે હોય છે.ગુરૂ વિના જ્ઞાન અને સત્યનો સાક્ષાત્કાર થતો નથી, મુક્તિ મળતી નથી.જો જ્ઞાનની સાથે તે અનુસાર કર્મ થાય તો મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને આ જીવનકાળમાં જ જીવનમુક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે.
કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષો છોડાવે છે.જો માણસ સમજે અને પ્રયત્ન કરે તો પૂર્વ જન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરૂં કરવાનું છે પણ નવું પ્રારબ્ધ ઉભું કરવાનું નથી. એવું સાદું જીવન જીવવાનું કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય. આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળે છે. મનુષ્યને “જગત નથી” એવો અનુભવ થાય છે પણ “હું નથી” એવો અનુભવ થતો નથી.“અહમ” નું વિસ્મરણ જલ્દી થતું નથી.ધ્યાનમાં ધ્યાન કરનારો (ધ્યાતા) ‘હું ધ્યાન કરૂં છું’ એ પણ ભૂલી જાય છે ત્યારે પ્રભુના સ્વરૂપમાં (ધ્યેય) લીન થાય છે. ધ્યાતા-ધ્યાન અને ધ્યેય આ ત્રિપુટીનો પરમાત્મામાં લય થાય એ જ મુક્તિ એ જ અદ્વૈત,બીજું નામ કૈવલ્ય મુક્તિ પણ છે.
ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય તેને જ મુક્તિ કહે છે.આ સિદ્ધાંત સમજાવવા ઉપનિષદમાં એક દ્રષ્ટાંત આપ્યું છે.‘ખાંડની પૂતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ તે સાગરમાં વિલીન થઇ ગઈ પાછી જ ના આવી.’ ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી.જીવમાં જીવ પણું રહેતું નથી.આ જીવ ખાંડની પૂતળી જેવો છે અને પરમાત્મા સમુદ્ર જેવા વ્યાપક છે વિશાળ છે.આ બ્રહ્મતત્વને જાણનારો બ્રહ્મ સાથે એકરૂપ થાય છે.જેવી રીતે ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરીરૂપ બની જાય છે આને કૈવલ્ય મુક્તિ કહે છે.(અદ્વૈત) પણ ભક્તો આવી કૈવલ્ય મુક્તિ ઇચ્છતા નથી તેઓ ઈશ્વરની સેવા-પૂજા કરવા માટે અને તેનો રસાસ્વાદ માનવા માટે થોડું દ્વૈત રાખે છે. આવા પરમાત્માની સેવામાં જેને આનંદ છે તેવા ભક્તો ભાવાત્મક શરીર ધારણ કરી પ્રભુના ધામમાં જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)