(૯) સર્પોની માતા કદ્રુએ પોતાના પૂત્રોને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
ઋષિ કશ્યપની કદ્રુ અને વિનતા નામની બે પત્નીઓ હતી.કદ્રુ સાપોની માતા હતાં અને વિનતા ગરૂડની માતા હતાં.એકવાર કદ્રુ અને વિનતાએ એક સફેદ રંગનો ઘોડો જોયો અને શરત લગાવી.વિનતાએ કહ્યું કે ઘોડો આખો સફેદ છે અને કદ્રુએ કહ્યું કે ઘોડો તો સફેદ છે પણ એનું પુંછડું કાળું છે.કદ્રુએ પોતાની વાતને સત્ય સાબિત કરવા માટે પોતાના સાપ પૂત્રોને કહ્યું કે તમે સુક્ષ્મરૂપમાં જઇને ઘોડાના પુંછડા સાથે વિંટળાઇ જાઓ જેથી ઘોડાનું પુંછડું કાળુ દેખાય અને હું શરત જીતી જાઉં.કેટલાક સાપોએ કદ્રૂની વાત ના માની તેથી તેઓને કદ્રૂએ શ્રાપ આપ્યો કે તમે તમામ જનમેજયના સર્પ યજ્ઞમાં ભસ્મ થઇ જશો.
મહાભારતની કથા અનુસાર સતયુગમાં દક્ષ પ્રજાપતિની કદ્રુ અને વિતના નામની બે શુભલક્ષણા, રૂપ સૌદર્યસંપન્ન કન્યાઓ હતી,તે બંન્નેનો વિવાહ મહર્ષિ કશ્યપ સાથે થયું હતું.એકવાર મહર્ષિ કશ્યપ અત્યંત હર્ષમાં આવીને બંન્ને પત્નીઓને કહ્યું કે તમારી ઇચ્છા હોય તે વરદાન માંગો ત્યારે કદ્રુએ તેજસ્વી એક હજાર નાગોને પૂત્રરૂપમાં પામવાનું વરદાન માંગ્યું.વિનતાએ બળ,તેજ,શરીર અને પરાક્રમમાં કદ્રુના પૂત્રોથી શ્રેષ્ઠ ફક્ત બે જ પૂત્રોની કામના કરી.લાંબા સમય બાદ કદ્રુએ એક હજાર અને વિનતાએ બે ઇંડા આપ્યા.જે ઇંડાને પાંચસો વર્ષ સુધી વાસણમાં રાખવામાં આવે છે છતાં તેમાંથી બચ્ચાં નીકળતાં નથી.વિનતાની ધીરજ ખુટી અને અધિરાઇથી એક ઇંડુ તોડ્યું તો પૂત્ર અર્ધવિકસિત હતો એટલે પૂત્રે વિનતાને શ્રાપ આપ્યો કે ર્માં તે લોભને વશીભૂત થઇને મને અધુરા શરીરવાળા બનાવ્યો છે,મારા શરીરના તમામ અંગોને વિકસિત થવા દીધા નથી એટલે તમારી શૌક્ય(સૌતન)ની પાંચસો વર્ષ સુધી દાસી બનશો અને જે બીજા ઇંડાથી તમારો પૂત્ર થશે તે તમોને દાસીભાવથી છોડાવશે,આમ કહી બાળક અરૂણ અંતરીક્ષમાં ઉડી ગયો,ત્યારથી વહેલી સવારે જે લાલી દેખાય છે તેના રૂપમાં વિનતાના પૂત્ર અરૂણનાં દર્શન થાય છે.ત્યારબાદ સર્પસંહારક ગરૂડનો જન્મ થાય છે.પક્ષિરાજ ગરૂડ જન્મ થતાં ભુખથી વ્યાકુળ થતાં વિનતાને છોડીને આકાશમાં ઉડી જાય છે.
