Surendranagar,તા.10
ધોળકાના કલિકુંડ વિસ્તારના સ્નેહા કોમ્પલેક્ષ સામે રોડને અડીને આવેલ ફુટપાટ તથા રોડ ઉપર લારીઓવાળાના દબાણો પાલિકા તંત્ર દ્વારા બે દિવસથી હાટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે પાલિકાની દબાણ હટાવ ટીમ માથે એક નવી સમસ્યા ઉભી થઈ ચુકી છે.
સ્નેહા કોમ્પલેક્ષના વહેપારીઓની રજુઆતને ધ્યાને લઈ પાલિકા પ્રમુખની સુચનાથી મફલીપુર ઝોનલ ઓફિસરે લારીઓવાળાના દબાણો ખસેડાવ્યા છે. ત્યારે જાહેર માર્ગ ઉપર વિવિધ ખરીદી અર્થે આવતા વાહન ચાલકો તથા ખાનગી વાહન ચાલકો, રિક્ષા ચાલકોએ ટ્રાફિકની સમસ્યા ઉભી થાય તે રીતે ફૂટપાટને અડીને વાહનો ખડકી દેતા અન્ય વાહન ચાલકો તથા રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. લારીઓવાળાની જગ્યાએ ખાનગી વાહનો ચાલકોએ અડ્ડો જમાવ્યો છે જેથી વાહનોની અવર જવરથી ધમધમતા આ માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા ઉભી થઈ ચુકી છે. જેથી ધોળકા પોલીસ તંત્ર આ ટ્રાફિક સમસ્યા બાબતે સત્વરે કડક કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે. બીજી તરફ રોડ ઉપરના લારીઓવાળાના દબાણો ખસેડીને પાલિકાની ટીમ પરત ફર્યા બાદ ફરીથી લારીઓવાળાના દબાણો થઈ રહ્યા છે જેથી ધોળકા પોલીસ તંત્ર, પાલિકા તંત્ર આ ઘર કરી ગયેલી ગંભીર સમસ્યામાંથી પ્રજાને છુટકારો અપાવે તેવી માંગણી ઉઠી છે.