New Delhi,તા,21
દિલ્હીમાં પેપર લીક અને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદો વડાપ્રધાન આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ આ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
PM આવાસ તરફ માર્ચ અને હોસ્પિટલની મુલાકાત
કોંગ્રેસ સાંસદોએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી PM આવાસ તરફ માર્ચ કાઢી હતી. અગાઉ સંસદ તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓની હાલત જાણવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા.
વડાપ્રધાન અને ગૃહ મંત્રી પાસે રાજીનામાની માંગ
સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે, ‘વડાપ્રધાન મોદી આ મામલે ચૂપ કેમ છે? પીએમએ માફી માંગવી જોઈએ અને પદ પરથી રાજીનામું આપવું જોઈએ.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘છોકરાઓની પીટાઈ માટે ગૃહ મંત્રી અમિત શાહે પણ ત્યાગપત્ર આપવું જોઈએ.’