એકવાર કદ્રુ અને વિનતા બંન્ને બહેનો એક સાથે ફરવા નીકળે છે તે સમયે તેમને ઉચ્ચૈઃશ્રવા નામના ઘોડાને પોતાની તરફ આવતો જુવે છે.આ ઉત્તમ ઘોડો અમૃત માટે સમુદ્રમંથન કરવામાં આવ્યું ત્યારે નીકળ્યો હતો.તેનામાં અમોઘ બળ હતું.તેને જોઇને કદ્રુએ વિનતાને કહ્યું કે આ ઘોડો કયા રંગનો છે? વિનતાએ કહ્યું કે આ ઘોડો સફેદ રંગનો છે.તું તેને કયા રંગનો સમજે છે તે મને કહે ત્યારે કદ્રુ કહે છે કે ઘોડો તો સફેદ રંગનો છે પરંતુ તેનું પુંછડું કાળા રંગનું છે.આ બાબતે બંન્ને બહેનો વચ્ચે શરત લાગી અને કદ્રુએ શરત કરી કે મારી વાત સત્ય હોય અને ઘોડાનું પુછડું કાળા રંગનું હોય તો તારે મારી દાસી બનવાનું અને કાળા રંગનું ના હોય તો હું તારી દાસી થઇને રહીશ આમ બંન્ને બહેનો શરત લગાવી ઘેર ગઇ અને બીજા દિવસે ઘોડો જોવાનું નક્કી કર્યું.
કદ્રુ છળ-કપટ કરવા ઇચ્છતી હતી.તેને પોતાના એક હજાર પૂત્રોને બોલાવીને આજ્ઞા આપી કે તમારે કાળા રંગના વાળ બનીને ઉચ્ચૈઃશ્રવા ઘોડાના પુંછડે વિંટાઇ જવાનું છે જેથી મારે વિનતાની દાસી ના બનવું પડે.તે સમયે જે પૂત્રોએ કદ્રુની વાત ના માની તેમને શ્રાપ આપ્યો તમે પાંડવવંશી બુદ્ધિમાન રાજર્ષિ જનમેજય સર્પયજ્ઞ કરે તેમાં બળીને ભસ્મ થઇ જશો.તમામ દેવતાઓ સહિત બ્રહ્માજીએ સાપોની વધતી જતી સંખ્યાને જોઇને તથા આ સાપો પ્રચંડ ઝેરીલા અને બીજાઓને પીડા આપતા હોવાથી તમામ પ્રાણીઓના હિતમાં કદ્રુની વાતને અનુમોદન આપ્યું અને ઋષિ કશ્યપને બોલાવીને કહ્યું કે તમારા દ્વારા લોકોને કરડનાર જે આ સાપો ઉત્પન્ન કરવામાં આવ્યા છે તેમનાં શરીર ઘણાં વિશાળ છે તથા ભયંકર ઝેરી છે.તેમની માતા કદ્રુએ તેમને જે શ્રાપ આપ્યો છે તો તમે કદ્રુ ઉપર ક્રોધ ના કરશો આમ કહીને બ્રહ્માજીએ સાપનું ઝેર ઉતારવાની વિદ્યા પ્રદાન કરી.
માતાના શ્રાપથી ઉદ્વિગ્ન બનીને ભુજંગપ્રવર કર્કોટકે પોતાની માતાને કહ્યું કે માતા તમે ધીરજ રાખો કાલે હું કાળા રંગનો વાળ બનીને ઉચ્ચૈઃશ્રવા અશ્વમાં પ્રવેશ કરી પોતે પોતાને તેની કાળી પુંછડાના રૂપમાં દેખાઇશ.બીજા દિવસે કદ્રુ અને વિનતા બંન્ને બહેનો ઉચ્ચૈઃશ્રવા નામના ઘોડા પાસે પહોંચી ગઇ.કદ્રુના પૂત્રો કાળા રંગના વાળ બનીને તેના પુંછડામાં વિટળાઇ ગયા હોવાથી બંન્ને બહેનોએ ઘોડાનું પુંછડું કાળા રંગનું જોયું વિનતાએ દુઃખી મને કદ્રુની દાસી બનવાનું સ્વીકારી લીધું.તે સમયે મહાતેજસ્વી ગરૂડજી માતાની સહાયતા માટે આવી જાય છે ત્યારે વિનતા કહે છે કે હું દુર્ભાગ્યવશ મારી શોક્યની દાસી છું.કદ્રુ અને સાપોએ મારી સાથે છળ-કપટ કરેલ છે.માતાની વાત સાંભળીને ગરૂડજીએ સર્પોને કહ્યું કે આપ કહો તે હું આપનું કાર્ય કરૂં પણ મારી માતાને દાસતાથી મુક્ત કરો ત્યારે સર્પોએ કહ્યું કે તમે ગમે તે રીતે અમોને અમૃત લાવી આપો.
