(ર) જાલંધરનાં પત્ની વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
રામચરીત માનસમાં ભગવાન શ્રીરામના અવતાર લેવાના પાંચ કારણ બતાવ્યા છે એમાંનું ભગવાનના અવતાર લેવાનું બીજું કારણ જાલંધરનાં પત્ની વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો તે બતાવતાં યાજ્ઞવલ્ક્યજી કહે છે કે જાલંધર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો.એ તમામ દેવતાઓને ત્રાસ આપવા લાગ્યો.એની પત્ની વૃંદા મહાન સતી હતી અને એના સતીત્વના લીધે જાલંધર કોઇથી મરતો નહોતો. ભગવાન વિષ્ણુ પાસે ફરીયાદ ગઇ કે જાલંધર કોઇનાથી મરતો નથી.એની પત્ની વૃંદામાં બહુ સતિત્વ છે.દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાન વિષ્ણુએ કપટ કર્યું.સતીના સતીત્વમાં વિક્ષેપ થયો.જાલંધરના ગળામાં ફુલની માળા કરમાઇ ગઇ.શિવજી વગેરે દેવતાઓએ હુમલો કર્યો અને જાલંધરનું મૃત્યુ થયું.આ પ્રસંગ ઘણાને ગમતો નથી.ઘણા કહે છે કે ઇશ્વર કપટ કરે એ બરાબર ના કહેવાય.એક સતીનું સતીત્વ તોડવા ભગવાન વિષ્ણુએ કપટ કર્યું એ શું યોગ્ય છે?
જાલંધર સાક્ષાત અધર્મ છે પણ એ પોતાની પત્ની વૃંદાના ધર્મને બહાને જગતને પરેશાન કરતો હતો.ધર્મનાં કપડાં પહેરીને કોઇ અધર્મનું આચરણ કરતો હોય તો એવા ધર્મને તોડવામાં વાંધો આવતો નથી.વૃંદાનું સતીત્વ તોડીને જાલંધરને માર્યો ના હોત તો દુનિયામાં કોઇ સતીનું સતીત્વ સલામત ના રહેતું. એક સતીનું સતીત્વ તોડીને ભગવાન વિષ્ણુએ ભવિષ્યની તમામ સતીઓના સતીત્વને સલામત કરી દીધું. એક વ્યક્તિને મારીને સંસાર આખાનો ધર્મ બચી શકતો હોય તો ધર્મની આડશમાં,ધર્મના પડદામાં પોષાતા અધર્મને હણવામાં કોઇ પાપ નથી.જાલંધરનું મૃત્યુ થયું ત્યારે સતી વૃંદાને ખબર પડી ગઇ કે મારી સાથે દગો થયો છે અને જ્યારે તેમને બધી વાતની ખબર પડી ત્યારે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો કે તમે મને મારા પતિની ગેરહાજરીમાં છેતરી છે.તમારે ધરતી ઉપર એકવાર મનુષ્યનો અવતાર લેવો પડશે.તમે રામ બનશો અને મારા પતિની ગેરહાજરીમાં મને દગો કર્યો છે તેથી તમે જ્યારે રામ બનશો અને જ્યારે તમારા પત્ની(સીતા) એકલાં હશે ત્યારે મારા પતિ જાલંધર રાવણ બનીને,પંચવટીમાં આવીને તમારી પત્ની સીતાને લઇ જશે ત્યારે આપણો હિસાબ બરાબર થશે.ભગવાને શ્રાપ માથે ચડાવ્યો.
જાલંધર કોન હતો? જાલંધરનો અર્થ થાય છે જે ચાલે છે અને તરે છે.એક સમયે ઇન્દ્રને પોતાના બળનું અજીર્ણ થવાથી ભગવાન શંકર પાસે જઇને તેમને રીઝવ્યા અને પોતાની સાથે લડી શકે તેવા યોદ્ધાની યાચના કરી.ભગવાન શંકરે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને તેજમાંથી એક છોકરાનું રૂપ ધારણ કર્યું જે સમુદ્રમાં જઇને રહ્યો.સમુદ્રે તેને પોતાનો પૂત્ર સમજી પોતાના અંતરમાંથી એક બેટ કાઢી આપ્યો અને ત્યાં જાલંધર-નગર વસાવીને રહ્યો.જલંધર મોટો થતાં અસુર ગુરૂ શુક્રાચાર્ય દ્વારા તેને અસુરોનો સમ્રાટ બનાવવા માં આવ્યો.જલંધર અત્યંત શક્તિશાળી હતો અને તેને સર્વકાલીન સૌથી શક્તિશાળી અસુરોમાંનો એક માનવામાં આવતો હતો.જાલંધરે ગુરૂ શુક્રાચાર્ય પાસેથી તમામ વિદ્યાઓ શીખી વિશ્વ જીતી લીધું હતું. જાલંધરનું અસુર કાલનેમીની પુત્રી વૃંદા સાથે લગ્ન થયા હતા.
