New Delhi, તા. 30
આગામી 2026 હોકી વર્લ્ડ કપ પહેલાં હોકી ઇન્ડિયા દ્વારા ભારતીય પુરુષ અને મહિલા ટીમ માટે પારંપરિક બ્લુ રંગની જર્સીના બદલે ભગવા રંગની મુખ્ય જર્સી રજૂ કરવામાં આવી છે. હોકી ઇન્ડિયાના આ નિર્ણય સામે પૂર્વ ભારતીય હોકી કેપ્ટન અને ઓલિમ્પિયન વિરેન રસકીન્હાએ આકરો અસંતોષ વ્યક્ત કરતાં તેને `શરમજનક’ ગણાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નિરાશા વ્યક્ત કરતાં વિરેન રસકીન્હાએ લખ્યું હતું કે, “હોકી ઇન્ડિયાએ ભારતીય હોકી માટે ઘણાં સારા કામ કર્યા છે, પરંતુ આ નિર્ણય શરમજનક છે.
ભારતીય ટીમનો વારસો અને ઓળખ હંમેશાં બ્લુ રંગ જ રહ્યો છે. મેં પોતે વર્ષો સુધી ગર્વથી બ્લુ જર્સી પહેરી છે અને ચાહકો પણ આપણી ટીમને બ્લુ કલરમાં જ જોવા માંગે છે. આ ઓરેન્જ રંગ પાછળનો તર્ક શું છે?”
બીજી તરફ, નવી જર્સી અંગે સ્પષ્ટતા આપતાં હોકી ઇન્ડિયાએ જણાવ્યું કે આ નવો રંગ `સાહસ, બલિદાન અને વિજય’નું પ્રતીક છે. તે ભારતીય રાષ્ટ્રધ્વજ અને ઊગતાં સૂર્યથી પ્રેરિત છે, જે એક નવી શરૂઆત દર્શાવે છે. આ જર્સીમાં મંડલા આર્ટ આધારિત ડિઝાઇન, ત્રિરંગાની વિગતો અને વાદળી રંગના એક્સેન્ટ્સ પણ સામેલ છે.
2026નો હોકી વર્લ્ડ કપ 14 થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાવાનો છે, જ્યાં હોકીના ઇતિહાસમાં પહેલીવાર પુરુષો અને મહિલાઓની ટૂર્નામેેન્ટ એકસાથે યોજાશે.
ભારતીય પુરુષ ટીમને ગ્રુપ-ઉમાં રાખવામાં આવી છે, જ્યાં તેમની ટક્કર વેલ્સ, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે થશે. જ્યારે મહિલા ટીમ ગ્રુપ-ઉમાં ચીન, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે પોતાનાં અભિયાનની શરૂઆત કરશે.