સ્વર્ગમાં અમૃતની રક્ષા કરનાર દેવતાઓ સાથે યુદ્ધ કરી તેમને હરાવીને ગરૂડજી અમૃતકુંભ લઇને જતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ સાથે મુલાકાત થાય છે અને ભગવાન પાસે અમરત્વનું વરદાન તથા ભગવાનનું વાહન બનવાનું વરદાન મેળવે છે.ગરૂડજી જ્યારે અમૃતકૃંભ લઇને જતા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રે તેમના ઉપર વજ્રનો પ્રહાર કર્યો પરંતુ ભગવાનના વરદાનના કારણે કોઇ આઘાત ના પહોંચતાં દેવરાજ ઇન્દ્રે તેમની સાથે મિત્રતા કરી અને ગરૂડજીને કહ્યું કે તમે જેના માટે અમૃત લઇ જઇ રહ્યા છો તે સર્પો અમૃત પી અમર થઇને જગતના પ્રાણીઓને કષ્ટ પહોંચાડશે.ગરૂડજીએ કહ્યું મારી માતાને દાસત્વમાંથી મુક્ત કરવા અમૃત આપવા જઇ રહ્યો છું તેને તમે સર્પો પાસેથી છીનવીને લઇ જઇ શકો છો તેમ કહી સર્પો મારો આહાર બને તેવું દેવરાજ પાસે વરદાન મેળવ્યું.
ગરૂડજીએ અમૃતકુંભ લાવીને દર્ભ ઉપર મુકી અને કહ્યું કે તમે તમામ સર્પો સ્નાન કરી અમૃતપાન કરજો અને આપના કહ્યા અનુસાર મેં સ્વર્ગમાંથી અમૃતકુંભ લાવીને તમોને આપ્યો છે તો હવે મારી માતાશ્રી વિનતાને દાસત્વમાંથી મુક્ત કરો.વિનતાને દાસત્વમાંથી મુક્ત કરી સર્પો સ્નાન કરવા જાય છે ત્યારે તક જોઇને દેવરાજ ઇન્દ્ર અમૃતકુંભ લઇને સ્વર્ગમાં જતા રહે છે.સર્પો સ્નાન કરીને આવે છે ત્યારે જાણ્યું કે ઇન્દ્ર અમૃતકુંભ સ્વર્ગમાં લઇ ગયા છે ત્યારે સર્પો એમ વિચારી સંતોષ માને છે કે આપણે વિનતા સાથે છળ-કપટ કર્યું તેવું જ કપટ આપણી સાથે પણ થયું છે.સર્પોએ વિચાર્યુ કે જે દર્ભની પથારી ઉપર અમૃતકુંભ મુક્યો હતો ત્યાં થોડા અમૃતનો અંશ પડ્યા હશે તેમ માની ચાટલા લાગ્યા જેનાથી સર્પોની જીભના બે ભાગ થઇ ગયા.દર્ભની ઉપર પવિત્ર અમૃતકુંભ મુકવામાં આવ્યો હતો તેથી દર્ભને પવિત્ર ગણવામાં આવે છે.(મહાભારતના આસ્તિકપર્વમાંથી સાભાર)
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)