જાલંધર ન્યાય અને ખાનદાનથી શાસન કરતો હતો.એક દિવસ ગુરૂ શુક્રાચાર્યજી જાલંધરને મળવા આવ્યા અને જાલંધરને હિરણ્યકશ્યપુ અને વિરોચનની કથાઓ કહી તથા સમુદ્રમંથન સમયે વિષ્ણુએ રાહુનું માથું કેવી રીતે કાપી નાખ્યું હતું તેની કથા કહી જે સાંભળી પોતાના સંદેશવાહક ઘસ્મરને ઇન્દ્ર પાસે મોકલ્યો અને તેને પોતાના પિતા સમુદ્રનો ખજાનો પાછો આપવા કહ્યું,જો કે ઇન્દ્રએ આપવાનો ઇન્કાર કર્યો તેથી છેલ્લે દેવો અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં દેવોની હાર થતાં દેવતાઓ હતાશ થઈને ભગવાન વિષ્ણુને મદદ માટે વિનંતી કરી.જલંધર અને ભગવાન વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેમાં સમુદ્રપૂત્રી માતા લક્ષ્મીજીએ વચ્ચે આવી પોતાના ભાઇ જાલંધરનો વધ ના કરવા વિનંતી કરતા ભગવાન વિષ્ણુએ પીછેહઠ કરતાં દેવોનો પરાજય થયો અને જલંધર ત્રણેય લોકના સ્વામી બન્યા.તેમણે સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓએ જે રત્નો એકઠા કર્યા હતા તે બધા જ જપ્ત કરી લીધા અને સદાચારી રીતે શાસન કર્યું,તેના રાજ્યમાં કોઈ બીમાર કે દુર્બળ નહોતું.
દેવો પોતાની હારથી તથા પોતાનો અધિકાર છીનવી લેવાથી નિરાશ થયા.દેવતાઓ સાથે સલાહ કરીને નારદમુનિ જલંધરને મળવા ગયા અને તેનો નાશ થાય તે માટે યોજના બનાવી.તેમણે કૈલાશની સુંદરતાનું વર્ણન કર્યું.જવાબમાં જાલંધરે નારદને પોતાની સંપત્તિ બતાવી ત્યારે નારદજીએ કહ્યું કે તારી પાસે ભગવાન શિવ પાસે છે તેવી સુંદર સ્ત્રી નથી.આ સાંભળી જાલંધરે પોતાના દૂત રાહૂને શિવ પાસે મોકલ્યો અને પાર્વતીજી પોતાને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો.આ અપમાન સાંભળીને શિવ એટલા ગુસ્સે થયા અને દૂતનો શિરચ્છેદ કરવા હુકમ કર્યો.દૂતે આજીજી કરતાં કહ્યું કે હે પ્રાણનાથ ! મારો કોઇ અપરાધ નથી,હું તો ચિઠ્ઠીનો ચાકર છું માટે મને કૃપા કરી છોડી મૂકો.ભગવાન શંકરે દયા કરી તેને છોડી મુક્યો ત્યારબાદ દૈત્યરાજ જાલંધર ક્રોધિત થઇ શુભ-નિશુંભને લઇને કૈલાશ ઉપર ચઢાઇ કરી.ભગવાન શિવે તેમની સામે યુદ્ધ કરી તેમને પાછા હટાવ્યા.
ત્યારબાદ દૈત્યે પાર્વતીજી સાથે છળ કરવા શિવજીનો વેશ ધારણ કર્યો પરંતુ માતા પાર્વતીજીને છળની જાણ થતાં તેમને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું એટલે તરત જ દૈત્ય જીવ લઇને ભાગ્યો ત્યારે પાર્વતીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે આ અધમ પાપીનો તરત નાશ કરો.ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું પણ જાલંધરને મારી શકતો નથી કેમકે તેની પત્ની વૃંદા સતી છે.તેના સતીત્વબળથી તમામ દેવો પણ ડરે છે.તમે જાણો છો કે સ્ત્રીનું પતિવ્રત એ એક ઉત્તમ ધર્મ છે.પતિવ્રતાના પુણ્ય પ્રતાપથી સઘળાં પાપ નાશ પામે છે.સતી વૃંદાના સતીત્વના પ્રતાપે દુષ્ટ ઘણું જોર અને સુખ પામ્યો છે.ભગવાન વિષ્ણુએ જાલંધરને મારવા માટે એક યોજના બનાવી.ભગવાન વિષ્ણુ એક ઋષિનું રૂપ ધારણ કરી સતી વૃંદા પાસે આવે છે. ભગવાને પોતાની માયાથી બે રાક્ષસો ઉત્પન્ન કરી તેમનો વધ કર્યો,એમની શક્તિ જોઇ સતી વૃંદાએ કૈલાશ પર્વત પર શિવજી સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જાલંધર વિશે પુછ્યું.ભગવાન વિષ્ણુએ ફરીથી પોતાની માયાથી બે વાનર પ્રગટ કર્યા.એક વાનરના હાથમાં જાલંધરનું માથુ હતું અને બીજાના હાથમાં એનું ધડ હતું.આ જોઇ સતી વૃંદા મૂર્છિત થઇ ગયાં.ભાનમાં આવતાં તેમને ઋષિને પોતાના યોગબળથી પોતાના પતિને જીવિત કરવા વિનંતી કરી.
