Iran, તા.29
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતાં તણાવ વચ્ચે ફરી મોટી લશ્કરી હલચલ જોવા મળી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિ માટે લશ્કરી કાર્યવાહી થોડા દિવસ માટે રોક્યા બાદ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સે જોર્ડનમાં આવેલાં એક અમેરિકી લશ્કરી બેઝ પર અનેક બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. આ હુમલો મંગળવારે સાંજે 5ઃ45 વાગ્યે ઈસ્ટર્ન ટાઈમ પર કરવામાં આવ્યો હતો.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આને “અચાનક કરવામાં આવેલો હુમલો” ગણાવ્યો છે. સેન્ટકોમના જણાવ્યાં મુજબ તમામ મિસાઈલોને સફળતાપૂર્વક રોકી દેવામાં આવી. હાલ કોઈનાં મોત કે નુકસાનના સમાચાર નથી. કમાન્ડે કહ્યું કે અમેરિકી સૈનિકો એલર્ટ પર છે અને સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ હુમલો જોર્ડનને નિશાન બનાવીને કરવામાં આવ્યો જ્યાં આ મહિનાની શરૂઆતમાં જ મિસાઈલ અને ડ્રોન હુમલામાં 2 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. તે પછી ટ્રમ્પે 13 રાત સુધી ઈરાન સાથે જોડાયેલા ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ હુમલો ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વ્હાઈટ હાઉસમાં મુલાકાતના થોડા કલાકો બાદ થયો. બેઠકમાં ઈરાન મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી.
રસપ્રદ વાત એ છે કે, એક દિવસ પહેલાં જ ટ્રમ્પે કહ્યું હતું કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સારી વાતચીત ચાલી રહી છે અને સમજૂતીની સારી સંભાવના છે. પરંતુ સાથે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકા ઈરાન વિરુદ્ધ ફરી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે.
આ સાથે યમનના હૂતીઓએ પણ લાલ સમુદ્રમાં એક સાઉદી તેલના ટેન્કર પર બેલિસ્ટિક મિસાઈલ છોડવાનો દાવો કર્યો. ઈરાન સમર્થિત આ સંગઠને તેને સાઉદી અરબ વિરુદ્ધ જાહેર કરેલી દરિયાઈ નાકાબંધી લાગું કરવાની કાર્યવાહી ગણાવી.
બ્રિટનની UKMTO એજન્સીએ પણ કહ્યું કે દક્ષિણ લાલ સમુદ્રમાંથી પસાર થતાં એક ટેન્કરના કેપ્ટને વિસ્ફોટનો અવાજ સાંભળ્યો, પણ કોઈ જાનહાનિ કે પર્યાવરણને નુકસાન નથી.
આમ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની વાત કહેવાના 24 કલાકની અંદર જ ઈરાને આ મોટો હુમલો કર્યો છે. જેનાથી મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધવાની આશંકા છે. હવે બધાની નજર અમેરિકાના આગામી પગલાં પર છે.