ભગવાને પોતાની માયાથી જાલંધરનું મસ્તક અને ધડ જોડી દીધાં અને ભગવાન વિષ્ણુ જાલંધરના શરીરમાં પ્રવેશ કરી ગયા.સતી વૃંદાને એમ જ લાગ્યું કે આ તેના પતિ જાલંધર જ છે.માયાથી જાલંધર બનેલા ભગવાન વિષ્ણુ સાથે વૃંદા પત્ની તરીકે વ્યવહાર કરી દાંપત્ય સુખ માણવા લાગ્યાં.એનાથી એમના સતીત્વનો ભંગ થયો.સતીનું તેજ જતું રહેવાથી યુદ્ધમાં ભગવાન શિવે તેમના પગના અંગૂઠામાંથી બનાવેલા ચક્રથી તેનું માથું કાપી નાખ્યું,તેના મૃત્યુ પછી તેનો આત્મા શિવમાં ભળી ગયો.
સતી વૃંદાને જ્યારે ખબર પડી કે ભગવાન વિષ્ણુએ તેની સાથે છળ-કપટ કર્યું છે ત્યારે તેને ઘણો આઘાત લાગ્યો અને કહ્યું કે તમે યોગી બનીને મને છેતરી? આપ પ્રભુ થઇને અધર્મનું આચરણ કર્યુ? તમારૂં મન પત્થરની જેમ કઠોર છે,તમારામાં લેશમાત્ર દયા નથી અને ક્રોધના આવેશમાં વૃંદાએ શ્રાપ આપ્યો કે તમે પાષાણ સ્વરૂપ (શાલીગ્રામ) બની જાઓ,તમારી સ્ત્રીનું પણ તપસ્વી રૂપે કોઇ હરણ કરશે તે સમયે ભગવાને પોતાનું ચતુર્ભૂજરૂપ ધારણ કરી વૃંદાને દર્શન આપ્યા અને કહ્યુ કે વૃંદા ! તારા પતિ જાલંધરની બુધ્ધિ ભ્રષ્ટ થઇ હતી,તેને પાર્વતી તો એની માતા કહેવાય એમના ઉપર કુદ્રષ્ટિ કરી જેથી તેને પાછો વાળવા મારે આ કર્મ કરવું પડ્યું છે.તારો શાપ યથાર્થ છે,હવે હું પથ્થરરૂપે અવતરીશ અને મારી સ્ત્રીનુ કોઇ તપસ્વી હરણ કરે એવા તારા શ્રાપ માટે મારે રામાવતાર લેવો પડશે.
ભગવાન વિષ્ણુએ વૃંદાના મનને શાંત કરવા ઘણા પ્રયાસો કર્યા પણ વૃંદાનુ મન માનતુ નથી અને તે કહેવા લાગી કે મેં એક ભવમાં બે ભવ કર્યા અને આપે મારો અંગીકાર કર્યો તેનું શું? જેથી ભગવાને કહ્યું કે બધા જીવો અંતે મારામાં જ સમાઇ જાય છે,તું નિષ્કલંક રહીશ,તું વનમાં તુલસી નામની વનસ્પતિ રૂપે અવતરીશ.એ વનસ્પતિ પ્રાણીઓની પીડા હરનારી અમુલ્ય ઔષધિ બનશે.તારા પત્ર વિના જગત મને જે ભોગ ધરાવશે તેનો હું સ્વીકાર નહિ કરૂં.મુત્યુ પામનારના મુખમાં મૂકાઇને તું મુક્તિદાતા બનીશ.મારા ભકતો મારા નામનો જપ કરવા તારી માળા ધારણ કરશે,તું તુલસી અને હું શ્યામ શૈલરૂપે એટલે કે તુલસીશ્યામ રૂપે આપણી પૂજા કરશે.આપ મારા માટે લક્ષ્મીથી પણ વધારે પ્રિય બની ગયાં છો.હવે આપ તુલસી સ્વરૂપે સદાય મારી સાથે રહેશો.મારી પૂજા તમારા થકી જ થશે.જે મનુષ્ય તારાં મારી સાથે લગ્ન કરાવશે તેનું દાંમપત્ય અક્ષુણ્ણ રહેશે.પતિના વિરહમાં વૃંદાએ શરીરનો ત્યાગ કર્યો અને તેઓ જ્યાં બળીને ભસ્મ થયાં ત્યાં તુલસીના છોડ રૂપે જન્મ લીધો તથા શરીર છોડી દીધા પછી નદીરૂપે પરિવર્તિત થઇ ભારતવર્ષમાં પુણ્યરૂપા ગંડકી નામે પ્રસિદ્ધ થયાં અને શ્રીહરિ પણ શાપવશ શાલીગ્રામરૂપે ગંડકી નદીમાં નિવાસ કરે છે. જ્યાં દૈત્યરાજ જાલંધરનું મસ્તક પડ્યું હતું તે જગ્યા પંજાબના ત્રણ મુખ્ય શહેરોમાં જલંધર શહેરનું નામાધિન થયેલ છે જે લવ-કુશની રાજધાની હતી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)